ક્યાં એ કોંગ્રેસ? ક્યાં આ?

લો બોલો, 28 ડિસેમ્બરે કોંગ્રેસનો 136મો સ્થાપના દિવસ હતો ત્યારે ખુદ સોનિયાજી અને રાહુલજી જ હાજર નહોતા !


શું દશા થઈ છે કોંગ્રેસની ! ક્યાં એ કોંગ્રેસ અને ક્યાં આ કોંગ્રેસ…

***

એ કોંગ્રેસની સ્થાપનામાં બે બ્રિટીશરો આગળ પડતા હતા…

આ કોંગ્રેસનું વિસર્જન કરવામાં બે ઇટાલિયનો આગળ પડતા લાગે છે !

***

દેશને આઝાદી મળી ગઈ પછી ગાંધીજી કહેતા હતા કે કોંગ્રેસને વિખેરી નાંખો…

આજે રાહુલ ગાંધીને ‘જવાબદારીમાંથી’ આઝાદી જોઈએ છે એટલે કોંગ્રેસને વિખેરી રહ્યા છે !

***

ગાંધીજી માત્ર બે વાર ઇંગ્લેન્ડ ગયા હતા. એકવાર ભણવા માટે અને બીજી વાર વાટાઘાટો માટે…

રાહુલજી સાત વાર ઈટાલી ગયા છે. એકવાર નાનીને મળવા માટે, બીજી વાર નાનીને મળવા માટે, ત્રીજી વાર નાનીને મળવા માટે, ચોથીવાર નાનીને….

***

ભારતના પ્રથમ સ્થાપના દિને ગાંધીજી છેક બંગાળમાં હતા અને રમખાણોને શાંત કરવામાં લાગ્યા હતા…

કોંગ્રેસનાં 136માં સ્થાપના દિને સોનિયાજી પણ ક્યાંક દૂર હતાં અને વિડીયોમાં બોલ્યાં કે દેશમાં આઝાદી પહેલાં જેવી જ સ્થિતિ છે ! (આમાં શું સમજવાનું ?)

***

એક સમયે કોંગ્રેસની સામે વિરોધપક્ષ જેવું કશું હતું જ નહીં…

આજે ખુદ કોંગ્રેસમાં જ વિરોધપક્ષ જેવું કશું બચ્યું નથી !

***

એક સમયે ગાંધીજીએ ‘અંગ્રેજ-મુક્ત’ ભારતનું સપનું જોયું હતું…

આજે ‘કોંગ્રેસ-મુક્ત’ ભારતનું સપનું ભલે મોદીજી જોતા હોય પણ બધી મહેનત તો રાહુલજી જ કરે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments