હજી કોરોના વાયરસ ગયો નથી… હજી વેક્સિન આવી નથી… આવા સમયે સતત વિચારો આવે છે કે આમ ન હોત તો તેમ જરૂર હોત !
***
મારા અંગત મુજથી
રીસાયા ન હોત…
જો લગ્નમાં પચાસની
લિમિટ ના હોત !
***
સ્મિત ચહેરાનાં એણે
છુપાવ્યાં ન હોત…
જો હજારનો દંડ
ખુલ્લા ચહેરે ના હોત !
***
આજે એને ને મારે
આમ છેટું ન હોત..
જો થિયેટરમાં વચલી
સીટ ખાલી ના હોત !
***
પલંગ પણ અમારા
સાથે-સાથે જ હોત…
જો એ પોઝિટીવ
’ને હું નેગેટિવ ના હોત !
***
મેં કરી હોત સેવા
કોવિદના દરદીઓની…
જો સુપ્રિમનો નવો
સ્ટે-ઓર્ડર ના હોત !
***
મિલનની આ રાતો
વિરહની ના હોત..
જો દિવાળીમાં પબ્લિક
બધે ઉમટી ના હોત !
***
દેખાવ મારો આવો
લઘર-વઘર ન હોત…
જો વર્ક ફ્રોમ હોમનો
આવો કહેર ના હોત !
***
ગૃહ-કાર્યો મહીં હું
આત્મનિર્ભર ન હોત..
જો કામવાળીનો
પત્નીને ડર ના હોત !
***
ઉડતાં પંખીને જોઈ
મનમાં ખયાલ કેવા ?...
કાશ, ચીનનું પેલું
ચામાચિડીયું ના હોત !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment