ઝુકરબર્ગને માલુમ થાય કે...

વોટ્સએપની પ્રાયવસી પોલીસીનો અમલ સવા ત્રણ મહિના પાછો ઠેલાયો એમાં અમુક લોકોને લાગે છે કે ઝુકરબર્ગ ઇન્ડિયાની પબ્લિકથી ‘ડરી’ ગયો !


અમુક લોકોનું કહેવું છે કે ઝુકરબર્ગને રેડ ‘સિગ્નલ’ મળી ગયો છે ! જોકે જોવાની વાત એ છે કે….

***

જે લોકો રેલ્વેના પાટે ‘ડબલું’ લઈને બેસે છે એ લોકો પણ પ્રાયવસીની વાત આવે તો કશું સાંખી લેવા તૈયાર નથી !

***

અને જે લોકો મોલમાં જઈને ડ્રેસ ખરીદ્યા વિના પહેરીને, તેના ફોટા ઉપર સેંકડો લાઈક ઉઘરાવી લે છે એમને હવે ડર પેસી ગયો છે કે ઝુકરબર્ગને હવે બધી ખબર પડી જશે !

***

ઇન ફેક્ટ, અમુક બહાદુર લોકોએ ‘સિગ્નલ’ના માલિકને રિકવેસ્ટ મોકલી છે કે પેલો ઝુકરબર્ગ ક્યાં જાય છે, કોને મળે છે તેની પ્રાયવેટ ઇન્ફરમેશન એક વાર અમને મોકલો... પછી અમે ‘જોઈ લઈશું !'

***

બીજી બાજુ, ઓટલે બેસીને આખા ગામની પંચાત કરનારા અને પાનના ગલ્લે ઊભા રહીને છેક નરેન્દ્ર મોદીને સલાહ આપનારા ‘એક્સ્પર્ટો’ ઇચ્છે છે કે ઝુકરબર્ગ તેમને દુનિયાભરની તમામ પ્રાયવેટ માહિતી પુરી પાડે ! જેથી પંચાત ઠોકવામાં જરા ઈઝી પડે...

***

જોકે હવે બૂટલેગરો, ગેંગસ્ટરો, કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓ સખત ડરી ગયા છે કે હવે એમની ખેર નથી ! કારણ કે ઝુકરબર્ગને ખબર પડી જશે કે એમને કેવા પિત્ઝા ભાવે છે અને વોટ્સએપમાં એમને કોણ કોણ 'ગુડ મોર્નિંગ' અને 'ગુડનાઇટ' મોકલે છે !

***

અને સીબીઆઈના અફસરો ફફડી રહ્યા છે કે હવે એમની નોકરીઓ જતી રહેશે !

***

બાકી, એક વાત તો સાબિત થઈ ગઈ કે ફેસબુકમાં જે લોકો ‘જાહેર જીવન’ જીવે છે એમની વોટ્સએપમાં તો ‘પ્રાયવેટ લાઈફ’ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments