પથ્થરયુગનું ગુફા સાહિત્ય !

આટઆટલાં વરસો પછી એક ૨૦૨૦નું વરસ ખરાબ શું ગયું, માણસજાત બ્હાવરી બ્હાવરી બની ગઈ ! અલ્યા, જરા વિચારો, શું બધા પ્રોબ્લેમો આપણને જ નડી રહ્યા છે ? શું પથ્થરયુગના જમાનામાં એસી વિના, મોબાઇલ વિના, ટીવી વિના અને (અફકોર્સ), બ્યુટિ પાર્લરો વિના જીવી ગયેલા સ્ત્રી-પુરુષોને કોઈ પ્રોબ્લેમો જ નહીં થયા હોય ?


શું ગુફાઓમાં બેસીને સળગતાં લાકડાના પ્રકાશમાં બેસીને છ દિવસ વાસી ગધેડાનું હાડકું ચૂસતાં ચૂસતાં એ કાળા માથાના માનવી કોઈ વિચારો જ નહીં આવ્યા હોય ?

અરે, કાળી આઇ-બ્રોવાળી પથ્થરયુગની મહિલાને પણ તળાવના પાણીમાં પોતાનું ડાચું જોઈને કોઈ વિચારો નહીં આવ્યા હોય ? આવ્યા જ હશે ! ઇન ફેક્ટ, એ જમાનાના ચિંતક ટાઈપના જંગલીઓએ આવા વિચારો ગુફાની દિવાલો ઉપર કોતર્યા પણ હશે !

ધારો કે ખોદકામ કરતાં ક્યાંક એવી કોઈ ગુફા મળી આવે તો કલ્પના કરો, એની દિવાલો ઉપર શું શું લખેલું મળી આવે ?

***

પથ્થરની ગુફામાં રહેનારે બીજાની ગુફાઓ ઉપર પથ્થરો ના ફેંકવા જોઈએ. સળગતા કાકડા એ વધારે સારો વિકલ્પ છે.

***

જાનવરો અને માનવીઓ વચ્ચે પાયાનો તફાવત એ છે કે માનવીઓ કુદરતી હાજત માટે પોતાની ગુફાની બહાર જાય છે.

***

સ્ત્રીને હંમેશાં ગુફામાં જ રાખો. જો તે તમારી સાથે શિકાર કરવા માટે આવશે તો તમે જે પાડાનો શિકાર કરવાનું નક્કી કર્યું હશે તેનો રંગ તેને કદી પસંદ નહીં પડે.

***

પુરુષોની સાથે કચકચ કરીને એમને ગુફાની બહાર જ ભટકતા રાખો. નહિતર પોતે કોઈ એદી, આળસુ પાડાનો શિકાર શી રીતે કરે છે તેની બડાશો જ માર્યા કરશે. ઉપરથી એ એક જ પાડામાંથી સત્તર જાતની વાનગીઓ બનાવવાનો આગ્રહ રાખશે.

***

જેની ગુફામાં ઘણાં પ્રાણીઓ ચીતરેલાં હોય તે મોટો શિકારી નહીં, કદાચ મોટો ચિત્રકાર જ હોવાની સંભાવના છે.

***

સારા શિકારીઓ કદી સારા ચિત્રકાર નથી હોતા. અને સારા ચિત્રકારો કદી સારા શિકારીઓ નથી હોતા. છતાં દિવાલ ઉપર ચીતરેલાં ચિત્રો ઉપરથી જ ઇતિહાસ લખાતો આવ્યો છે.

***

એક સમય એવો આવશે જ્યારે ઇંટ, ચૂનો અને રેતી વડે બનેલી 'નકલી ગુફામાં' ચિત્રોનાં પ્રદર્શનો યોજાતાં હશે.

***

જો દસ પુરુષો મોં બંધ રાખીને ગમે તેવા મોટા સાંઢનો શિકાર કરી શકે છે તો એ જ સાંઢને રાંધતી વખતે દસ સ્ત્રીઓ કેમ મોં બંધ રાખી શકતી નથી ?

***

બે પથ્થરો એકબીજા સાથે ઘસાય છે ત્યારે તણખા ઝરે જ છે પણ જો આપણે પથ્થરોને એકબીજાથી દૂર રાખીશું તો ઠંડીનો સામનો શી રીતે કરીશું ?

***

આપણું વર્તન વિચિત્ર થતું જાય છે. એક તરફ આપણે વધુ ને વધુ તીક્ષ્ણ ભાલા બનાવી રહ્યા છીએ અને બીજી તરફ ભાલાઓનો ‘શાંતિપૂર્ણ’ ઉપયોગ કરવાની સલાહો આપી રહ્યા છીએ.

***

આજના ખુશખબર ! આજે તમે દિવાલ પર કંઈ પણ જુઠ લખી દો, કાલે તો એ ‘દિવાલ ઉપર લખેલું સત્ય’ જ ગણાશે !

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment