ગુજરાત કોંગ્રેસની ટચૂકડીઓ !

ચિંતા ના કરો, કોંગ્રેસ પાર્ટી તો હજી વિરાટ જ છે ! એ ટચૂકડી થઈ જશે એવાં સપનાં જોવાની જરૂર નથી !


આ તો હાલમાં પ્રદેશ કોંગ્રેસમાં થોડી મુંઝવણ ચાલી રહી છે તેનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસે થોડી ટચૂકડી જાહેરખબરો આપવા જેવી છે ! અમારાં સૂચનો…

***

જોઈએ છે ગરમાટો

પ્રદેશ કોંગ્રેસને ચડી ગયેલી ઠંડી ઉડાડવા માટે ગરમાટો લાવી શકે તેવાં સાધનોની જરૂર છે. હિટર, સગડી, તાપણું, છાણાં વગેરે સામગ્રી વાજબી ભાવે મોકલનાર પાર્ટીએ ટેન્ડર મોકલવાં. નિર્ણય દિલ્હીથી આવશે. ત્યાં સુધી ટાઢક રાખવી.

***

‘જાગૃત’ કાર્યકરો જોઈએ છે

પ્રજાનાં કામો માટે નહીં પરંતુ કોંગ્રેસ કાર્યાલયોમાં બેઠાં બેઠાં ‘જાગૃત’ રહી શકે તેવા કાર્યકરો જોઈએ છે. જાગતા રહેવા માટે ચા-નાસ્તો વગેરેની વ્યવસ્થા જાતે કરી લેવાની રહેશે. દિલ્હીથી હજી ‘જાગૃતિ ભંડોળ’નું બજેટ પાસ થયું નથી.

***

ચોકીદારો જોઈએ છે

ભાજપવાળાઓએ હરખાઈ જવાની જરૂર નથી. ‘મૈં ભી ચોકીદાર’ એમ કહીને દોડી આવવાની પણ જરૂર નથી. અમને તો માત્ર દિવસના સમયે અમારા કાર્યકરોને ‘જાગતે રહોઓઓ…’ એવી બૂમો પાડનારા ચોકીદારોની જરૂર છે. પસંદગી માટે ઇન્ટરવ્યુની તારીખ દિલ્હીથી આવશે. ફોન કરીને વારંવાર અમને ખલેલ પહોંચાડવી નહીં.

***

દુભાષિયો જોઈએ છે

મૌનની ભાષા ઉકેલીને શબ્દોમાં સમજાવી શકે તેવા અનુવાદકો ધ્યાન આપે. દિલ્હીનું હાઈકમાન્ડ તથા ખાસ કરીને સોનિયાજી તેમના ચહેરાની મૌન ભાષા વડે શું કહેવા માગે છે તેનું ‘ડિ-કોડિંગ’ કરીને સમજાવવાનું રહેશે. સમજવા માટેના નિષ્ણાતો દિલ્હીથી આવશે.

***

પ્રલોભનો જોઈએ છે

અહીં ભાજપવાળા જરૂર ધ્યાન આપે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા માટે ‘ઓફ-સિઝન’ના ભાવે પ્રલોભનો જોઈએ છે. વાટાઘાટો માટે મળો કોંગ્રેસ કાર્યાલયની પાછળ, અંધારામાં.

***

- મન્નુ શેખચલ્લી

Comments