ઉત્તરાયણના રુઢિપ્રયોગો પોલિટિક્સમાં !

ઉત્તરાયણમાં વપરાતા અમુક શબ્દો આજે દેશની રાજકીય સ્થિતિઓ ઉપર કેવા બંધબેસતા આવે છે ! જુઓ…


***

પેચ ગંઠાઈ ગયા છે…

ખેડૂતો, સરકાર, સુપ્રિમ કોર્ટ અને તેની સમિતિ… આ ચાર વચ્ચે ખેડૂત કાનૂનના પેચ એવા ગંઠાઈ ગયા છે કે હવે વાત ના પૂછો !

***

ઝોલ પડે છે

આખી વાતમાં છેલ્લા કેટલાય વરસથી કોંગ્રેસની પતંગ ટટ્ટાર તો ચગતી જ નથી અને જરીક ચગે ત્યાં તો ઝોલ કેટલી પડે છે !

***

લંગસિયાં નાંખે છે…

પોતાનું ધાબું ના હોય, પોતાની પતંગ ના હોય, કપાયેલી પતંગ પકડવા ઝંડો પણ ના હોય છતાં ‘પોતે કંઈક છે’ એવું બતાડવા માટે કંગના રાણાવત જે રીતે ઝઝૂમે છે એને બીજું શું કહેવાય ?

***

સહેલ ખાવા આવ્યા છે…

પતંગ ચગાવતાં આવડતી ના હોય, પેચ પણ લડાવતાં ના આવડતા હોય અને બીજાની ફિરકી તો હરગિઝ પકડવી ના હોય છતાં… મસ્ત ચગેલી પતંગે જે સહેલ ખાવા આવી પહોંચે છે તેવી બે જ વ્યક્તિ છે… એક રાહુલ ગાંધી અને બીજાં પ્રિયંકા ગાંધી !

***

લપેટાઈ ગયા…

બીજાની પતંગોને લપેટમાં લઈને પોતાની પાસે ખેંચી લેવાની કળામાં અમિત શાહ માહિર છે. દેશભરમાં જે પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે તેને ઉત્તરાયણની ભાષામાં ‘લપેટાઈ ગયા’ કહેવાય !

***

નમન બાંધવું પડે..

વારેઘડીએ કોઈ એક દિશામાં નમી જતા પતંગને જેમ સામેની સાઈડે નમન બાંધવું પડે છે તેવી દશા આજકાલ બિહારમાં નિતિશ કુમારની છે !

***

ઘીસી પાડે છે…

ખેડૂત આંદોલનની એકતા તોડવા માટેના ફાલતુ પ્રયાસોને બીજું શું કહેવાય ?

***

- મન્નુ શેખચલ્લી

Comments