ન્યૂઝ ચેનલોએ શીખવેલા શબ્દો !

ન્યુઝ-ચેનલો જોઈ જોઈને આપણે થોડા નવા શબ્દો શીખી ગયા છીએ પરંતુ તેની પાછળનો અર્થ હજી સમજતા નથી ! જુઓ…


***

પર્દાફાશ થયો…

અહીં ટીવીનો પરદો તો સલામત જ રહે છે પરંતુ ચાર રસ્તે ઊભેલો પોલીસ કોઈ પાસેથી દસેક રૂપિયાની નોટ લે છે એવો વિડીયો જ્યારે ‘સામે આવે છે’… ત્યારે તેને ‘પર્દાફાશ’ થયો કહેવાય છે.

***

ધજાગર ઊડ્યા… લીરેલીરા ઊડ્યા…

આ બેમાં કદાચ બહુ મોટો ફેર છે. જ્યારે રાજકીય પાર્ટીનાં ટોળાં બેધડક ભેગાં થયાં હોય ત્યારે ‘ધજાગરા’ ઊડે છે અને મામૂલી લોકો બિચારા બજારમાં ખરીદી કરવા ઉમટે છે ત્યારે ‘લીરેલીરા’ ઊડી જાય છે.

***

તમે જોઈ શકો છો…

ટીવીમાં તમે જે જોઈ શકો છો તેના માટે જ કહેવામાં આવે છે કે ‘તમે જોઈ શકો છો !’ જાણે એ લોકો કહે નહીં ત્યાં સુધી તમે જોઈ જ શકતા નહોતા !

***

ક્યાંક ને ક્યાંક…

આમાં તમે જે જોઈ શકતા નથી તેની વાત હોય છે ! જેમકે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક નિયમો નેવે મુકાઈ રહ્યા છે,  ક્યાંક ને ક્યાંક ‘રંધાઈ રહ્યું’ છે !

***

એમ કહી શકાય કે…

આ ઉપરના બે શબ્દસમૂહોનો સરવાળો છે. જેમકે ‘તમે જોઈ શકો છો’ કે જાહેર શૌચાલય હોવા છતાં લોકો ખુલ્લામાં જાય છે તેથી ‘એમ કહી શકાય કે’ ‘ક્યાંક ને ક્યાંક’ સફાઈતંત્રમાં બેદરકારી ચાલી રહી છે.

***

ઊંઘતું ઝડપાયું…

આમાં દર વરસે પહેલો વરસાદ પડે ત્યારે સરકારી તંત્રને સામે ચાલીને ઊંઘતા ઝડપવાનો રીવાજ છે. હવે એ ના પૂછશો કે તંત્ર ‘સામે ચાલતું’ હતું તો ‘ઊંઘતું’ કેવી રીતે હતું ?

***

સૂત્રોના જણાવ્યા મુજબ…

સીધી વાત છે કે આ સૂત્રો ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે બીજગણિત સિવાયનાં સૂત્રો છે જે તમે ‘જોઈ ના શકો’ એ રીતે ‘ક્યાંક ને ક્યાંક’થી આવીને બધું જણાવીને ‘પર્દાફાશ’ કરી જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments