સરકારી ઓફિસમાં કોરોના સૂચનાઓ !

જાન્યુઆરીમાં શાળા-કોલેજો તો શરૂ નહીં થાય પરંતુ થોડા મહિનામાં સરકારી ઓફીસોમાં એક તૃતિયાંશને બદલે ફૂલ હાજરી શરૂ થવાની છે.


ટુંકમાં, ‘ઘેરબેઠાં કામ વિના - ઘેરબેઠાં પગાર’ની સ્કીમ બંધ થવાની છે !

તો હવે સરકારી ઓફિસોમાં કેવી સુચનાઓ લખેલી હશે ?

***

દિવાલો ઉપર લખ્યું હશે :

‘અહીં બુકાની બાંધીને બેસેલા માણસો સરકારી કર્મચારી છે. આતંકવાદી નથી. કૃપા કરીને માનવતાના ધોરણે પેશ આવો.’

***

કોઈ ખૂણે ઝીણા અક્ષરે લખ્યું હશે :

‘કાગળ દ્વારા કોરોના વાયરસ ફેલાતો નથી. આપની લાંચ બેફિકર બનીને કેશ દ્વારા આપી શકો છો !’

***

એ જ સુચના નીચે બીજી સુચના હશે :

‘લાંચ આપતાં પહેલાં કર્મચારીનું માસ્ક દૂરથી ઉતરાવીને ચહેરાની ખાતરી કરી લેવી. પાછળથી કોઈ ફરિયાદ ચાલશે નહીં !’

***

ઓફિસના વોશ-બેઝિન પાસે સુચના :

‘વારંવાર હાથ ધોવા જરૂરી છે પરંતુ આ વોશ-બેઝિન તથા આ બાથરૂમ ક્યારે ધોવાય છે તેની લેખિત ખાતરી માગવી નહીં !’

***

દિવાલો ઉપર લાલ અક્ષરે લખ્યું હશે :

‘અહીં વિના કારણે છીંક ખાનારની ધરપકડ કરવામાં આવશે !’

***

ઓફિસમાં દાખલ થતાં સુચનાઓ :

‘સિક્યોરીટી સ્ટાફ ધ્યાન આપે. મુલાકાતીનું ટેમ્પરેચર માપ્યા બાદ ખિસ્સાં પણ ચેક કરવાનાં છે. જો કોઈના ખિસ્સામાંથી છીંકણીની ડબ્બી નીકળે તો ‘બોમ્બ’ સમજીને તેની ધરપકડ કરવાની છે !’

***

એ જ દરવાજે બીજી સૂચના :

‘બહાર જતા મુલાકાતીનું ટેમ્પરેચર માપવાનું નથી. સરકારી ઓફિસની મુલાકાત બાદ બધાની ખોપડી ગરમ જ હોય છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments