2020... એક એક વાક્યમાં !

2020નું વરસ જે રીતે વીત્યું છે એના વિશે લાંબી લાંબી અનેક દુઃખભરી દાસ્તાનો માંડી શકાય પરંતુ માત્ર એક એક વાક્યમાં પણ આખા વરસનો અનુભવ કહી શકાય ! જુઓ…


***

‘હેપ્પી ન્યુ યર’થી શરૂ થયું અને ‘નોટ વેરી હેપ્પી યર’થી પુરું થયું.

***

શરૂઆત શાહીન બાગથી થઈ અને સમાપ્તિ સિંધુ બોર્ડર ઉપર આવી.

***

માવા માટે ડંડા ખાધા અને પછી માસ્ક વિના દંડ ભર્યા.

***

ન્યુઝ જોઈ જોઈને ડરતા રહ્યા અને મેસેજો વાંચી વાંચીને હસતા રહ્યા…

***

ચીનનું ટિક-ટોક બાન થયું, પત્નીની ટક-ટક બમણી થઈ ગઈ.

***

ટીવીમાં રામાયણ અને ઘરમાં મહાભારત !

***

રામાયણમાં પુષ્પક વિમાનને જોયું અને શિલાન્યાસમાં સાહેબના વિમાનને જોયું.

***

અડધું વરસ ઘરમાં ગયું, ને બહાર નીકળ્યા તો માસ્ક નડ્યું !

***

અક્ષયને ‘લક્ષ્મી’ ફળી નહીં, સોનુને સૂદમાં (વ્યાજમાં) વાહ વાહ મળી.

***

સુશાંતનું સસ્પેન્સ ખુલ્યું નહીં, ડ્રગ્સનું ડિંડક પત્યું નહીં.

***

કંગનાનો કકળાટ ચાલુ રહ્યો, રિયાના રૂદનથી એને ફિલ્મો મળી ! બોલો.

***

સૌ ઘેર બેઠાં ગંગા ન્હાયા, એમાં ગંગાના પાણી ચોખ્ખાં થયાં !

***

સરવાળે, ટ્વેન્ટી ટ્વેન્ટીએ આપણી ‘ટેસ્ટ’ લીધી !
એમાં જે ‘પોઝિટીવ’ નીકળ્યા એમની સાથે જ ‘નેગેટિવ’ થયું ! કેવું કહેવાય, નહીં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments