આપણાં ફેમિલી વોટ્સએપ ગ્રૂપો !

હજી રાતના બાર વાગ્યા નથી ને મેસેજ ઝબકે : ‘હેપ્પી બર્થ ડે બાબુકાકા !’

બસ, પછી લાઈન લાગી જાય. ‘હેપ્પી બર્થ ડે બાબુકાકા,’ ‘હેપ્પી બર્થ ડે બાબુમામા’,  ‘હેપ્પી બર્થ ડે બાબુદાદા’, ‘હેપ્પી બર્થ ડે બાબુ માસા’ ‘હેપ્પી બર્થ ડે બાબુકાકા (ફરીવાર)’… એમાં જે બિચારા બાબુકાકા હોય એ તો માથે બુઢિયાટોપી પહેરીને, છાતીએ વિક્સ ચોળીને, ધાબળો ઓઢીને ઊંઘતા હોય ! છેક સવારે કોઈ એકાદ મેસેજ આવે કે ‘હેપ્પી બર્થ ડે બાબુભાઈ’ ત્યારે માનવું કે એમની ઉંમરના બીજા કોઈ વડીલ છે ખરા !


સામાન્ય રીતે દરેક ફેમિલીમાં એકાદ વ્યક્તિ (મોટે ભાગે છોકરી) આખા ફેમિલીની બર્થડેઓ અને એનિવર્સરીઓનું કેલેન્ડર મેઇન્ટેઇન કરતી હોય છે. આ બહેન માત્ર ફેમિલી નહીં, એની બહેનપણીઓ, ભાઇબંધો, રાખી-ભાઈઓ, સ્કુલ-ફ્રેન્ડો, ટ્યુશન ફ્રેન્ડો અને કોલેજ ફ્રેન્ડોના ગ્રુપોમાં પણ કેલેન્ડરનો રોલ ભજવતી હોય.

એમાં થોડા દિવસ પછી તમારા ફેમિલી ગ્રુપમાં મેસેજ જોવા મળે : ‘બાબુકાકા કોરોનામાં ગયા…’

આવામાં જેમ સુશાંત સિંહના મોત વખતે માત્ર RIP… RIP… RIP…ની સોશિયલ ડિસ્ટન્સ વિનાની ચપોચપ લાઇન લાગી હોય એવું અહીં ના થાય. અહીં તો હાહાકાર મચી જાય… ‘શું થયું ?’ ‘કેવી રીતે ગયા ?’ ‘કાલે તો ફોન પર વાત થઈ’ ‘કઇ હોસ્પિટલમાં હતા ?’ એમાં બે ચાર તો ‘ના હોય !’વાળા હોય !

છેક કેનેડા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનાં સગાંઓની શ્રધ્ધાંજલિઓ આવી જાય (એમાંય વળી NRIઓ તો ઇંગ્લીશમાં લખે Eishwar emna aatma ne shanti aape. OSS…. આ OSS એટલે ઓમ શાંતિ શાંતિ)

પછી છેક સવારે જ્યારે બાબુકાકા પોતે એમના ભત્રીજા ભાણિયાઓને ફોનથી ધધડાવવા માંડે કે ‘અલ્યા હજી હું જીવતો બેઠો છું ! મને મારી નાંખવાની તમને શેની આટલી બધી ઉતાવળ આવી ગઈ ? હવે જોજો, મારા વસિયતનામામાં…’

... ત્યારે છેવટે મોડે મોડે ઘટસ્ફોટ થાય કે ફેમિલીની પેલી કેલેન્ડર બહેને ભૂલથી બીજા ગ્રુપની પોસ્ટ અહીં મુકી દીધી હતી ! એટલું જ નહીં, એ અસલી બાબુકાકા કોરોનામાં હજી ‘ગયા’ નથી, એ તો માત્ર ‘કોરોના હોસ્પિટલમાં’ ગયા છે ! (મેસેજ અધુરો હતો.)

છતાં ફેમિલીના વોટ્સએપ ગ્રુપની એક અલગ મઝા છે.

પચાસથી મોટી ઉંમરના કાકા-કાકીઓની બર્થડેના ફોટામાં એ લોકો નિશાળની ડ્રીલ વખતની ‘સાવધાન’ પોઝિશનમાં જ ઊભેલા દેખાશે ! યંગ છોકરા છોકરીઓના બર્થ ડે ફોટાઓમાં ‘બિફોર અને આફ્ટર’ હોય છે. ચહેરા ઉપર કેક ચોપડ્યા પહેલાં અને ચહેરો પોદળા જેવો કરી નાંખ્યા પછી ! (મારા મમ્મીનો એક વિડીયો છે એમાં તે કેકને બે હાથ વડે ‘પગે’ લાગે છે!)

મુંઝવણ ત્યારે થાય છે જ્યારે મસમોટા ફેમિલીમાં એક જ નામવાળાં ત્રણ-ત્રણ ચાર ચાર જણા હોય ! મેસેજ તો ટાઇમસર મળે કે ‘હેપ્પી બર્થ ડે સ્મિતા’ પણ મનમાં ‘યક્ષપ્રશ્નો’ થવા માંડે : ‘આ કઇ સ્મિતા ? આપણા કેનેડાવાળા નકામા નંગ મુકેશને પરણી છે તે કે પછી અમેરિકામાં પેલા નાલાયક હરેશને પરણાવી છે તે ? અચ્છા, આ સ્મિતા‘કાકી’ તો નહીં, પેલાં ચાંપલાં મુંબઈવાળાં ? કે પછી મોટાભાઈની દોઢડાહી સાળી સ્મિતા હશે ? એક મિનિટ, આ માત્ર સ્મિતા કોણે લખ્યું છે ?’

… છેવટે પંદર વીસ મેસેજો આવે તેમાં કોઈએ કાકી, તો કોઈએ ભાભી લખ્યું હોય ત્યારે ખબર પડે કે ‘અચ્છા, આ તો રોજ સવાર પડે ને પોતે રાંધેલી આખેઆખી થાળીનો ફોટો મુકે છે તે સ્મિતા, આપણી ભત્રીજાવહુ !’

છેક દૂર દૂર રહેતા ભાણિયા ભત્રીજાઓનાં સંતાનો વરસે વરસે મોટાં થતાં જાય છે તેની વોટ્સએપમાં જ ખબર પડે છે. અગાઉ તો લગ્ન પ્રસંગે વરસો પછી મુલાકાત થતી ત્યારે આપણે ડફોળની જેમ બોલી ઉઠતા હતા કે ‘અલ્યા, આવડો મોટો ક્યારે થઈ ગયો?’

ક્યારેક તો અમારે નજીક બેઠેલા લોકલ વડીલને ધીમા અવાજે પૂછવું પડતું ‘ભૈશાબ, પેલી ગુલાબી સાડલાવાળી છે, એ મારી કોણ થાય ?’ હવે કમ સે કમ એ બેબલી નજીક આવે ત્યાં સુધીમાં યાદ આવી જાય છે.

ટેણિયાંઓ ‘પેઇન્ટિંગ’ કરે, (કાગળ પર ચીતરામણ) ‘ડાન્સિંગ’ કરે (શાળાના વાર્ષિક કાર્યક્રમમાં છેલ્લેથી ત્રીજી લાઈનમાં) કે ‘મ્યુઝિક’ વગાડે (નવરાત્રિમાં ઢોલકું ઠોકતો હોય) તેના વિડીયો જોઈને ‘વાઉ’ ‘ઓસ્સમ’ ‘કીપ ઇટ અપ’ ‘ગ્રેટ આર્ટિસ્ટ’ ‘ફ્યુચર માઇકલ જેક્સન’ એવી કોમેન્ટો હવે વાટકી વ્યવહાર જેવી થઈ ગઈ છે.

અને હા, અહીં કોઈને remove નથી કરી શકાતું, ભલે એને left થવું હોય તો થાય !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment