ચાયવાલાથી 'ચેતના'... બીઆર ઈશારા

(ગયા સપ્તાહથી આગળ)


રણજીત સ્ટુડિયોમાં નરગિસને ચા આપવા ગયેલા રોશનલાલે ‘મે આઈ કમ ઇન મેડમ’ કહીને જાતે શીખેલી અંગ્રેજી તથા નવમાં ધોરણ સુધી ભણેલી ઉર્દૂ વડે તેમને ઇમ્પ્રેસ તો કરી દીધા ! નરગિસજીએ દિગ્દર્શક લેખ ટંડને ભલામણ પણ કરી કે આ છોકરાને કંઈ ‘સરખું’ કામ અપાવો…. પરંતુ ‘સરખું’ કામ અને ‘ફિલ્મમાં સરખું કામ’ એ બે વચ્ચે વરસો વીતી ગયાં…

ઘરેથી 14 વરસની ઉંમરે ભાગી ગયેલો રોશન હવે અઢારેક વરસનો થઈ ગયો હતો. લેખ ટંડને તેને આર કે સ્ટુડિયોમાં મોકલ્યો, ત્યાંથી કે. આસિફ... એમ આ રોશનલાલ ફરતા રહ્યા. દરમ્યાનમાં પેલા ચાયની કિટલીવાળાએ આ ‘ફિલ્મી’ બની રહેલા છોકરાને નોકરીમાંથી કાઢી મુક્યો !

રખડતાં રખડતાં રોશનલાલને સેન્ટ્રલ સ્ટુડિયોના માલિક મખ્ખનલાલને ત્યાં પટાવાળા ટાઈપની નોકરી મહિને 30 રૂપિયાને પગારે લાગી. છ સાત મહિના પછી રોશનને 30 રૂપિયા ઓછા લાગ્યા એટલે શુધ્ધ ઉર્દૂમાં રાજીનામું આપતો કાગળ લખીને ભાઈ હાલતા થયા !

હવે કિસ્મતના ખેલ જુઓ ! જોગાનુજોગ જાણીતા ગીતકાર / શાયર શકીલ બદાઇયુની ત્યાં સ્ટુડિયોમાં બેઠા હતા. તેમણે આ રાજીનામાનો કાગળ વાંચીને મખ્ખનલાલને કહ્યું ‘આ માણસને તો 60 રૂપિયાનો પગાર મળવો જોઈએ ! કેટલું સુંદર ઉર્દૂ લખે છે !’

આમ, રોશનલાલ ફરી નોકરીએ લાગ્યા. હવે અહીં જ એમને નવું નામ કઈ રીતે મળ્યું તેનો અજીબ કિસ્સો છે. સ્ટુડિયોના માલિકના એક ગુરુ હતા રોશનનાથજી ! અહીં ઓફિસમાં આ રોશનલાલને બધા ‘એય રોશન’ ‘ઓયે રોશન’ કહીને બોલાવે એટલે મખ્ખનલાલે કહ્યું ‘ભાઈ તું તારું નામ બદલ ! મારા ગુરુનું નામ ખરાબ રીતે બોલાય તે મને પસંદ નથી.’

રોશનલાલે કહ્યું ‘તમે જ મારું કોઈ નામ પાડી આપો !’ તે વખતે ત્યાં શાયર કમર જલાલાબાદી બેઠા હતા, તેમણે કહ્યું, તારું નામ બાબુરામ, અને તું અફસાના-શાયરી વગેરે લખે છે એટલે તારું તખલ્લુસ આજથી ‘ઈશારા’ ! બસ, ત્યારથી રોશનલાલ બની ગયા બીઆર ઈશારા…

જોકે હજી સુધી આ ઈશારાને ફિલ્મોમાં કે ફિલ્મો શી રીતે બને છે એમાં જરાય રસ નહોતો. આ સેન્ટ્રલ સ્ટુડિયોની નોકરી પણ એમણે ટણીમાં ને ટણીમાં છોડી. વાત એમ હતી કે માલિક મખ્ખનલાલ ‘આંસુ’ નામની ફિલ્મ બનાવવા માગતા હતા પણ વારંવાર કોઈ કારણથી તેનું મહુરત મુલતવી રાખવું પડતું હતું. એવામાં મખ્ખનલાલની પત્નીથી બોલાઈ ગયું કે જ્યારથી આ બાબુરામ નોકરીએ લાગ્યો છે ત્યારથી નસીબ ખરાબ ચાલે છે. બસ, આ જ વાત પર ઈશારાએ નોકરી છોડી દીધી.

ઓછું ભણતર, સ્વભાવ સ્વમાની, ભાષા ઉપર પ્રભુત્વ, શાયરી-સાહિત્યની સમજ છતાં કામ પટાવાળા જેવું…. આવા વિચિત્ર કોમ્બિનેશનને કારણે બીઆર ઈશારા ક્યાંય ઝાઝું ટકી શકતો નહોતો, છેવટે વધુ એક માલિકને ત્યાં એમના હુક્કા-પાણી અને ઘરના વાસણ માંજવાની નોકરી કરતાં કરતાં એક રાતે તેની ખોપડી હટી ગઈ ! તે વિધાઉટ ટિકીટ દિલ્હી જતી ટ્રેનમાં બેસી ગયો અને વચ્ચે મથુરા સ્ટેશને ઉતરી ગયો !

અહીં એક બે નોકરી કર્યા પછી વૃન્દાવનમાં એક ધાબળા બનાવતી ફેકટરીમાં નોકરી લાગી જ્યાં સાથે સાથે માલિકની સસ્તી હોટલમાં રહેવાનું પણ ગોઠવાઈ ગયું. રૂમમાં સાથે રહેનારા પાર્ટનરને બીઆર ઈશારાએ પોતાની જિંદગીની વારતા સંભળાવી તો પેલા ભાઈએ રોશનલાલના ગામડે પત્ર લખી દીધો કે તમારો દિકરો અહીં વૃન્દાવનમાં છે ! પછી તો આખું કુટુંબ અહીં આવી પહોંચ્યું !

ભારે રડારોડ અને મનામણાંથી ભાઈ પીગળી ગયા. ફરી વતનના ગામડે પહોંચ્યા. ફરી ‘મેટ્રિક’ની પરીક્ષા આપવાની તૈયારી કરી પણ મન અહીં ચોંટતું જ નહોતું. રોશનલાલમાંથી ‘ઈશારા’ બનેલો જુવાન ફરીથી ઘર છોડીને ભાગી ગયો !

આ વખતે બીઆર ઈશારા મુંબઈ પહોંચ્યા ત્યારે ફિલ્મ ‘બનાવવાના’ કામમાં શીખાઉ આસિસ્ટન્ટ તરીકે જોડાયા. ગાયક મુકેશ જેના દ્વારા હીરો બનવા માગતા હતા તે ફિલ્મ હતી ‘અનુરાગ’ (1956). બાવીસ વરસના બની ચૂકેલા આ યુવાનને છેક હવે ફિલ્મોના ‘મેકિંગ’માં રસ પડવા માંડ્યો.

અહીં ડઝન જેટલી ફિલ્મોમાં પટકથા સંવાદો લખ્યા. આગળ જતાં ચીફ આસિસ્ટન્ટ બન્યા. કોઈ બંગાળી પ્રોડ્યુસરના યુનિટ માં જ્યાં ડિરેક્ટરથી માંડીને સ્પોટ હોય સુધીના સૌ બંગાળી જ હતા એમાં ડાયલોગ ડિરેક્ટર તરીકે  જોડાયા.(એટલે હિન્દી સંવાદો બરાબર બોલાય છે કે નહીં તેનું ધ્યાન રાખવાનું અને બંગાળી એક્ટરોને સરખા હિન્દી ઉચ્ચારો શીખવવાના) આમાં તો ઈશારા બંગાળી ભાષા શીખી ગયા !

અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ અને હવે બંગાળી જાણનાર ઈશારાની આ આવડતને કારણે રાજ કપૂર વાળી ફિલ્મ 'તીસરી કસમ'માં પ્રોડક્શન પણ સંભાળવા મળ્યું. હવે રાજ કપૂર, શૈલેન્દ્ર, બાસુ ભટ્ટાચાર્ય અને બાસુ ચેટરજી જેવા લોકોની સંગતને કારણે બીઆર ઈશારાની સારી છાપ ઊભી થઈ ગઈ.

આ તબક્કામાં એમને બે ફિલ્મો ડિરેક્ટર તરીકે મળી. 'ઇન્સાફ કા મંદિર' અને 'કાનૂન ઔર સઝા' (બન્નેમાં હીરો તરીકે સંજીવ કુમાર હતા જે તે વખતે સાવ નવા હતા) પરંતુ ઈશારાને ઈસ્ટમેન કલર નડી ગયો ! બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મનો જમાનો પતી ગયો હતો અને રંગીન ફિલ્મો જ ચાલતી હતી. આમાં એ બન્ને ફિલ્મો ફ્લોપ થઈ ગઈ.

છેવટે આઇએમ કુન્નુ નામના એડિટર દોસ્ત પાસે શરુઆતમાં માત્ર પાંચ હજાર રૂપિયા લઈને એક ફિલ્મ શરુ કરી. સિનિયર અભિનેત્રી નાદિરાએ તેનો લોનાવલાના બંગલાની ચાવી આપી દીધી અને બી આર ઈશારાએ ફક્ત ૨૭ દિવસમાં શૂટિંગ પતાવી દીધું !

એ ફિલ્મ હતી 'ચેતના'. ફિલ્મ બની તો ગઈ પણ કોઈ ડિસ્ટ્રીબ્યુટર એને હાથ લગાડવા તૈયાર ન થાય ! એક બે તૈયાર થયા પણ આટલો બોલ્ડ સબ્જેક્ટ જોઈને સોદો ફોક કરી નાખ્યો. આવું ત્રણ વાર થયું.

છેવટે 1970 માં મળેલા ‘એ’ સર્ટિફીકેટવાળી ફિલ્મ ‘ચેતના’ જે 1971માં રિલીઝ થઈ... ત્યારથી તે ‘બોલ્ડ’ વિષયો ઉપર ‘ઝડપથી’ ફિલ્મો બનાવી નાંખનારા દિગ્દર્શક તરીકે બીઆર ઈશારા જાણીતા થયા.

2018માં તેમનું નિધન થયું. તે ચેતનાની હીરોઇન રેહાના સુલતાન સાથે 1988માં પરણી ગયા હતા. આજે યુ ટ્યુબ પર એમના ઈન્ટરવ્યુ જોવા મળી શકે છે.

(સમાપ્ત)

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments