કવિ સંમેલનોની સાઈડ ઈફેક્ટો !

બસ, હવે થોડા દિવસોની વાર છે. પછી ‘રિયલ’ કવિ સંમેલનો શરૂ થઈ જશે. પરંતુ એની સાઈડ ઇફેક્ટોની ઘણાને ખબર નથી…


***

શ્રોતાઓને થતી સાઈડ ઇફેક્ટો

- અમસ્તા અમસ્તા (સમજ્યા વિના) વાહ વાહ કરવાની આદત પડી જાય છે.

***

- સત્તર વાર સાંભળી ચૂકેલી ગઝલની અઢારમી વાર ફરમાઈશ કરવાનો રોગ થાય છે.

***

‘ઇરશાદ’નો મતલબ જાણ્યા વિના અમુક શ્રોતા ‘ઇરશાદ… ઇરશાદ...’ કરતા થઈ જાય છે.

***

ક્યારેક કોઈ નવી શાયરી આવી ચડે તો બીજાઓ વાહ વાહ કરી નાંખે પછી (ટ્યૂબલાઈટ ના થઈ હોય છતાંય) વાહ વાહ નીકળી જાય છે.

***

કવિ તેના જાણીતા શેરની પંક્તિ હજી બોલે એ પહેલાં (મને આવડે છે એવું બતાડવા) આગળની પંક્તિ બોલી જવાય.

***

અથવા, કવિ તેની પંક્તિ બોલે કે તરત (પાંચમા ધોરણના ઠોઠ વિદ્યાર્થીની જેમ) કવિની પંક્તિ રીપિટ કરવાની આદત પડી જાય છે.

***

મંચ ઉપર બેસનારાને થતી સાઈડ ઇફેક્ટ

- બીજા કવિને ગમે એટલી દાદ મળતી હોય, પોતે બેસણામાં આવ્યા હોય તેવું જ ડાચું જાળવી રાખવાની ટેવ પડી જાય છે.

***

- પોતાનો વારો ક્યારે આવશે તેની રાહ જોતાં ઊંચાનીચા થયા કરવું…

***

- અને પોતાનો વારો પતી જાય પછી આ સંમેલન ક્યારે પતે (અને ક્યારે ચા-નાસ્તો મળે) તેની રાહ જોતાં ઊંચાનીચા થયા કરવું…

***

- શ્રોતાઓમાં કોઈ સુંદર યુવતીનું ધ્યાન પોતાના ઉપર પડે છે કે નહીં તેમાં વધારે ધ્યાન આપવું.

***

સંચાલકને થતી સાઈડ ઈફેક્ટો

- પોતે સંચાલક હોઈયે તો સૌથી વધુ પોતાની જ સંભળાવવી. (કવિતાઓ, ભઈ.)

***

- બીજા કવિનો પરિચય કરાવતાં તેની જે બેસ્ટ પાંચ છ શાયરીઓ હોય તે અગાઉથી પોતે જ સંભળાવી દેવી. (લે બેટા, હવે તું નવી ક્યાંથી કાઢીશ ?)

**

- અને જો વધારાનું બીજું માઈક પોતાના હાથમાં હોય તો પોતે ‘નવજોત સિધ્ધુ’ બનીને 'વાહ વાહ' કરતા ઉછળ્યા જ કરશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments