આજે વેબસિરિઝોમાં વધી ગયેલા અશ્ર્લીલતાના ડોઝ વિશે ગરમાગરમ ચર્ચાઓ થાય છે અને હવે તો OTT પ્લેટફોર્મ માટે પણ સેન્સર બોર્ડ બની જશે, ત્યારે યાદ આવી રહ્યો છે એ સમય જ્યારે હિન્દી ફિલ્મોમાં ‘એડલ્ટ’ ફિલ્મોનું એક વાવાઝોડું આવી ગયું હતું !
સમય હતો ’70ના દશકનો અને ફિલ્મ હતી ‘ચેતના’… બી. આર. ઈશારા નામના દિગ્દર્શકે સાવ ટચૂકડા બજેટમાં માત્ર 21 દિવસમાં શૂટ કરી નાંખેલી આ ફિલ્મે હાહાકાર મચાવી દીધો હતો. ફિલ્મનાં પોસ્ટરો જોઈને જ ભલભલાનાં ભવાં ચડી ગયાં હતાં. મોટાં બેનરોમાં તો દ્રશ્ય એવું હતું કે યુવતીના બે પહોળા ઉઘાડા પગની વચ્ચે બિચારો અનિલ ધવન કૂર્તો અને પેન્ટ પહેરીને ન સમજાય એવી નજરે આ તરફ જોઈ રહ્યો છે. (ફિલ્મમાં પણ એ દૃશ્ય એમ જ હતું. હા, એમાં સમજાય એવા સંવાદો હતા.)
આ પહેલાંની હિન્દી ફિલ્મોમાં સેક્સ-વર્કર જેવા વિષયને કોઈએ અડવાની યે હિંમત કરી નહોતી. ત્યાં ‘ચેતના’એ વિષયને ઉઘાડો કરીને મુકી દીધો હતો. અગાઉની ભોળી માસૂમ ફિલ્મો ‘તવાયફ’ને નામે મુજરા-સોંગ રજુ કરીને સંતોષ લેતી હતી. પણ બી. આર. ઈશારા બેઝિઝક એક એવી વાર્તા લઈને આવ્યા કે વિવેચકોએ પણ નોંધ લેવી પડી. અમને બરોબર યાદ છે, બરોડાની M.S. યુનિ.ના કેમ્પસ પાસેનાં થિયેટરમાં કોલેજિયન યુવતીઓ પણ ડઝન બે ડઝનના ઝુમખામાં ‘ચેતના’ જોવા આવતી હતી.
એ જ વરસે રેહાના સુલતાનની એક એવોર્ડ વિજેતા ફિલ્મ ‘દસ્તક’ પણ આવી હતી. જેમાં ઓછા પગારવાળા સંજીવકુમારને બદનામ મહોલ્લામાં ભાડુતી ઘર લેવું પડે છે, જ્યાં રેહાનાને મનોમન ડર લાગવા માંડે છે કે ક્યાંક હું એ ‘બની’ તો નહીં જાઉં, જે લોકો મને ‘સમજે’ છે ? આ બન્ને ‘A’ સર્ટિફીકેટવાળી ફિલ્મોને કારણે રેહાનાની છાપ ‘બોલ્ડ એન્ડ સેક્સી’ હિરોઈનની બની ગઈ.
‘ચેતના’ને પગલે પગલે ‘A’ સર્ટિફિકેટવાળી ફિલ્મોની લંગાર શરૂ થઈ ગઈ ! રામદયાલ નામના પ્રોડ્યુસરે તો પોતાની ‘દો રાહા’ ફિલ્મના આખા પોસ્ટરમાં મોટો ‘A’ ચિતરાવ્યો હતો !
બીજી બાજુ બી.આર. ઈશારાએ ધડાધડ ‘ક્વીકીઓ’ જ બનાવવા માંડી હતી. જેમાં ‘ઝરુરત’ ફિલ્મમાં રીના રોયે જે એક દ્રશ્ય ભજવ્યું હતું. તેનાથી સનસનાટી મચી ગઈ હતી. હા, એ વખતે ફિલ્મનાં પોસ્ટરો ફાડવાં કે થિયેટર બહાર ધરણાં કરવા જેવા કોઈ તમાશા થયા નહોતા. બી આર ઇશારા ક્રાંતિકારી કહેવાય કે વિકૃત ? તે તો ‘જ્ઞાનીઓ’ જાણે પણ તેમણે ‘બાઝાર બંધ કરો’, 'તન મેરા મન તેરા' જેવી બોલ્ડ ફિલ્મો ઉપરાંત 'ચરિત્ર'માં પરવીન બાબી અને ‘પ્રેમશાસ્ત્ર’માં તો દેવ આનંદ જેવા મોટા સ્ટારને બાટલામાં ઉતારી લીધા હતા. (‘એક નઝર’માં અમિતાભ અને જયા હતા પરંતુ વાર્તા એવી ખાસ અવળચંડી નહોતી.)
આ બધાની સાથે સાથે ‘સી’ અથવા ‘ડી’ ગ્રેડ કહેવાય એવી ‘હવસ કી પૂજારન’ ‘જવાની કા જલવા’ ‘મસ્ત મહોબ્બત’ ટાઈપની ફિલ્મો ડઝનના ભાવે બનતી હતી જેની આજે નાનકડી ‘ઐતિહાસિક નોંધ’ પણ મળતી નથી. (અમે માત્ર એનાં પોસ્ટરો જોયાં હતાં, ફિલ્મો નહીં, હોં !)
પરાકાષ્ટા તો ત્યાં આવી જ્યારે બી. કે. આદર્શ નામના પ્રોડ્યુસરે સ્ત્રી-પુરુષના જાતિય રોગો વિષે જાણકારી આપતી ‘ગુપ્તજ્ઞાન’ નામની બે કલાકની ડોક્યુમેન્ટ્રી બનાવી નાંખી. જે થિયેટરોમાં ‘હાઉસફૂલ’ થતી હતી ! આ હતો ‘A’ સર્ટિફીકેટના વાવાઝોડાનો પ્રભાવ !
આજે સની લિયોને ઓફ સ્ક્રીન યાને કે મોટા પરદા સિવાય અન્યત્ર જેવું પ્રદર્શન કર્યું છે એવું કશું જ ‘એ’ હિરોઈનોએ કર્યું નહોતું ! પરંતુ એમને આ ‘ખરાબ’ ઇમેજમાંથી બહાર આવવામાં બહુ તકલીફો પડી. રાધા સલુજા સાવ ગાયબ થઈ ગઈ, રેહાનાની કેરિયર લાંબી ન ચાલી. માત્ર રીના રોય મેઇન-સ્ટ્રીમમાં ફિલ્મોમાં પ્રખ્યાત બની.
***
- મન્નુ શેખચલ્લી
સ'રસ'
ReplyDeleteએ રસ નવ રસમાં એક મહત્વપૂર્ણ રસ છે !
ReplyDeleteપરંતુ શ્રુંગાર રસ અને બિભત્સ રસ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે. 😊😊
Saras information.
ReplyDeleteThanks for the feedback !
ReplyDelete