હવે તો અમિતાભ બચ્ચન અને ઐશ્ર્વર્યા રાય પણ ખેડૂત છે ! આના જેવા અનેક નેતા, અભિનેતા, કરોડપતિઓ ખેડૂત બની ગયા છે !
એ લોકો ભલે આંદોલનમાં ના જોડાય પણ અહીં આપેલા સાદા સવાલોના જવાબો તો આપી શકે ને ? (ત્રણ ઓપ્શન પણ આપ્યા છે.)
***
સવાલ – (1)
ટ્રેક્ટર શા કામમાં આવે છે ?
(A) ઉપર બેસીને દેશભક્તિનાં ગાયનો ગાવા માટે કામમાં આવતાં હોય છે.
(B) વિલનની કારને ટક્કર મારીને એક્શન દ્રશ્યોના શૂટિંગ માટે પણ કામમાં આવે છે.
(C) હિરોઈનની કાર કીચ્ચડમાં ફસાઈ ગઈ હોય ત્યારે ‘મેચો’ હિરો તેને ટ્રેક્ટર વડે કાઢી આપે છે.
***
સવાલ – (2)
કૂવો શા માટે કામમાં આવે છે ?
(A) ફિલ્મોમાં પનઘટ… પનિહારી… માટલાં, ઘડા, એવું બધું ગાયનમાં બતાડવા માટે કૂવો હોય છે.
(B) જ્યારે જમીનદાર કોઈ અબળા ઉપર બળાત્કાર કરે ત્યારે કૂવામાં પડીને આપઘાત કરવા માટે કામમાં આવે છે.
(C) ક્યારેક આપણા ફાર્મ હાઉસમાં મિનરલ વોટરના બાટલા ખલાસ થઈ જાય ત્યારે કૂવાનું પાણી ટોઈલેટ-બાથરૂમમાં વાપરી શકાય છે.
***
સવાલ – (3)
ફર્ટિલાઇઝર એટલે શું ?
(A) લો, ખબર નથી ? એવાં નામોવાળી દસ-બાર કંપનીઓના ભાવ શેરબજારમાં ઊંચા હોય છે.
(B) આ એક જાતનું શેમ્પુ હોય છે જે જમીનમાં નાંખવાથી જમીનને ડેન્ડ્રફ નથી થતું.
(C) ગાય, ભેંસ, ઘેટાં, બકરાં વગેરેની સંખ્યા વધારવા માટે એમનાં ઈંડા ઉપર ફર્ટિલાઈઝર છાંટવામાં આવે છે.
***
સવાલ – (4)
આપણા ઘરમાં ઘઉં, ચોખા, દાળ, શાકભાજી, ફ્રુટ્સ વગેરે ક્યાંથી આવે છે ?
(A) ઓનલાઇન ઓર્ડર કરવાથી.
(B) રસોઈયો લઈ આવે છે.
(C) સરવન્ટ લોકો માટે જે દરવાજો રાખ્યો છે ત્યાંથી આવે છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment