હવે લગ્નોનું મહુરત તો છેક 18 જાન્યુઆરી પહેલાં છે જ નહીં ! છતાં આવી ઓફ-સિઝનમાં અમુક લગ્ન-વિષયક ટચૂકડી જાહેરખબરો ચાલુ હોઈ શકે છે…
***
ખોવાઈ ગઈ છે…
માત્ર છ મહિનાના અનુભવી એવા નવા સવા ગોર મહારાજની મંત્રોની ચોપડી ખોવાઈ ગઈ છે. જેને મળે તે મહેરબાની કરીને પાછી આપી જાય નહિંતર મંત્રોના ઢાળમાં ફિલ્મી ગાયનો ગાવાં પડશે.
***
જોઈએ તેવી કુંડળીઓ મળશે
તમારા કપાતર કુંવર અથવા કુબડી કન્યાને ઠેકાણે પાડવા માટે જોઈએ તેવી અફલાતુન કુંડળી અરજન્ટમાં બનાવી આપવામાં આવશે. વાજબી ચાર્જ. અનેક ઓનલાઈન મેરેજ વેબસાઈટોમાં અમારી કુંડળીઓ ચાલે છે.
***
તાત્કાલિક ગુંડાઓ જોઈએ છે
ઉપરની જાહેરખબર કોણે આપી છે તે શોધીને તેને ઝુડી નાંખવા માટે ગુંડાઓ જોઈએ છે. સંપર્ક કરો : કહેવાતી બત્રીસ લક્ષણી કન્યાને પરણીને નર્ક ભોગવી રહેલો પિડીત પતિ.
***
કાનૂની નિષ્ણાત જોઈએ છે
લગ્નમાં ફક્ત 100 જણાની હાજરી, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ તથા અન્ય નવા કાનૂનોને સમજાવી શકે તથા એમાંથી છટકબારીઓ શોધીને મિનિમમ 700 મહેમાનોનો સમારંભ યોજી શકાય તેવા કાનૂની એક્સ્પર્ટની જરૂર છે. (ભાજપી નેતાઓ માફ કરે. કેમ કે છાપાંમાં ફોટા છપાઈ જાય છે.)
***
આસિસ્ટન્ટ ગોર મહારાજો
18 જાન્યુઆરીના મહુરતે એકસામટાં 24 લગ્નોના બુકિંગ લઈ ચૂકેલા પ્રખ્યાત ગોર મહારાજના પ્રસંગો પાર પાડવા માટે 23 સહાયક ગોર મહારાજોની જરૂર છે. ઓછા અનુભવી તથા શીખાઉ લોકો જરૂરથી સંપર્ક કરે.
(મંત્રોની ચોપડી પોતાની લાવવાની રહેશે. ચોપડી ખોવાઈ જાય તો બીજી નવી મળશે નહીં.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment