એક ટ્રોલ બહાદુરની માનસિક ડાયરી

સોશિયલ મિડિયાના વ્યાપ પછી દેશમાં નવા પ્રકારના લડવૈયાઓની આખી સેના ઊભી થઈ ગઈ છે. એમને ‘ટ્રોલર્સ’ કહેવામાં આવે છે.  ’70ના દશકમાં બિચારા સલીમ-જાવેદે માત્ર એક જ ‘એન્ગ્રી યંગ મેન’ પેદા કર્યો હતો પણ 2020 સુધીમાં તો આ સોશિયલ મિડિયાએ કરોડો ‘એન્ગ્રી મેન’ પેદા કરી દીધા છે. આમાંના કેટલાક યંગ છે, કેટલાક પ્રૌઢ છે છતાં બધા બાળક છે. (બુધ્ધિના હિસાબે)


આ ટ્રોલરો હંમેશાં ગુસ્સામાંજ હોય છે. એમનું હથિયાર મોબાઈલનું કી-પેડ છે. એમનો દારૂગોળો ગાળો અને અપમાનો છે. એમનું જો કોઈ રાષ્ટ્રવ્યાપી સંગઠન બનાવવામાં આવે તો એમનો સિમ્બોલ હશે ‘ઊંધો અંગૂઠો !’ એમને કશું જ ગમતું નથી. ખાસ કરીને જે લોકો સફળ છે, જાણીતા છે અને (મોબાઈલમાં બકવાસ કરવા સિવાય) કંઈપણ ‘કામ’ કરતા હોય એવા લોકો માટે આ ઉગ્રસેનાને ભારે ચીડ છે !

આજે અમુક લોકોને લાગે છે કે વેબ-સિરિઝોમાં ગાળો બહુ વધી ગઈ છે. અરે ભાઈ, તમે જરા સોશિયલ મિડિયામાં તો જુઓ ? અહીં ભારતની વસ્તી કરતાં પણ વધારે ગાળો રોજ ઠલવાય છે ! આવી ‘ગાળ-રિસાઈકલ’ ફૌજના લડવૈયાઓના દિમાગમાં શું ચાલતું હશે ? એક ઝલક…

***

ઉહુહું… આજે સવારે ઊઠવામાં મોડું થઈ ગયું. ઉપરથી સાલી કબજિયાત હેરાન કરે છે. લાવ, બ્રશ કરતાં પહેલાં મોબાઈલથી થોડો ફોર્સ લગાવી દઉં…

હાશ ! બે ચાર ક્રિકેટરો, છ સાત ફિલ્મી હિરોઈનો, આઠ દસ ન્યુઝ એન્કરો, પંદર વીસ ભક્તો અને ત્રીસ-ચાલીસ સેક્યુલરિયાઓને રેન્ડમલી, કોઈ ટોપિક જાણ્યા સમજ્યા વિના ગંદી ગાળો સાથેની કોમેન્ટો લખી નાંખી પછી જરા ખુલાસીને ઝાડો થયો… મને લાગે છે કે મેડિકલ કોલેજોમાં આ બન્ને પ્રકારના ઝાડા વિશે ભણાવવું જોઈએ, પણ સાલા ડોક્ટરો તો લૂંટવા જ બેઠા છે ને…

***

ચાલો, હવે ચા પીતાં પહેલાં સેલ્ફી લઈને સ્ટેટસ મુકું, Having chay with… અબે, આ શું ? ત્રાસ છે યાર ! અહીં ch ટાઈપ કરું છું કે તરત કોઈ ગાળ લખાઈ જાય છે ! દિમાગની કઢી થઈ જાય છે… હજી F લખું ત્યાં તો ચાર અક્ષરની ગાળ આવી જાય છે ! અરે, કોઈ ભાઈબંધને Mad કહેવું હોય તો પણ પુરા નવ અક્ષરની ગાળ આવી જાય છે !

આમાં ને આમાં ‘ફાધર્સ-ડે’ના દિવસે જ લોચો વાગી ગયો હતો… બાપા એવા બગડ્યા હતા કે મને છત્રીએ છત્રીએ માર્યો હતો.. યાર, આ ‘ઓટો-સ્પેલ’ને ગાળો ચોપડાવી હોય તો કોના એકાઉન્ટમાં જવાનું ?

***

સાંજ પડી રહી છે. આજે ઓફિસમાં વચ્ચે વચ્ચે ઘણું કામ થયું. લગભગ દોઢસો જેટલી છોકરીઓના એકાઉન્ટમાં જઈને દોઢ ડાહી, ચાંપલી, કાર્ટુન, સેક્સ-બ્યુટિ, લવ-યુ, ભાવ શું છે, આતી ક્યા ખંડાલા એવું બધું લખ્યું. છતાં ફક્ત બત્રીસ જ છોકરીઓએ મને બ્લોક કર્યો.

રિસેસમાં નેતાઓનો વારો કાઢ્યો. દેશદ્રોહી, બળાત્કારી, ભ્રષ્ટાચારી, ડફોળ, ગધેડા, અક્કલમઠા… એવી ગુજરાતી ‘ટ્રોલડીયું’ કરી. અરે હા, ‘અક્કલમઠા’થી યાદ આવ્યું, એક લેખકની ફેસબુકમાં આવી નવી નવી સરસ ‘વેજેટેરિયન’ ગાળો વાંચવા મળે છે.

જોકે નેતાઓ તો કદી કોઈ રિસ્પોન્સ આપતા જ નથી. (ઓળખી જાય તો ઢીબી નાંખવા માટે કાર્યકરો મોકલે છે) પણ લેખકોને ભેરવવાની બહુ મઝા પડે છે. એમાં શું કરવાનું, કે શરૂશરૂમાં એમનાં વખાણ કરવાનાં. આઈ એમ યોર ફેન… (ફેનનો F ટાઈપ કરતી વખતે ધ્યાન રાખવાનું) સુંદર લેખ… અદ્‌ભૂત વિચારો… આપનાં ચરણ ક્યાં છે… એવું બધું લખવાનું. બિચારો ડાહ્યા ડાહ્યા જવાબો આપવા માંડે પછી અચાનક જ કોઈ લેખનું ફક્ત હેડિંગ વાંચીને દે ધનાધન તૂટી પડવાનું !

બિચારો લાંબા  લાંબા ખુલાસા લખે તોય જવાબમાં ‘વાહિયાત દલીલ છે’ ‘બોગસ વાતો ના કરો’ એવું લખ્યા કરવાનું. છેવટે લખવાનું ‘સોરી, હું તો તમને કદી વાંચતો જ નથી ! હાહાહાહા… તમારી કેવી નસ ખેંચી ?’

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments