આજકાલ કોરોના-વેક્સિનની સાઇડ ઇફેક્ટો વિશે જોરદાર ‘જનજાગૃતિ’ આવી ગઈ છે ! જોકે આપણું ધ્યાન બીજી અમુક સાઈડ ઇફેક્ટો તરફ હજી ગયું જ નથી ! જેમ કે…
***
વર્ક-ફ્રોમ હોમની સાઈડ ઇફેક્ટો
- પેન્ટ પહેરવાની ટેવ છૂટતી જાય છે.
- છેક રાતના સૂવાનો ટાઈમ થાય ત્યાં સુધી ટાઈ પહેરી રાખવી પડે છે.
- લેપ-ટોપ જોઈને બોસનું ડાચું યાદ આવી જાય છે.
***
ઓનલાઈન ભણતરની સાઈડ ઇફેક્ટો
- ભલે ક્લાસમાં સૌથી છેલ્લા દાખલ થઈએ છતાં ય આખા ક્લાસની છોકરીઓના ફેસ ક્લોઝ-અપમાં જોવા મળે છે.
- ચાલુ ક્લાસે સર, મેડમ અને છોકરીઓ વિશે વોટ્સએપમાં કોમેન્ટો લખી શકાય છે.
- ક્લાસ પતી જાય પછી પણ ક્લાસના બહાને ‘બીજું બીજું’ જોઈ શકાય છે.
***
ન્યુઝ ચેનલોની સાઈડ ઇફેક્ટો
આમાં બે ટાઈપની સાઈડ ઇફેક્ટો હોય છે.
- અમુક ચેનલો જોવાથી લોહી ગરમ થઈ જાય છે, મગજની નસો તંગ થઈ જાય છે અને દેશદ્રોહીઓને મારી નાંખવાનું ઝનૂન ચડી આવે છે.
- બીજી અમુક ચેનલો જોવાથી ડિપ્રેશન આવે છે, આત્મા દુઃખી દુઃખી થઈ જાય છે, દેશ છોડી દેવાના વિચારો આવે છે, કોઈ તમને પકડી જશે અને ફાંસીએ ચડાવી દેશે એવો ડર લાગે છે.
***
ટીવી સિરિયલોની સાઇડ ઇફેક્ટો
- ઘરના ઝગડા કરતાં ટીવીમાં ચાલતા ઘરના ઝગડામાં વધારે રસ પડે છે.
- દાળમાં મીઠું વધારે પડી જાય તો પણ કોઈની ‘ચાલ’ હશે એવી શંકા જાય છે.
- શાક સમારવાનું હોય તો ટીવી જોતાં જોતાં ઝટપટ સમારાઈ જાય છે.
- અને બળી ગયેલી ખિચડી વિશેની ફરિયાદો સિરિયલના હેવી મ્યુઝિકમાં સંભળાતી જ નથી.
***
ટ્વીટરની સાઈડ ઇફેક્ટો
- આમ તો બહુ ખાસ નથી, પરંતુ ક્યારેક તેના કારણે તમારી ઓફિસ ઉપર બુલડોઝરનો હુમલો થઈ શકે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment