શિયાળામાં સ્નાન સલામતીના પ્રકાર !

ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમુક લોકોને સવાર સવારના બાથરૂમમાં જઈને નહાવાનું છે એ વિચારથી જ ટાઢ ચડી જાય છે !


જે લોકો ટાઢ અને ટાઢના ડરથી દૂર રહેવા માગતા હોય તેમણે આવનારા શિયાળા દરમ્યાન સલામત સ્નાનની રીતો સમજી લેવાની જરૂર છે….

***

ખોબા સ્નાન

આને ડબલું સ્નાન પણ કહે છે. આમાં તમારા હાથના ખોબામાં માત્ર ખપ પુરતું પાણી લેવાનું છે અને ચહેરા ઉપર દેખાવ પુરતું લગાડવાનું છે. સાથે સાથે ખોપડીને ના અડે એ રીતે વાળ ભીના કરી લેવાના છે. જેથી બીજા લોકોને લાગે કે ‘ભઈલુ આજે તો નાહ્યો લાગે છે !’

***

ચાંચ સ્નાન

પક્ષી જે રીતે પાણીમાં ચાંચ બોળે એ રીતે (નાક નથી બોળવાનું !) આપણે માત્ર આંગળીઓ બોળવાની છે અને મનમાં ઇષ્ટ દેવતાનું નામ લઇને પોતાના શરીર ઉપર છાંટા નાંખવાના છે. સંપૂર્ણ શ્રધ્ધાથી આ વિધિ કરો તો તેને ‘સ્નાન’ જ માનવામાં આવે છે.

***

નળ-નમસ્કાર સ્નાન

સવારે ઊઠી, બ્રશ  વગેરે કરી, વસ્ત્રો શરીર ઉપર જ રહેવા દઈને, એક ટુવાલ ગળે વીંટાળી નળ પાસે જવાનું છે. ત્યાર બાદ બે કે ત્રણ ફૂટ દૂરથી નળને નમસ્કાર કરવાના છે ! કેટલાક હિંમતવાન માનવીઓ અતિશય ઠૂંઠવતી ઠંડીમાં નળને હાથ વડે સ્પર્શ કરવાનું જોખમ પણ ખેડે છે.

***

ઉહુહુ – ઉહુહુ સ્નાન

મમ્મી મગજ ના ખાય તેના માટે આ સ્નાન છે. બાથરૂમમાં જઈ, અંદરથી કડી વાસી, ડબલા વડે પાણી ઢોળતાં ઢોળતાં મોં વડે ઉહુહુ… ઉહુહુ… અવાજો કરતા રહેવું. ડોલનું પાણી પતી જાય પછી વાળ સ્હેજ ભીના કરીને બહાર આવી જવું.

***

પરફ્યુમ સ્નાન

આ હોસ્ટેલમાં રહેતા છોકરાઓ માટે છે. રીત સિમ્પલ છે. પહેરેલાં કપડાં ઉપર જ પરફ્યુમ છાંટવું. શરૂઆત બનિયાન, મોજાં તથા જાંઘિયાથી કરવી.

***

- મન્નુ શેખચલ્લી

Comments