તમે જો ન્યુઝના કીડા હો તો તમને એમ જ લાગે કે દેશમાં વોટ્સએપના બે જ ગ્રુપ છે : ‘મોદી ઝિન્દાબાદ’ અને બીજું ‘મોદી મુર્દાબાદ’ ! પણ સાવ એવું નથી. વોટ્સએપમાં જાતજાતનાં ગ્રુપ છે.
***
મૈં ભી શાયર ગ્રુપ
આવા કવિઓ જ્યારે ગાલિબ-ગુલઝારની ‘નવી’ શાયરીઓ બનાવીને થાકે છે ત્યારે રોજ સવાર પડે ને કોઈપણ નવો શબ્દ પકડીને (કે પકડાવીને) તેની ઉપર સૌ આઠ-દસ જોડકણાં ઘસડી કાઢે છે. પછી બધા દૈનિક ધોરણે એકબીજાની વાહ વાહ કરે છે.
***
મૈં ભી જ્ઞાની ગ્રુપ
આ જ્ઞાની આત્માઓ માત્ર પોતાના ગ્રુપમાં રહેવાને બદલે તમામ ગ્રુપોમાં ઘૂસણખોરી કરે છે અને જીવન જીવવાની રીત, સારી રીતે મરવાની રીત, સાચું સુખ, સાચું તડબૂચ, સાચું કેળું વગેરે કોને કહેવાય એવાં વિવિધ પ્રકારનાં જ્ઞાન વહેંચતા ફરે છે.
***
પાનખર ગ્રુપ
એક બાજુ બણગાં ફૂંકશે કે ‘અમારા જમાનામાં તો આહાહા…’ અને બીજી બાજુ ‘અલ્ઝાઈમરનો ઇલાજ’ ‘ઘુંટણના દુઃખાવાની અકસીર દવા’ ‘ઘરડાંઘર તો સમાજની શરમ છે’ એવી પોસ્ટો મુકવા ઉપરાંત સતત લખ્યા કરશે : ‘લાઇફ બિગિન્સ એટ સિકસ્ટી’…
***
પર્દાફાશ ગ્રુપ
આ ગ્રુપના સભ્યો પણ અઠંગ ઘૂસણખોરો છે ! આ લોકો ભલભલા પુલિત્ઝર પ્રાઇઝ વિનર પત્રકારોને પણ ચોંકાવી દે એવા ‘પર્દાફાશ રિપોર્ટો’ લઈ આવે છે. જેમ કે, ‘ભારત કો મુસલમાન બના દેને કી સાજિશ…’ ‘ચેતજો, કોકાકોલામાંથી નીકળ્યું મગરનું બચ્ચું…’ ‘સ્માર્ટ ફોનના વિડીયોથી આવે છે નપુંસકતા…. મસ્ટ વૉચ ટિલ ધી એન્ડ !’
***
સન્નાટા ગ્રુપ
આવાં ગ્રુપ કોઈ સંસ્થા કે જ્ઞાતિમંડળનાં હોય છે. આમાં કોઈ બે-ત્રણ જણા આંતરે દહાડે ‘ગુડ મોર્નિંગ’ અથવા ‘ગુડ નાઈટ’ સિવાય બીજું કંઈ ખાસ મુકતા નથી. આ ગ્રુપમાં કોઈ નવું એડ પણ નથી થતું અને કોઈ જુનું છોડી પણ નથી શકતું !
(વધુ ગ્રુપો કાલે…)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment