પાન ખાઈને થૂંકવા વિશે અથવા માવો (તમાકુનો મસાલો) ખાઈને પિચકારી મારવા વિશે કોઈએ ઝાઝું ચિંતન કર્યું જ નથી !
આ સરાસર અન્યાય છે ! આવો, આ ગહન વિષયના ચિંતનમાં સહભાગી થાઓ…
***
મામૂલી ખોંખારો ખાઈને ગળફો થૂંકી નાંખવો અને માવો અડધો કલાક લગી મોંમાં રાખ્યા પછી તેની પિચકારી મારવી એ બેમાં બહુ મોટો ફરક છે.
સીધુંસાદું થૂંકવું એ ખરાબ રીતે લખાયેલું ‘હાયકુ’ છે ! જ્યારે માવાની પિચકારી એ સિધ્ધહસ્ત કવિએ લખેલી કલાત્મક કવિતા છે !
***
જેમ ભગવાન દાંત આપે છે તો સાથે ચાવણું પણ આપે છે તે જ રીતે બિલ્ડરો આજના માણસ વચ્ચે દિવાલો ઊભી કરે છે તો સાથે સાથે દિવાલના ખૂણા પણ બાંધે છે.
***
અડધી સેકન્ડમાં કાઢી નાંખેલું થૂંક એ અધીરાઈની નિશાની છે જ્યારે અડધા કલાક પછી પણ ન મારેલી પિચકારી તે મૌનની સાધના છે.
***
એટલું જ નહીં, જ્યારે જ્યારે માણસ માવો થૂંકવા દૂર જાય છે ત્યારે તે કોઈ ઊંચી જ્ઞાનની વાત લઈને પાછો ફરે છે, પછી જ મૌન તોડે છે !
***
આ દેશમાં સૌને બોલવાનો અધિકાર છે પરંતુ તપસ્વી એ લોકો છે જે બીજાની વાહિયાત વાતો પણ માવો મમળાવતાં મૌન ધારણ કરીને સ્થિતપ્રજ્ઞ રૂપે સાંભળતા રહે છે.
***
કોઈ માણસને છેક ગળે આવી ગયેલો ગળફો ફરી ગળી જવો પડ્યો હોય તો એવું બે જ સ્થળે બને છે. એક, બૉસની કેબિન અને બે, મલ્ટીપ્લેક્સની સીટ !
***
શીખાઉ છોકરાઓ : માવો મોંમાં મુક્યા પછી હેડકીઓ ખાતા થઈ જાય છે.
અનુભવી પુરુષો : ઘેરા લાલ રંગની પિચકારી પાંચ ફૂટ દૂર સુધી ફેંકી શકે છે.
અઠંગ લિજેન્ડ્સ : માત્ર ભોજન પહેલાં પાણીના કોગળા કરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment