ઠ.. ઠ.. ઠંડીની યોગ- મુદ્રાઓ !

આ કડકડતી ઠંડીમાં તમે યોગાસન કરો કે ના કરો, અમુક લોકો એની મેળે અમુક યોગ-મુદ્રામાં આવી જતા હોય છે ! જુઓ…

***

પરચૂરણ ગણક મુદ્રા

ખભા ઊંચા થઈ ગયા હોય, બન્ને હાથ પેન્ટના ખિસ્સામાં હોય અને તડકામાં ઊભા ઊભા ભાઈ અડધો કલાકથી ખિસ્સામાનું પરચૂણ ગણ્યા કરતા હોય તેવી મુદ્રાને પરચૂરણ ગણક મુદ્રા કહે છે.

***

બગલ-બાલ ગણક મુદ્રા

ઠંડી પડે ત્યારે માણસ અદબ વાળીને ઊભા હોય એ તો સમજ્યા, પણ અમુક લોકો તો સવારના ચાલવા નીકળ્યા હોય ત્યારે પોતે કેટલાં ડગલાં ચાલ્યા તેનો સ્કોર જાણે બગલના બાલ ગણીને રાખવાનો હોય તે રીતે બંને હાથ છેક બગલમાં ખોસી રાખે છે !

***

ગોલ પ્રતિરોધક મુદ્રા

ફૂટબોલમાં જ્યારે ‘ફ્રી કીક’ આપવામાં આવે છે ત્યારે બોલને ઇજા પહોંચાડતો અટકાવવા માટે પેલા ખેલાડીઓ જે રીતે બન્ને હાથ વડે કેવા પોતપોતાની ચડ્ડી ઢાંકીને ઊભા હોય છે ! બસ, એ જ રીતે અમુક લોકો ઠંડીથી બચવા માટે માત્ર ઊભા ઊભા જ નહીં, સોફામાં બેઠા હોય ત્યારે પણ ‘ગોલ બચાવવાના’ પોઝમાં હોય છે !

***

દાંત કડકડ ઘૂસપૂસ મુદ્રા

આ માત્ર ચહેરાની યોગ-મુદ્રા છે. આમાં માણસ સમજે છે કે જો પોતે મોં ઉઘાડશે તો ઠંડી સીધી મોં વાટે ઘૂસીને જઠર તથા આંતરડાંમાં શીતલહર ફેલાવી દેશે ! એટલે તે દાંત કચકચાવીને મોં બંધ રાખે છે પછી જરૂર લાગે ત્યારે મોં ખોલ્યા વિના, દાંત બંધ રાખીને ઘૂસપૂસ ઘૂસપૂસ બોલે છે !

***

પાંચ વત્તા પાંચ મુદ્રા

આ સૌથી સહેલી અને આરામદાયક મુદ્રા છે. કારણ કે તાપણા સામે બેસીને બન્ને હથેળીઓ આગ સામે ધરી રાખવાથી દસે દસ આંગળીઓ ગણી શકાય છે !

***
- મન્નુ શેખચલ્લી

Comments