2020માં કોરોના ના હોત તો...

આપણે 2020ના વરસને પેટ ભરીને ભાંડી લીધું. કોરોના અને ચીનનો કચકચાવીને વાંક કાઢી લીધો. 2021નું વરસ એવું ના જાય એના માટે ભગવાનને પ્રાર્થનાઓ પણ કરી લીધી પરંતુ જરા વિચારો, 2020ના વરસમાં કોરોના વાયરસ આવ્યો જ ના હોત તો ?


***

- તો આપણે દુનિયાના દેશોમાં રોડ અકસ્માતમાં કેટલા  મર્યા, કીડની-હાર્ટની તકલીફોમાં કેટલા મર્યા, ડ્રગ્સ પીને કેટલા મર્યા અને આત્મહત્યા કરીને કેટલા મર્યા તેના આંકડા વાંચતા જ ના હોત.

- ભારતના જ્યોતિષીઓએ જુલાઈ મહિના પછી ભવિષ્ય ભાખવાનું સદંતર બંધ ના કરી દીધું હોત !

- સુશાંત સિંહ રાજપૂતના મોતનો TRP માટે આટલો ઉપયોગ તો ના થયો હોત.

- છતાં રિયા ચક્રવર્તીએ જેલમાં શું ખાધું અને શું પીધું એની કુથલી તો કરી જ હોત.

- તોય, ‘આપણે’ શું ખાવું જોઈએ અને શું પીવું જોઈએ એની આટલી બધી સલાહો મોબાઈલમાં આવી ના હોત.

- ઉકાળા અને કાઢા કેટલી જાતના હોઈ શકે છે અને તે કેટલા ચમત્કારી છે તેની દેશને ખબર જ ના પડી હોત.

- પુરુષો રોટલી વણતાં શીખ્યા ના હોત અને મહિલાઓએ આટલી બધી વાનગીઓની ‘રિસર્ચ’ મોબાઈલમાં કરી ના હોત.

- અરે, નાની ઉંમરના બાળકોને મોબાઈલના ‘ફાયદા’ કદી જાણવા જ ના મળ્યા હોત.

- પોલીસોને કેટલી શાંતિ હોત ! રેગ્યુલરલી હપ્તા લીધા હોત અને માત્ર રમખાણો વખતે પબ્લિકને ડંડા મારવાની લિજ્જત માણી હોત.

- ‘ઘેર બેઠાં 50,000 કમાઓ’ એવી જાહેરખબરો છાપામાં વાંચીને આપણે કહેતા હોત ‘જાવ જાવ, હોતું હશે ?’

- અને એ જ જાહેરખબરો વાંચીને આજે નિરાંતે ઘરેબેઠા 50,000નો પગાર લેતા સરકારી કર્મચારીઓ મૂછમાં મલકાતા ના હોત.

- પેલા નર્મદા નદીના બ્રિજ પાસે આના કરતાંય લાંબા લાંબા ટ્રાફિક જામો થયા હોત. એ પણ દર મહિને !

- અને એ પણ વિચારો કે મોદી સાહેબ ગયા વરસે કેટલા દેશોમાં ફરી વળ્યા હોત !

- કદાચ મોદી સાહેબ જો અમેરિકા ગયા હોત તો આજે જો બિડન આક્ષેપ કરતા હોત કે ટ્રમ્પને જીતાડવામાં અમિત શાહે ગુપ્ત રીતે મદદ કરી હતી !

- રાહુલ ગાંધી તો જુલાઈ મહિનામાં જ ઇટાલી જઈને સંતાઈ ગયા હોત ! કારણ કે ખેડૂતોનું આંદોલન તો જુલાઈમાં જ શરૂ થયું હોત ને ?

- શ્રમિકોનાં પગનાં તળિયે છાલાં ના પડ્યાં હોત. એ તો ઠીક, પણ સોનુ સુદ બિચારો કઈ કમાણી ઉપર ફેમસ થયો હોત ?

- ફિલ્મના મોટાભાગના પ્રેક્ષકો ‘દિલ બેચારા’  ‘લક્ષ્મી’ અને ‘દુર્ગામતી’ના મારથી બચી ગયા હોત.

- અરે, સારા સારા ઘરોમાં આટલી બધી ગાળો ના સંભળાતી હોત. (વેબસિરિઝની યાર !)

- ‘તમે ફલાણી વેબસિરીઝ જોઈ ? અમે તો કાલે રાતના બે વાગ્યા સુધી જાગીને જોઈ નાંખી’ એવું કહીને આપણા પાડોશીઓ આપણને જલાવતા ના હોત.

- ઉલ્ટું, દર વરસની જેમ ‘અમે તો આ વરસે યુરોપની ટુરમાં જવાના છીએ, તમે ક્યાં જવાના ?’ એમ કહીને પાડોશીઓ આપણને જલાવતા હોત.

- વરસોથી જે ઘરમાં રહીએ છીએ એ ‘ઘર કેટલું મહાન છે’ એવું પેલા ચિંતનકારો આપણને સમજાવતા ના હોત.

- અને આપણે વટ કે સાથ આપણું ‘નાક’ સલામત રાખીને જાહેરમાં ‘મોં’ ખોલી શકતા હોત ! બોલો, શું કહો છો.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments