મોટેરામાં 'અમદાવાદી' ટચ !

એક વાત એવી છે કે IPLમાં હવે અમદાવાદની ટીમ ઉમેરાવાની છે. બીજી વાત એવી છે કે ફેબ્રુઆરીમાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં સળંગ અડધો ડઝન જેટલી મેચો રમાવાની છે.


હવે જસ્ટ કલ્પના કરો, કે આ બંને વાતમાં ‘અમદાવાદી ટચ’ ઉમેરાઈ જાય તો કેવું થાય ?

***

મોટેરામાં ચોગ્ગો વાગશે તો અંપાયર બે આંગળી ઊંચી કરીને ‘બે અડધી’નો ઈશારો કરીને ફોર આપશે !

***

સિક્સર વાગશે તોય ત્રણ આંગળી ઊંચી કરીને ‘ત્રણ અડધી’નો ઈશારો કરશે !

***

અમદાવાદનાં પાણી પીધાં પછી વિદેશી ટીમનો કેપ્ટન પણ બોલરને બોલ સોંપતાં કહેશે, ‘ભઈ, જરા બે અડધી નાંખ ને !’

***

મોટેરા સ્ટેડિયમમાં 20-20 મેચ જોવી હોય તો ‘બે અડધી’ ટિકીટ પણ મળશે ! પહેલી અડધીમાં પહેલી 20 ઓવર અને બીજી અડધીમાં બીજી 20 ઓવર જોવા મળશે.

***

અડધી મેચ પત્યા પછી જો મઝા ના આવે તો બહાર જઈને અડધી ટિકીટ અડધા ભાવે વેચી પણ શકાશે !

***

ટિકિટબારી પર આવીને દર ત્રીજો માણસ પૂછતો હશે કે ‘ભઈ, બાર વરસથી નાના છોકરાંની અડધી ટિકીટને બદલે ‘પા’ જ લેવાની ને ?’

***

અમદાવાદની જે IPL ટીમ બનશે એનો સિમ્બોલ હશે : ‘રૂપિયાના ત્રણ અડધા !’

***

અમદાવાદની ટીમના પ્લેયરો અંપાયરને પૂછતા હશે ‘આ જે એક નો-બોલ ઉપર એક ફ્રી હિટ મળે છે એવી બીજી કોઈ સ્કીમો નથી ?’

***

અને કહે છે કે અમદાવાદની IPL ટીમને ‘અદાણી ગેસ’વાળા ખરીદવાના છે. તો વિચાર આવે છે કે ગેસની ટીવી એડમાં પ્લેયરોને શું કરતાં દેખાડશે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments