શંકર જયકિશનને 'બરસાત' શી રીતે મળી ?

યુવાન વયના શંકર અને જયકિશન એકબીજાને પહેલીવાર મળ્યા એ કદાચ કુદરતે સર્જેલી જાદુઈ ક્ષણ હશે ! શંકરે એક ઇન્ટરવ્યુમાં તેની બહુ સરસ શબ્દોમાં રજુઆત કરી છે :


‘મને પેલા યુવાન ઉપર સખત ગુસ્સો આવતો હતો કે ઉંમરમાં મારાથી નાનો દેખાતો હોવા છતાં કેમ ચૂપચાપ બેઠો છે ? અચાનક મારા મનમાં થયું, બિચારો મુંબઈમાં નવો લાગે છે… ત્યારે મારી નજર તેના દુબળા પાતળા અને મારા કસરતી તગડા શરીર પર પડી. મને સમજાયું કે તે શરમનો માર્યો બોલી શકતો નહોતો. આથી મેં જ તેની સાથે વાત કરવાની શરૂઆત કરી..’

કહેવાય છે કે પહેલી જ મુલાકાતમાં એમની વચ્ચે પોતપોતાની જાતે બનાવેલી ધૂનોની આપ-લે થઈ અને બન્ને વચ્ચે કોઈ અદૃશ્ય તાર સંધાઈ ગયો. જ્યારે શંકરે કહ્યું કે ‘તું અમારા પૃથ્વી થિયેટરમાં જોડાઈશ?’ ત્યારે શંકરના શબ્દોમાં…

‘તેનો ઉદાસ અને ચીમળાયેલો ચહેરો તેજથી જાણે ચમકવા લાગ્યો… મોંમાંથી એક શબ્દ નીકળી શક્યો નહીં… આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ…’ થોડીવાર પછી તે બોલ્યો. ‘આનાથી વધારે સારું કામ બીજું કયું હોઈ શકે?’

શંકરે તો પૃથ્વીરાજ કપૂરને પૂછ્યા વિના જ જયકિશનને આમંત્રણ આપી દીધું હતું. છેવટે થિયેટર ગ્રુપમાં ‘ગેંડા મહારાજ’ના વ્હાલસોયા નામથી જાણીતા શંકરની જીદ સામે પૃથ્વીરાજે નમતું મુક્યું. જયકીશનને પણ શંકર જેટલો જ, 75 રૂપિયાનો પગાર નક્કી થયો.

જોકે ત્યાંના એક સારંગીવાદકને આ ગમ્યું નહીં. તેણે જયકીશન માટે ટીકા કરી કે ‘ન જાને કહાં કહાં સે મુંહ ઉઠા કર ચલે આતે હૈં ?’

તીખા સ્વભાવના શંકરે એ જ રાત્રે તેનો બદલો લીધો. સારંગીનો હાથો (ગજ) સરસિયાના તેલમાં બોળી દીધો ! રાત્રે શો વખતે પેલાએ સારંગી પર હાથો ફેરવ્યો કે તરત એવો વિચિત્ર સૂર નીકળ્યો કે મોટો ઠઠ્ઠો થઈ ગયો !

આખી ઘટના પછી પૃથ્વીરાજ બહુ ગુસ્સે થયા પણ શંકરે છાતી કાઢીને કહી દીધું ‘મારા દોસ્ત વિશે કોઈ એલ-ફેલ બોલશે તો હું નહીં ચલાવી લઉં !’

હવે શંકર સાથે જયકિશનની જોડી સાચા અર્થમાં જામી. રાજકપૂરની પહેલી ફિલ્મ ‘આગ’ના સંગીતકાર રામ ગાંગૂલી હતા. રામ ગાંગૂલી પૃથ્વી થિયેટરમાં પણ સંગીત વિભાગ સંભાળતા હતા. ફિલ્મ બની રહી હતી તે વખતે ફિલ્મ સંગીતના સહાયકો તરીકે શંકર-જયકિશનને ઘણું શીખવા મળ્યું.

રાજકપૂર આ નવા યુવાનોના કામથી ખુશ હતા. ‘આગ’ પછી જ્યારે ‘બરસાત’ શરૂ થવાની હતી ત્યારે રાજકપૂરે રામ ગાંગુલીને કહ્યું કે ‘આ છોકરાઓની ધૂનો ફિલ્મમાં લેવા જેવી છે, ભલે નામ તમારું જ રહેશે.’ રામ ગાંગૂલીએ આ વાત સાવ ફગાવી દીધી.

ત્યાર બાદ એક વિચિત્ર ઘટના બની હોવાનું કહેવાય છે. લતા મંગેશકર એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં લટાર મારવા ગયાં ત્યારે ત્યાં રામ ગાંગૂલી એ જ ધૂન પરથી ગીત રેકોર્ડ કરી રહ્યા હતા જે ધૂન અસલમાં ‘બરસાત’માં વાપરવાની હતી ! આ વાત ખોટી પણ હોઈ શકે છે પરંતુ એ જાણ્યા પછી રાજકપૂરે શંકરને કહ્યું કે ‘બરસાત’નું સંગીત તારે જ સંભાળવાનું છે. ત્યારે શંકરે કહ્યું ‘ના, જયકીશન પણ મારી સાથે જ રહેશે.’ રાજકપૂર રાજી થઈને બોલ્યા ‘વાહ ગેંડા મહારાજ ! તુમ તો બહોત બડા દિલ રખતે હો !’

આ રીતે હૈદરાબાદના ગેંડા મહારાજ અને વાંસદાના જયકીશનની જોડી બની. સંગીત રસિયાઓ તો જાણતા જ હશે કે ‘બરસાત મેં હમ કો મિલે તુમ’ ગીતની તરજ અહીં અમદાવાદમાં જન્મી હતી !

વાત એમ બની કે પૃથ્વી થિયેટર અહીં નાટકોના શો કરવા આવ્યું હતું ત્યારે એક રાત્રે એવો ધોધમાર વરસાદ તૂટી પડ્યો કે સ્ટેજ અને શામિયાણો બધું જ તૂટી પડ્યું ! તે વખતે એક પલંગ નીચે ઘૂસેલા શંકર, જયકિશન અને રાજકપૂર મસ્તીના રંગે ચડ્યા હતા. એવામાં શંકર એક ડબ્બો અને વાડકો લઈને તાલ વગાડવા માંડ્યો ! ‘તાક ધીના ધીન…!!’ સાથે સાથે કાચા-પાકા શબ્દો જોડીને બન્ને જણાએ ધૂન લલકારવા માંડી ! એ જ વખતે રાજકપૂરે નક્કી કર્યું હતું કે ‘બરસાત ’ ફિલ્મમાં આ જ ધૂન રહેશે !

કદાચ આ એ જ ધૂન હતી જે લેવાની રામ ગાંગૂલીએ ના પાડી હતી. શંકર જયકિશનની કહાણી પછી આપણને જરૂર લાગે કે ‘જોડીઓ ઉપરવાળો બનાવે છે’ પરંતુ કમનસીબે જોડીઓ તોડવાનું કામ આપણે મનુષ્યો જ કરીએ છીએ.

અનોખી જોડી શી રીતે તૂટી તેની ખણખોદ કરવા કરતાં એમના સંગીતને માણવું એ જ વધારે સુખદાયી છે.

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments