જુના જમાનાની ભારે કાયાવાળી કોમેડિયન અભિનેત્રી ટુનટુન જ્યારે કોમલ કાયાવાળી હતી ત્યારે પણ ભારે અવાજે એક ગાયન ગાયેલું ‘અફસાના લિખ રહી હું, દિલ-એ-બેકરાર કા…’ તે આજે પણ અમુક સંગીત રસિયાઓને યાદ હશે.
ઉમાદેવીના નામે એમણે બીજાં પણ ગીતો ગાયાં પરંતુ લોકોના દિલોમાં યાદ આ જ રહ્યું ! છેક ત્યાં સુધી કે ટીવીમાં ‘સારેગામા’માં ટુનટુનજી સરસ મઝાનો પિન્ક ડ્રેસ અને પિન્ક રિબિન લગાવીને આવેલાં ત્યારે પણ ખાસ ફરમાઈશથી તેમને આ ગીત ગાવું પડેલું ! કોમેડિયન ટુનટુન મનમાં વિચારતી હશે કે ‘અફસાના લિખ રહી હું, સિર્ફ એક ગાને કા…!’
આવા ઘણા ગાયકો છે જે ‘વન સોન્ગ વન્ડર’ બની ગયા છે. એમના સ્વર્ગવાસ પછી ચિત્રગુપ્તજી જો એમનો ચોપડો ખોલે તો કદાચ ‘જમા’ ખાતામાં એક જ ગીત નીકળે અને ‘ઉધાર’માં પેલા ભૂલાઈ ગયેલા ગાયનો !
’70ના દાયકામાં ધમાકેદાર એન્ટ્રી સાથે આવેલી નાઝિયા હસન પણ બિચારી ‘વન સોન્ગ વન્ડર’ બનીને રહી ગઈ. ‘આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં…’ આવ્યું તેની સાથેની રેકર્ડમાં બીજા ચાર ગાયનો હતાં પણ બહેનને ‘આપ જૈસા’ એવું ચોંટ્યું કે બીજાં ગાયનોને ઉખાડી નાંખ્યા. આ ગાયન ફિરોઝ ખાને પોતાની એક ફિલ્મમાં લઈને ઝિનત અમાનને પરદા ઉપર નચાવી હતી છતાં નાઝિયાનું આગળ કંઈ થયું નહીં.
એવા જ એક ‘વન સોન્ગ વન્ડર’ હતા પાકિસ્તાનના ‘જૂનૂન’ ગ્રુપવાળા ચાર છોકરા. માથે મોટા મધપૂડા સાઇઝના વાળ, ચહેરા પર મેથીથી ભાજીની ઝુડીઓ ચોંટાડી હોય એવી દાઢી અને જિંથરાં જેવી વેશભૂષા ! એ લોકો ગાતા હતા કે કબજિયાતથી પીડાઈની ચીસો પાડતા હતા એ સમજવું મુશ્કેલ હતું. ગિટાર ખખડાવવા કરતાં વધારે અવાજ એમના ઠેકડા મારવાથી પેદા થતો હતો. એમનું એકમાત્ર ગાયન ‘સંયોનીઈઈઈ…’ હિટ થયું. પછી ‘ક્યાંયના નંઈઈઈ…!’
(આ ‘સંયોની’નો અર્થ શું થાય છે તેની હજી અમને ખબર પડી નથી.)
આવા વન સોન્ગ વન્ડર શી રીતે ગાયબ થઈ જાય છે તે ખરેખર કિસ્મતના ખેલ છે. ( જોકે ‘જૂનૂન’ બાબતે તો આપણું જ કિસ્મત સારું કહેવાય.) પાકિસ્તાનનો વધુ એક ગાયબ ગાયક એક સમયે છવાઈ ગયો હતો. ગાયન હતું ‘હવા હવા, એ હવા, ખુશ્બુ લૂટા દે…’ એનું નામ હતું હસન જહાંગીર. ઇન્ડિયામાં આ ગાયનની ‘1 કરોડ કેસટો વેચાઈ ગઈ’ એવી હવા હતી ! પછી કદાચ એને ભારતની આબોહવા માફક ના આવી. તે પાકિસ્તાનમાં જ થોડો ચાલ્યો.
વધુ એક વન સોન્ગ વન્ડરને યાદ કરીએ તો એમાં કમાલની વાત એ છે કે ગાયકનું નામ જ કમાલ હતું. કમાલ ખાન નામનો ગાયક સલમાન ખાનનો કંઈ દૂરનો સગો છે, એમ કહેવાતું હતું. તેનું ‘ઓ -ઓ- જાને જાનાં, ઢૂંઢે તૂઝે દિવાના…’ આ ગાયન સલમાન ખાને ‘પ્યાર કીયા તો ડરના ક્યા’માં સાવ ઉઘાડા થઈને ગાયું હતું એટલે લોકો સલમાનની બોડી જોવામાં ભરાઈ પડ્યા. અને ગાયકી ઉપર પાછળથી ધ્યાન પડ્યું ! આ કમાલ ખાને જે કોઈ બીજા ફરગેટેબલ ફિલ્મી ગાયનો ગાયાં છે તેમાંથી 80 ટકા ફિલ્મોમાં સલમાન ખાન પોતે છે ! (આ પણ કમાલની વાત છે ને ?)
એમ તો રજનીકાન્તના જમાઈ ધનૂષે ગાયેલું ‘વ્હાય ધિસ કોલાવરી ડી’ તો સુપરહિટ થઈ ગયું હતું. છતાં ધનૂષે બીજું કોઈ ગીત ગાવાની હિંમત કરી નથી. એ જ રીતે ગોવિંદાએ મસ્તીમાં આવીને ‘કિતને બિમાર યહાં… મેરી પેન્ટ ભી સેક્સી, મેરી શર્ટ ભી સેક્સી’ ગાયા પછી પોતાનું ગળું અજમાવ્યું નથી.
ઘણીવાર સારી ટેલેન્ટ હોવા છતાં કિસ્મત સાથ આપતી નથી. ગુમનામીમાં ખોવાઈ જનારા તો ઘણા હશે પણ જાણીતા થયા પછી ગુમનામ થનારામાં આપણા ગુજરાતી ગાયક દેવાંગ પટેલને જરૂર યાદ કરવા જોઈએ. ‘ગેમ્બલર’ ફિલ્મમાં બન્ને ગાયનો, ‘માધુરી દિક્ષિત મિલી રસ્તે મેં’ અને ‘મેરી મરજી’ સુપરહિટ થવા છતાં દેવાંગ પટેલને હિન્દી ફિલ્મોમાં આગળ ચાન્સ ના મળ્યા.
જોકે, એક યાદગાર વન સોન્ગ વન્ડર ગાયકનું તો નામ પણ ગાયબ થઈ ગયું છે! એ ગાયન આજે મિકા સિંગે પોતાના નામે ચડાવી માર્યું છે ! બાકી અમુક રસિયાઓને યાદ હશે કે પીળી ટાઈ, જાંબલી શર્ટ અને સફેદ કોટ પહેરીને એક પ્રૌઢ વયનો રોમેન્ટિક દેખાતો ગાયક તેના સિંગલ આલ્બમમાં જરાક નાકમાંથી મસ્તીભર્યા અવાજે ગાતો હતો ‘સાવન મેં લગ ગઈ આગ, દિલ મેરા હાયે…’
એ ભાઈને ઇન્ટરનેટમાં બહુ શોધ્યા પણ ક્યાંય દેખાયા નહીં. હા, મનમાં હજી એ છબિ તરવરે છે ! કદાચ એવું બને કે મિકા સિંગ તથા મ્યુઝિક કંપનીએ તેને ગુમનામ થઈ જવાની કિંમત ચૂકવીને ‘સાવન મેં લગ ગઈ આગ.’ ખરીદી લીધું હોય.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment