2020એ આપણી હાલત એવી ખરાબ કરી નાંખી છે કે 2021 માટે લોકો ગ્રિટીંગ્સમાં અતિશય ચાંપલા ‘પ્રેરણાદાયી’ વાક્યો મોકલી રહ્યા છે !
જોકે અમને તો અડધું વાક્ય વાંચતાં જ એમાં કંઈ ભલતો ટ્વીસ્ટ દેખાઈ જાય છે ! જુઓ…
***
ચિંતા ના કરો, તમારું ભવિષ્ય તમારા જ હાથમાં છે…
બાકી, પોલીસના હાથમાં ડંડા અને ડોક્ટરના હાથમાં તો બિલો જ હશે !
***
પરિસ્થિતિ સુધરે તેની રાહ ના જુઓ, અત્યારથી જ…
પરિસ્થિતિ બગડે તેનો ફાયદો ઉઠાવતાં શીખી લો !
***
આવનારું વરસ કોરી કિતાબ છે. તેમાં ભવિષ્ય લખવા માટેની પેન પણ તમારા જ હાથમાં છે. આગળ વધો, પોતાનું ભવિષ્ય પોતે જ લખો…
… અને પછી પોતે જ વાંચ્યા કરજો !
***
આવનારી એક એક ક્ષણ એની મેળે થઈ રહેલી એક નવી શરૂઆત છે…
- છતાં કેલેન્ડર તો નવું જ લાવવું પડશે !
***
જીવનપથ ઉપર રસ્તો ભૂલી જવું, ધ્યાન ભટકી જવું આ સૌ સાથે થઈ શકે છે. પરંતુ શ્રેષ્ઠ રસ્તો એ છે કે…
ગુગલ મેપ જોડે રાખવો અને ટ્રાફિક સાઇનો જોતા રહેવું.
***
નવું વરસ અનંત શક્યતાઓને લઈને આવી રહ્યું છે…
- જેનો અંત આખરે 31 ડિસેમ્બર 2021માં તો આવી જ જશે !
***
આજે તમે જે નિર્ધાર કરશો તેને સફળ કરવા માટે તમારે કાલે મહેનત તો કરવી જ પડશે…
તો પછી નિર્ધાર કરવાની એટલી ઉતાવળ શું છે ?
***
વીતી ગયેલા વરસે તમને જે બોધપાઠ શીખવાડ્યા છે તેને…
- ફોરવર્ડ કરો, યાર !!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment