અમુક લોકોને એમ જ લાગે છે કે દેશમાં વોટ્સએપના બે જ ગ્રુપ છે : ‘મોદી ઝિન્દાબાદ’ અને બીજું ‘મોદી મુર્દાબાદ’ ! પણ સાવ એવું નથી. વોટ્સએપમાં જાતજાતનાં ગ્રુપ છે. અહીં ડઝન ટાઈપનાં ગ્રુપોનું લિસ્ટ છે. તમે જોઈ લો કે તમે કયા કયા ગ્રુપમાં છો ?..
મૈં ભી શાયર ગ્રુપ
આવા કવિઓ જ્યારે ગાલિબ-ગુલઝારની ‘નવી’ શાયરીઓ બનાવીને થાકે છે ત્યારે રોજ સવાર પડે ને કોઈપણ નવો શબ્દ પકડીને (કે પકડાવીને) તેની ઉપર આઠ-દસ જોડકણાં ઘસડી કાઢે છે. પછી બધા દૈનિક ધોરણે એકબીજાની વાહ વાહ કરે છે.
બોલો, તમે શાયર ખરા ?
મૈં ભી જ્ઞાની ગ્રુપ
આ જ્ઞાની આત્માઓ માત્ર પોતાના ગ્રુપમાં રહેવાને બદલે તમામ ગ્રુપોમાં ઘૂસણખોરી કરે છે અને જીવન જીવવાની રીત, સાચી રીતે મરવાની રીત, સાચું સુખ, સાચું તડબૂચ, સાચું કેળું, ખોટું કેળું... વગેરે કોને કહેવાય એવાં વિવિધ પ્રકારનાં જ્ઞાન વહેંચતા ફરે છે.
બોલો, તમે જ્ઞાની ખરા?
પાનખર ગ્રુપ
આ સિનિયર સિટીઝનો એક બાજુ બણગાં ફૂંકશે કે ‘અમારા જમાનામાં તો આહાહા…’ અને બીજી બાજુ ‘અલ્ઝાઈમરનો ઇલાજ’ ‘ઘુંટણના દુઃખાવાની અકસીર દવા’ ‘ઘરડાંઘર તો સમાજની શરમ છે’ એવી પોસ્ટો મુકવા ઉપરાંત સતત લખ્યા કરશે : ‘લાઇફ બિગિન્સ એટ સિકસ્ટી’…
બોલો, તમારી ઉંમર કેટલી થઈ ?
પર્દાફાશ ગ્રુપ
આ ગ્રુપના સભ્યો પણ અઠંગ ઘૂસણખોરો છે ! આ લોકો ભલભલા પુલિત્ઝર પ્રાઇઝ વિનર પત્રકારોને પણ ચોંકાવી દે એવા ‘પર્દાફાશ રિપોર્ટો’ લઈ આવે છે. જેમ કે, ‘ભારત કો મુસલમાન બના દેને કી સાજિશ…’ ‘ચેતજો, કોકાકોલામાંથી નીકળ્યું અજગરનું બચ્ચું…’ ‘સ્માર્ટ ફોનમાં વિડીયો જોવાથી આવે છે નપુંસકતા…. વૉચ ટીલ ધન એન્ડ !’
બોલો, તમે આની અડફેટે તો આવ્યા જ છો ને?
સન્નાટા ગ્રુપ
આવાં ગ્રુપ કોઈ સંસ્થા કે જ્ઞાતિમંડળનાં હોય છે. આમાં કોઈ બે-ત્રણ જણા આંતરે દહાડે ‘ગુડ મોર્નિંગ’ અથવા ‘સુવાક્ય’ મુકતા હોય છે. આ ગ્રુપમાં કોઈ નવું એડ પણ નથી થતું અને કોઈ જુનું છોડી પણ નથી શકતું !
બોલો, તમે કઈ નાતના ?
બુધ્ધિજીવી ગ્રુપ
અહીં બધા ઇન્ટેલેક્ચ્યુઅલો ભેગા થયા હોય છે. એમના મેસેજોમાં ‘વાઉ’ ‘ઓસ્સમ’ ‘ટુ મચ’ ‘ઓહો’ ‘LOL’ ‘ROFLOL’ એવું ટુંકું ને ટચ કશું નથી હોતું. બધાને અહીં પોતાની બુધ્ધિનું પ્રદર્શન કરવાનું હોય છે. તેથી મેસેજો 20 માર્કના નિબંધથી નાના ક્યારેય નથી હોતા.
એમાંથી વળી જો બે ચાર જ્ઞાનીઓ વચ્ચે ચર્ચા ફાટી નીકળે તો દિવસના અંતે એકાદ કિલોમીટર જેટલી લાંબી ટેકસ્ટનો પટ્ટો ઉતરે છે.
બોલો, તમારો આઈક્યુ કેટલો છે ?
વૉક-આઉટ વૉક-ઇન ગ્રુપ
આ ગ્રુપ હકીકતમાં ઉપરના ગ્રુપનું પેટા-ગ્રુપ છે. આમાં અમુક મહાનુભાવોને વારંવાર માઠું લાગી જાય છે. તેથી તેઓ ગ્રુપમાંથી ‘વોક-આઉટ’ કરી જાય છે. (ફલાણા ફલાણા લેફ્ટ ધ ગ્રુપ)
થોડા દિવસો બાદ એમના જ કોઈ ‘સહ-વિચારધારી’ સજ્જન તેમને ફરી એડ કરે છે. (ફલાણા ફલાણા એડેડ ફલાણા ફલાણા)
બોલો, તમે ઈન છો કે આઉટ ?
જુનું એટલું સોનું ગ્રુપ
આવા ગ્રુપના લોકો ભૂતકાળમાં જ જીવે છે. જુની ફિલ્મો, જુનાં ગાયનો, જુનાં ભજનો, મરી ગયેલા મહાન લોકો, મરવાને કારણે જ મહાન બની ગયેલા લોકો… આવું બધું શેર કર્યા કરે છે. આમાંથી મોટાભાગના વડીલોની યાદશક્તિ નબળી હોવાથી બે-ચાર મહિને બધું વારંવાર રિપીટ થતું રહે છે.
બોલો, આવું ક્યાંક વાંચેલું છે ને ?
ઝુંબેશ ગ્રુપ
‘માખી મારવાના ઉદ્યોગને સરકાર સબસીડી કેમ ના આપે..’થી માંડીને ‘રોડના ખાડાથી મણકા ભાંગવાનું વળતર કેમ ના મળે..’ જેવા કોઈપણ મુદ્દે બનેલા આવા ગ્રુપોમાં માત્ર આઠ દસ જણા જ હાકલ પડકારા કરતા રહે છે. બાકીના ‘સહી ઝુંબેશ’માં પોતાની ડિજીટલ સંમતિ આપ્યા પછી પેજ ખોલતા પણ નથી.
બોલો, તમારી સહી કરાવી લીધી ?
રિ-યુનિયન ગ્રુપ
તમે માર્ક કરજો, વરસો પહેલાં સ્કુલમાં ભણેલા સ્ટુડન્ટોનું રિ-યુનિયન માટે ગ્રુપ બને કે તરત છોકરાઓ (ભૂતકાળના) શરૂ થઈ જશે : ‘અલ્યા પેલો અતુલ અંચઈડો ક્યાં છે ?’ ‘ગીરીશ ગોટીને મેં શિકાગોની એક મોલમાં પોતાં કરતો જોયેલો’ ‘ભઈ, રાજુ રોત્તલનો કોઈ પત્તો મળે તો કહેજો’….
હજી ટોળકી 20-25 જણાની થઈ નથી કે શરૂ થઈ જશે ‘પેલી અનામિકા ક્યાં છે ?’ ‘કોણ, હિરેનનો માલ ?’ ‘એ તો પરેશ પટેલને પરણી ગઈ’ ‘ના હોય !’ ‘રાગિણીનો જુનો ફોટો મારી કને હતો.. જુઓ !’ ‘આયે હાયે’ ‘યાર, માલવિકા શું માલ હતી નંઈ ?’ ‘સાંભળ્યું છે કે ડિવોર્સ થઈ ગયા એના’ ‘બોસ, કટી પતંગમાં ઝોલ મારવા જેવી છે, હોં !’
આવું બધું ચાલી રહ્યું હોય ત્યાં અચાનક કોઈ ‘મીરા શાહ’ અને ‘લવંગલતા પટ્ટણી’ ગ્રુપમાં જોડાઈ જાય કે તરત બધા છોકરાઓ (એટલે કે રોમેન્ટિક ડોસલાઓ) ડાહ્યા ડમરા થઈ જાય !
ઉપરથી એકાદ ગીતા અથવા ક્રિષ્ના પોતાના પતિ સાથેના ફોટા પોસ્ટ કરે એટલે તો સન્નાટો છવાઈ જાય ! પછી ધીમે ધીમે ચાંપલી પોસ્ટો આવવા માંડે ‘આહાહા, કેવી સંસ્કારી શાળા હતી આપણી…’ ‘એ સંસ્કારધામનાં ફરી દર્શન ક્યારે થશે ?’
છેવટે ‘કમિટી બનાવો’ ‘જવાબદારી ઉપાડી લો’ ‘પ્લાનિંગ શરૂ કરો’ ‘મિટિંગમાં બધાએ આવવાનું છે’ એવું શરૂ થાય કે તરત 90 ટકા મેમ્બરો ફક્ત રિ-યુનિયનની ટાઈમ-ડેટ-વેન્યુ એનાઉન્સ થવાની રાહ જોતા બેસી રહે છે…
બોલો, તમારું રિ-યુનિયન પતી ગયું કે બાકી છે?
મૈં ઔર મેરે ચમચે ગ્રુપ
અહીં 99 ટકા પોસ્ટ ગ્રુપ એડમિનની પોતાની જ હોય છે ! બાકીના 99 ટકા મેમ્બરો ‘વાહ’ ‘સુપર્બ સર’ ‘જોરદાર’ એવી ટુંકાક્ષરીઓ અથવા 'અંગૂઠો' તથા ‘જય જય’નાં ઇમોજી જ મુકી શકે છે.
બોલો, હવે નીચે શું કોમેન્ટ કરશો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment