ટીવી પરિવાર.. બીજા પરિવાર..

અમને તો હમણાં ખબર પડી કે વરસમાં એક ‘પરિવાર ડે’ પણ આવે છે ! ચાલો, સારું છે. સોમવાર, મંગળવાર, બુધવાર વગેરેની જેમ એક પરિ‘વાર’ પણ છે ! આ પરિવારોનું એવું છે કે…


***

ટીવીમાં બે પરિવાર સૌથી ફેમસ થયા છે. મનોરંજન ચેનલમાં ‘સાસ ભી કભી..’નો વીરાણી પરિવાર અને ન્યુઝ ચેનલમાં કોંગ્રેસનો ગાંધી પરિવાર.

***

ગાંધી પરિવાર પછી જો કોઈ સૌથી ફેમસ અને મોટો પરિવાર આ દેશમાં કોઈ હોય તો તે ‘સ્ટાર પરિવાર’ છે !

***

ફિલ્મોમાં બધાં ‘ખાનદાનો’ છે… કપૂર ખાનદાન, ચોપરા ખાનદાન, ખાન ખાનદાન…

પણ ટીવીમાં બધા ‘પરિવારો’ જ છે ! ગડા પરિવાર, માહ્યાવાંશી પરિવાર, જયસ્વાલ પરિવાર, અગ્રવાલ પરિવાર, ભાભીજી પરિવાર, જીજાજી પરિવાર…

જોકે પોલિટિક્સમાં એક બહુ પાવરફૂલ પરિવાર છે… સંઘ પરિવાર !

***

ટીવી પરિવારમાં જો કોઈ નવી વહુ ફાટેલા દૂધમાંથી કંઈ વિચિત્ર વાનગી બનાવીને ફૂફીજીને ખવડાવી દેવાની ‘સાજિશ’ કરી રહી હોય તો એ કિસ્સો સાત સાત એપિસોડ સુધી ચાલે છે…

પણ ફિલ્મોના ફેમસ ખાનદાનોનાં છોકરાં કોઈ ડ્રગ-પાર્ટીમાંથી બહાર નીકળતા દેખાય તેના વિડીયો માંડ સાત મિનિટ પણ નથી ચાલતા ! બોલો.

***

ટીવીમાં આટલાં મોટાં પરિવારો ભેગા મળીને તહેવારો ઉજવે છે છતાં આપણે કોઈ દિવસ એવો ડાયલોગ નથી સાંભળ્યો કે..

‘બાબુજી, યે મેરી નનદ કે જમાઈ કે સાલે કી ફૂફી કા છોટા લડકા હૈ, જિસ કી સગાઈ મેરી મૌસી કી મુંહબોલી બહન કે ભતીજે કી છોટી સાલી સે હોનેવાલી હૈ…’

***

બાકી, ટીવીનાં પરિવારો ભવ્ય જાજરમાન લાંબા-ચોડા ડાઇનીંગ ટેબલ પર બેસીને કૌટુંબિક સમસ્યાઓનાં ડિસ્કશનો કરતાં બેઠા હોય છે...

તેને જોવા માટે આપણે સોફા ઉપર, ચટાઈ ઉપર કે ફોલ્ડીંગ ખુરશીમાં બેસીને હાથમાં થાળી ઝાલીને બુકડા ભરતા હોઈએ છીએ ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments