જુના પંચાતિયા.. નવા ટ્રોલર્સ !

દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. પહેલા પ્રકારના લોકો સ્કુટર ઉપરથી કારમાં આવી જાય છે, ટેનામેન્ટમાંથી લક્ઝુરિયસ ફ્લેટમાં રહેવા જતા રહે છે, નોકરિયાતમાંથી બિઝનેસમેન બની જાય છે.


બીજા પ્રકારના લોકો છેલ્લા સત્તાવીસ વરસથી એક જ ઓટલે અથવા એક જ સોફામાં બેઠા બેઠા ‘બીજા લોકોએ શું કરવું જોઈએ’ તેની સલાહો આપતા રહે છે.

- આમાંથી ‘બીજા લોકો’ મોટે ભાગે ફેમસ લોકો હોય છે !

‘આ કોહલીને કાઢો ! ઈ દા’ડે દા’ડે લોભિયો તાતો જાય છે…’ અમારા કાનજીકાકા મેચ જોતાં જોતાં બળાપો કાઢે છે. બિચારો કોહલી છેક ઓસ્ટ્રેલિયમાં મેચ રમી રહ્યો છે પણ કાનજીકાકા અહીંથી ઘાંટો પાડે છે :

‘એય કોહલીડા ! કાં તો મેચ જીતીને બતાડ, કાં તો પાછો આવતો રે’, હાળા, લોભિયા ?’

આપણે કહીએ કે ‘કાકા, આમાં કોહલી લોભિયો શી રીતે થઈ ગયો ?’

‘ઈ કોહલીડાને રેકોર્ડું કરવાનો લોભ છે ! આટલી અડધી સદીયું, આટલી સદીયું, આટલી ઇનિંગું, આટલા હજાર રન… અલ્યા કોહલીડા, આ રેકોર્ડો પર જેટલું ધ્યાન દે છે એટલું રમવામાં દીધું હોત તો ?’

‘કાકા, વિરાટ કોહલી રમવામાં ધ્યાન આપે છે એટલે જ તો એના રેકોર્ડ બને છે.’

‘અરે, પણ હું કવ છું કે રેકોર્ડો કર્યા વિના કાંઈ ભૂખ્યું ર’ઈ જાતું’તું, ઈ કોહલીડું ? આવા તે કાં કેપ્ટન હોતા હૈશે ? એય ! નીકળ ! નીકળ !’

કાનજીકાકા ટીવી સામે ઘાંટા પાડતા રહે છે અને ત્યાં કોહલી વધુ એક બાઉન્ડ્રી ફટકારી દે છે…

અમારા કાનજીકાકા જુના જમાનાના છે એટલે ટીવી જોતાં જોતાં, છાપું વાંચતાં વાંચતાં કે મંદિરના ઓટલે બેસીને સામેના ખાલી બાંકડાને મોટી મોટી જોખાવે છે. ‘એય કંગનાડી ! હવે બઉ થ્યું હોં ? હવે એક અક્ષર પણ બોલી છે તો ડાબા હાથની એક ચોડી દઈશ !’

જો તમને અમારા કાનજીકાકા ફની લાગતા હોય તો હવે તેના નવા અવતાર પણ હાજર છે. આ છે સોશિયલ મિડીયાના ‘ટ્રોલર્સ’ ! એમના માટે હાથમાં ઝાલેલું સવા બે ઇંચ બાય સવા પાંચ ઇંચનું ચલિત દૂરભાષયંત્ર યાને કે મોબાઈલ ફોન એ જ ઓટલો છે, પાનનો ગલ્લો છે અને ટીવી સામે મુકેલો કાનજીકાકાનો સોફા છે.

ફરક એટલો જ છે કે આ લોકો પોતે સ્કુટરથી કારમાં અને ટેનામેન્ટથી લકઝુરિયસ ફ્લેટમાં પહોંચી ગયા હોવા છતાં એમને ફેમસ લોકો માટે ચોક્કસ પ્રકારની ચીડ છે. નાનામાં નાની સેલિબ્રિટી નાનામાં નાની હરકત કરે કે તરત આ લોકોનું લોહી ઉકળી ઉઠે છે.

પૃથ્વી શૉ નામનો મામૂલી ક્રિકેટર IPLની મેચમાં ઝીરોમાં આઉટ થયા પછી અંદર બેસીને ડીશમાં ઓમલેટ ખાતો હોય તો પણ આમને તકલીફ છે અને નુસરત જહાન નામની બંગાળની કોઈ મહિલા સાંસદ દુર્ગાપૂજા વખતે લાલ સાડી અને ફૂલોનો ગજરો નાંખીને, હાથમાં આરતીની થાળી લઈને ફોટા પડાવે તો પણ એમને તકલીફ છે !

મઝાની (ખરેખર તો ચીડ ચડે એવી) વાત તો એ છે કે આ લોકો અજીબ ટાઈપના અંગ્રેજીમાં કોમેન્ટ કરશે :

‘હેય યુ… (અપશબ્દ) યુ હેવ નોટ શેઈમ ? ઇટિંગ ઓમલેટ આફ્ટર ગેટિંગ આઉટ ? ધેન વ્હાય યુ ટેક લોટ ઓફ મની ?’

અથવા ‘બ્લડી (અપશબ્દ) ! યુ થિન્ક યુ કેન ઇન્સલ્ટ રિલીજન એન્ડ પરંપરા બિકોઝ બિકમિંગ એમપી ? હુ ઇલેક્ટ યુ ? કમ ટુ માય ટાઉન, આઈ વિલ રિમેમ્બર યુ સિકસ્થ બ્રેસ્ટ-મિલક !’

જોકે આ બન્ને પ્રકારના લોકો કરતાં બિલકુલ અલગ અને ઊંચા દરજ્જાના એક સજ્જન છે. તે કાળો સૂટ પહેરીને, સૂટની બાંયો ચડાવતાં, ટીવીના સ્ટુડિયોમાં બેઠાં બેઠાં પડકારો ફેંકે છે : ‘એય ફલાના, ફલાના ! હિંમત હો તો મુઝે એરેસ્ટ કર કે દિખા !’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments