(એક કરુણ હાસ્ય લેખ)
એ જમાના ગયા જ્યારે બિચારા જુની પેઢીના ફિલ્મ સ્ટારો ફ્લોપ થઈ ગયા પછી પાછલી જિંદગીમાં ભિખારીઓ જેવી બરબાદ હાલતમાં જીવતા હોય. આજના ફિલ્મ-સ્ટારો પૈસા-ટકાનું ઇન્વેસ્ટમેન્ટ બરોબર જાણે છે પરંતુ એમની ‘પડતા ક્રમ’માં જે દશા થાય છે તે ખરેખર જોવા જેવી હોય છે…
સ્ટેપ વન : ટ્વીટર પે ટ્વીટર…
આ ફિલ્મ સ્ટારોને જેવું ભાન થાય છે કે હવે પોતે પબ્લિકની નજરોથી ગાયબ થઈ રહ્યા છે એટલે મેરા નામ જોકરના ગાયનની જેમ ‘ટ્વીટર કે દો આગે ટ્વીટર, ટ્વીટર કે દો પીછે ટ્વીટર…’ એમ રોજનાં બબ્બે ડઝન ટ્વીટ ફટકારવા માંડે છે !
સ્ટેપ ટુ : રિયાલીટી શો…
ટુંકમાં, ‘રિયાલીટી’ યાનેકે વાસ્તવિક્તાનું ભાન થતાંની સાથે આવા ફિલ્મ સ્ટારો રિયાલીટી શોમાં જજ તરીકે બેસી જાય છે ! નાચતાં ના આવડતું હોય છતાં ડાન્સ-શોમાં આવે છે, ગાતાં તો બાથરૂમમાં પણ ડર લાગતો હોય છતાં સિંગીગ-શોમાં બેસી જાય છે અને ફિલ્મોમાં લાફો પણ છ ઈંચ દૂરથી ખાધો હોય છતાં ‘ડેરિંગ-શો’માં જઈ પહોંચે છે !
સ્ટેપ થ્રી : કપિલ શર્માની લાઈફલાઈન…
ટોળાં તો ઠીક, કોઈ રડ્યું ખડ્યું પણ સેલ્ફી-ઓટોગ્રાફ લેવા ના આવતું હોય તેવી કરૂણ દશામાં સબડી રહેલા ફિલ્મસ્ટારો બિચારા ‘લાફ્ટર-થેરાપી’ સમજીને કપિલ શર્માના શોમાં દાંત બતાડવા આવી પહોંચે છે ! આમાં પોતે તો 'પા ડઝન' અથવા 'એક તૃતિયાંશ ડઝન'ના ભાવે એમાં જોડાયા હોય, એટલે બીજા ત્રણ કે ચાર ખખડી ગયેલા સ્ટાર જોડે બેસીને ફક્ત હસ્યા કરવાનું ‘કામ’ મળે છે !
સ્ટેપ ફોર : ફાલતુ કોન્ટ્રાવર્સી…
કોઈ ફોટોગ્રાફરને લાફો મારી દેવો, કોઈ ફિલ્મી પાર્ટીમાં ઝગડો કરવો, એકાદ અપ-કમિંગ જુવાન કે જુવાનડી સાથે ‘જાહેરમાં લફરું’ કરી બતાડવું, ડ્રગ્સના મામલામાં નામ ના ઉછળતું હોય તો પણ ઉછળવા દેવું અને કશું ના મળે તો ‘ફલાણાએ મારી ઇજ્જત ઉપર હાથ નાંખ્યો હતો’ એવી ફરિયાદ પોલીસ સ્ટેશન સિવાય બધે જ કરતા ફરવું !
સ્ટેપ ફાઈવ : ફિલ્મ નહીં તો એડ ફિલ્મ…
બ્રાન્ડ એમ્બેસેડર બનવાના જમાના તો પતી ગયા હોય છતાં લોકોની નજરમાં ટકી રહેવાના ધખારા પુરા કરવા માટે કોઈ ગરમ મસાલા, અગરબત્તી, ચમેલીનું તેલ અથવા ખિલ-મુહાસોંના ક્રીમ જેવી બ્રાન્ડની જાહેરખબરમાં આવવા માંડે છે.
સ્ટેપ સિક્સ : સમાજ કો બદલ ડાલો…
એક જમાનામાં ભલે પાર્ટીઓમાં દારૂ પીને લથડિયાં ખાધાં હોય પણ હવે અચાનક સમાજસેવા સુઝે છે ! કોઈ ગરીબ બાળકો સાથે ફોટા પડાવે છે, કોઈ ફાઉન્ડેશન બનાવીને ‘હેન્ડીક્રાફ્ટ’ને ‘બઢાવા’ આપવા નીકળી પડે છે, કોઈ રાજકીય પાર્ટીની પ્રચાર સભામાં ચાંપલાં ભાષણો કરવા માંડે છે અને છેવટે કશું ના સુઝે તો એકાદ બાળકને પરણ્યા વિના જ ‘દત્તક’ લઈ નાંખે છે !
સ્ટેપ સેવન : કમ-બેકના પ્લાન…
જાણે પોતે ગયા જમાનાના બહુ મોટા સુપરસ્ટાર રહી ચૂક્યા હોય એમ પોતાની ‘કમ-બેક ફિલ્મ’ની જોરશોરથી જાહેરાતો કરવા માંડે છે. જેમાં એમનો રોલ ‘બિલકુલ હટકે’ જ હોય, વાર્તા ‘બડી દિલચસ્પ’ જ હોય, ડિરેક્ટર ‘યંગ એન્ડ ટેલેન્ટેડ’ જ હોય અને હીરો કે હીરોઈન મોટા ભાગે પોતાનાથી અડધી ઉંમરના જ હોય ! બોલો.
સ્ટેપ એઇટ : થ્રો-બેક, પુરાની યાદેં…
જ્યારે નવા જમાનામાં સેટ થવાના કોઈ ચાન્સ ના દેખાતા હોય ત્યારે જુની મૂડી વટાવી ખાવાના ધંધા શરૂ કરે છે. ‘હમારે જમાને મેં…’ ‘મેરી જેબ મેં સિર્ફ આઠ આને થે…’ ‘મૈં આપ સબ કા શુક્રગુજાર હું જો ઇતના સારા પ્યાર દિયા…’ આવા ઇન્ટરવ્યુ આપવાના ચાલુ કરે છે કે જાણે જુના જમાનામાં બધા રોજ એમની આરતીઓ ઉતાર્યા વિના મોંમાં અન્નનો દાણો નહીં મુકતા હોય ! અને હા, ‘થ્રો-બેક’… મતલબ કે જુના આલ્બમના ફોટા જાણે શું ય મોટી એન્ટિક ચીજ હોય તેમ સ્પેશિયલ મિડીયામાં ‘શેર’ કરશે !
સ્ટેપ નાઈન : ટીવીસીની જાહેરખબરો…
રાતના બાર વાગ્યા પછી ટીવીમાં હોમિયોપેથીની ગોળીઓ, આયુર્વેદિક મલમ, વજન ઘટાડવાની દવાઓ, રૂદ્રાક્ષના જાદુઈ મણકા, ચમત્કારિક નંગ, રાતોરાત ધનવાન બનાવતું યંત્ર… વગેરેની જાહેરખબરોમાં આ ફિલ્મ સ્ટારો દેખાવા લાગશે ! (બિચારા એમ સમજતા હશે કે ભઈ, કોણ જોવાનું છે?)
સ્ટેપ ટેન : દુકાનનું ઉદ્ઘાટન…
છેવટે જે પાંચ પચ્ચીસનું ટોળું મને જોવા ભેગું થાય તો મને તે દહાડે ખુલાસીને ઝાડો તો થાય… ? એમ વિચારીને સાવ નાનાં શહેરોમાં સાવ મામૂલી દુકાન કે શો-રૂમનાં ઉદ્ઘાટનો કરવા માટે જ્યારે કોઈ ફિલ્મ સ્ટાર પહોંચી જાય ત્યારે માનવું કે બસ, આ જ તેનું ‘લાઈફ-ટાઈમ એચિવમેન્ટ’ છે !
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment