આ કોરોનાની મહામારીએ એક બાજુ મંદી ઊભી કરી દીધી છે તો બીજી બાજુ કેટલા નવા ઉદ્યોગ ધંધા ચાલુ કરાવી આપ્યા છે !
***
માસ્ક પ્રોડક્શન
એક સમયે ચીનથી આયાત કરેલાં માસ્ક પાછાં મોકલવાની આપણી મજબૂરી હતી ત્યાં હવે દેશ ‘આત્મનિર્ભર’ બની ગયો છે ! સાદા માસ્ક તો ડઝનના ભાવે મળે છે…
***
ડિઝાઇનર માસ્ક પ્રોડક્શન
રોડની બાજુમાં રમકડાં અને ફૂગ્ગા વેચનારા ફેરિયાઓને બદલે રંગબિરંગી માસ્ક વેચાઈ રહ્યા છે ! જરા વિચારો, કેટ-કેટલા લોકોને રોજી મળી રહી છે…
(ફેશન ડિઝાઈનરો પણ નવા ધંધે લાગી ગયા છે !)
***
ઓક્સિજન પ્રોડક્શન
આ ઓક્સિજન કોઈ મશીનમાં બનાવતા હશે કે હવામાંથી ડાયરેક્ટ ખેંચી લેતા હશે ? (ખટારા ભરીને રેતી લઈ જાય છે એમ.) જે હોય તે, લોકડાઉન અને કરફ્યુમાં કાર્બન મોનોક્સાઈડનું ઉત્પાદન ઘટયું અને ઓક્સિજનમાં ‘પ્રાણ’ ફૂંકાયો છે !
***
ઓનલાઈન મેરેજવિધિ
ગોર મહારાજાનો સદંતર બંધ પડેલો વ્યવસાય અચાનક ‘બાઉન્સ-બેક’ થયો છે ! વર્ક-ફ્રોમ-હોમની સ્કીમ મુજબ ‘ઘેરબેઠાં’ પરણાવવાનાં કામોની ડિમાન્ડ વધી ગઈ છે…
***
કાઢા-ઉકાળા પાવડર
આ એક નવો ‘ગૃહઉદ્યોગ’ ખીલ્યો છે ! જરા વિચાર કરો, આ લોકોને તો કંઈ લાખો લોકોની જિંદગીઓ બચાવવાનું પૂણ્ય મળશે ને !
***
ન્યુઝ પ્રોડક્શન, ફેક ન્યુઝ ઉત્પાદન
જરા ગણી જુઓ સાહેબો, સુશાંત સિંહ અને રિયા ચક્રવર્તીવાળું કેટલા મહિના ચાલ્યું ? વળી, એને ‘ફેક ન્યુઝ’ ના કહેવાય ! બીજી બાજુ ‘અસલી’ ફેકન્યુઝનો ધંધો તો સોશિયલ મિડિયામાં ધમધમતો જ રહ્યો…
આત્મનિર્ભરતા ઝિંદાબાદ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment