છવ્વીસમી જરા અલગ છે...

દર વરસે 26મી જાન્યુઆરીએ સરખું જ હતું. રજા હોય એટલે મોડા ઉઠવાનું, ટીવી સામું બેસીને પરેડ જોવાની, ‘હેપ્પી રિપબ્લિક ડે’ એવા મેસેજો ફોરવર્ડ કરવાના અને પાંચ પાંચ રૂપિયાવાળા ઝંડા ખરીદીને દહાડો પુરો કરવાનો !


પરંતુ આ વખતે જરા અલગ છે…

***

આ વખતે બબ્બે પરેડ છે. એક પ્રજાસત્તાક પરેડ અને બીજી ટ્રેક્ટરની પરેડ !

***

એમાંય ‘બે ઉપર એક ફ્રી’ છે ! દિલ્હીમાં બે છે અને મુંબઈમાં એક વધારાની ફ્રી છે !

***

યાર, ન્યુઝ ચેનલો કઈ પરેડ બતાડશે ? અમને લાગે છે કે ‘તટસ્થ’ લાગવા માટે સ્ક્રીનના બે પાર્ટ પાડશે. એક બાજુ ટ્રેકટરો બતાડશે અને બીજી બાજુ ટેન્કો…

***

બિચારા ટીવી પત્રકારોની રજા બગડવાની. દર વરસે તો બપોરના બાર-એક વાગ્યા લગી દુરદર્શન જે મોકલે એ જ ‘લાઈવ’ ચાલતું હતું. આ વખતે ‘લાઈવ’ માટે લાંબા થવું પડશે.

***

દર વખતે તો સાવ ફાલતુ વિવાદો થતા હતા… ફલાણાને નિમંત્રણ ના મળ્યું.. ઢીકણા પરેડ વખતે ઊભા ના થયા… ફલાણાબહેન તો આવ્યાં જ નહીં… વગેરે…

પરંતુ આ વખતે સૌને એમાં રસ હશે કે ટ્રેક્ટર પરેડમાં કોણ કોણ દેખાયું ? અને કોણ હજી ના દેખાયું ?

***

પ્રજાસત્તાક પરેડ ઉપર વિમાનો ઉડતાં હશે (ડ્રીલ માટે) અને ટ્રેક્ટર પરેડ ઉપર ડ્રોન ઉડતાં હશે (સર્વેલન્સ માટે) !

***

આ બાજુ અલગ અલગ રાજ્યોનાં ફ્લોર હશે અને પેલી બાજુ અલગ અલગ રાજ્યોનાં બેનરો હશે !

***

અને બોસ… છેલ્લાં 70 વરસમાં પહેલી વાર 26 જાન્યુઆરીની પરેડમાં ‘શું થશે ?’ એનો સસ્પેન્સ હશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments