જયકિશનના મૃત્યુ પછી સંગીતકાર શંકરનાં અમુક ગાયનો અમને બહુ ભંગાર લાગતાં ! તે વખતે એટલી ખબર હતી કે શંકર સંગીતકાર બન્યા એ પહેલાં પહેલવાની કરતા હતા ! બસ, આ વાતની જોક બનાવીને અમે કહેતા કે, ‘યાર, ફલાણા ગાયનમાં શંકરે શબ્દો અને સૂરોને બરોબર ધોબીપછાડ માર માર્યો છે !’
એ તો પછી આગળ જતાં ખબર પડી કે શંકરે એમના સાથી જયકિશનને કેટલા વ્હાલથી સાચવ્યા હતા અને કેવી કેવી સ્થિતિમાં પોતાના સાથીદાર માટે પહેલવાની કરી નાંખી હતી !
હિન્દી ફિલ્મ સંગીતના ગોલ્ડન પિરિયડના એક મોટા સીમાસ્થંભ કહી શકાય એવા સંગીતકારોની જોડી એટલે શંકર-જયકિશન. એ બંનેનાં બાળપણ કેવાં વીત્યાં, કેવા સંજોગોમાં એકબીજાને મળ્યા અને કેવી રીતે એમની જોડી બની એની દાસ્તાનો બહુ મજેદાર છે.
શંકરનું કુટુંબ મૂળ પંજાબી પણ તેઓ સ્થાયી થયા હતા હૈદરાબાદમાં. અહીં નાનપણથી જ શંકરને બે વાતનું ઘેલું લાગેલું. એક તો પહેલવાની કરવી અને બીજું તબલાં વગાડવાં. (જોકે તબલા ઉપર પહેલવાનીનું જોર બતાડવાની કદી ગુસ્તાખી કરી નહોતી.) ભણવામાં તો ચિત્ત ચોંટતું નહોતું પણ સંગીત અને પહેલવાનીનું ઝનૂન એકસરખુ હતું. એકવાર પહેલવાનીનું ઝનૂન એટલું જોરથી હાવી થઈ ગયું કે કીશોરવયના શંકરે એકસામટી 300 દંડ-બેઠક કરી નાંખી ! આમ કરવા જતાં ભાઈ બેહોશ થઈ ગયા ! મા-બાપને એમ કે હવે શંકરની પહેલવાનીનું ભૂત ઉતરી જશે પણ એવું બન્યું નહીં.
બીજી બાજુ સંગીતનો શોખ પણ જોશ પકડતો જ રહ્યો. એક બે ઉસ્તાદો પાસેથી શીખ્યા પણ ખરા. પરંતુ શંકર સ્વભાવે જ નટખટ અને બળવાખોર. એકવાર હૈદરાબાદમાં જાહેર શાસ્ત્રીય સંગીતનો જલ્સો હતો. પિતાજીને કહ્યા વિના શંકર ત્યાં પહોંચી ગયેલો. હવે બન્યું એવું કે એક મોટી મૂછોવાળા ઉસ્તાદ ગાઈ રહ્યા હતા ‘કાહે મારે અનારી, મોહે ફૂ..ઉલ..’ આમાં જ્યારે જ્યારે ‘ફૂઉઉલ…’ આવે ત્યારે મોંમાંથી નીકળતી હવાને કારણે ઉસ્તાદજીની મૂછોના વાળ હવામાં લહેરાતા ! બીજા શ્રોતાઓ તો આમન્યા રાખીને હસવું દબાવી લેતા હતા પણ શંકર આ જોઈને ખડખડાટ હસવા લાગ્યો. શંકરના હાસ્યનો ચેપ બીજા શ્રોતાઓને પણ લાગ્યો ! હસાહસી જામી પડી !
ઉસ્તાદના ચેલાઓએ શંકરને કાન પકડીને કાઢી મુક્યો અને ઢસડીને તેના ઘરે મુકી આવ્યા. પિતાજીનો ગુસ્સો હવે રાગ મેઘ મલ્હારની જેમ વરસી પડવાનો હતો. શંકરને ખબર હતી કે બાપા મને હવે દોરડા વડે બાંધીને રૂમમાં પૂરી દેશે. બાપા દોરડું લેવા ગયા એ દરમ્યાન શંકરે એક શેવિંગ બ્લેડ મોંમાં સંતાડી લીધી ! દોરડે બંધાયા પછી રૂમના દરવાજે આગળો વસાયો કે તરત શંકરે બ્લેડ કાઢીને દોરડું કાપી નાંખ્યું ! એટલું જ નહીં, બારી વાટે ભાગીને ફરી પેલા શાસ્ત્રીય સંગીતના જલસામાં પહોંચી ગયા.
જોકે આગળ જતા માતા-પિતાએ જોયું કે શંકરને સંગીતથી દૂર રાખી શકાશે નહીં એટલે ભણવાનું દબાણ કરવાનું છોડી દીધું. ત્યાર બાદ ગુરુઓ પાસે સંગીતનું શિક્ષણ લઈને પોતે સંગીત સમારંભોમાં તબલચી તરીકે જઈને સન્માન પામતા થયા.
આ દરમ્યાન શંકરે સંગીત શીખવવાનાં ટયૂશનો પણ આપવા માંડ્યા. આ પૈસા ભેગા કરીને શંકરે એક નવી નક્કોર સાઈકલ ખરીદી. પણ તે થોડા જ દિવસોમાં ચોરાઈ ગઈ ! ઝનૂને ચડેલો શંકર સાઈકલને શોધવા માટે આખું શહેર ખુંદી વળ્યો. શોધ દરમ્યાન રાતના સમયે તે એક તવાયફોના મહોલ્લામાં પહોંચી ગયો. અહીં ઉપરના માળે મુજરો ચાલી રહ્યો હતો પણ તબલચી જે તબલાં વગાડતો હતો તે સાંભળીને શંકરનાં પિત્તો ગયો !
ઉપર જઈને પેલા તબલચીને કહે છે ‘તુમ યે રૂપક કા ઠેકા બજા રહે હો યા અપના માથા ઠોક રહે હો ?’ સન્નાટો છવાઈ ગયો. વાત ટસલ પર આવી ગઈ. શંકરે ઝભ્ભાની બાંયો ચડાવીને તબલાં સંભાળ્યા અને ગઝલ શરૂ કરવા કહ્યું. ત્યાર બાદ શંકરે રૂપકનો તાલ ગઝલ સાથે જે રીતે વગાડ્યો તે સાંભળીને સૌ દંગ રહી ગયા. તવાયફે કહ્યું ‘મારે ત્યાં તબલચી તરીકે જોડાઈ જા.’
શંકર ઊભા થઈ ગયા. ‘હું તો અહીં મારી ચોરાયેલી સાયકલ શોધવા નીકળ્યો હતો પણ આવાં વાહિયાત તબલાં વાગતાં સાંભળીને મારી કમાન છટકી હતી !!’
આ હતો શંકરનો મિજાજ ! છતાં સૌમ્ય, શાંત અને બાળક જેવા રમતિયાળ સ્વભાવ ધરાવતા જયકિશન સાથે એમની જોડી શી રીતે બની ?
(ક્રમશઃ)
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment