ચક્રમ જેવી અમેરિકન ચૂંટણી !

બિહારમાં કુલ સાત કરોડ અઢાર લાખ જેટલા મતદારો હતા. એમને EVM મશીનનું બટન દબાવતાં કોરોનાનો ચેપ ના લાગે એટલા માટે સાત કરોડ જેટલાં વન ટાઈમ યુઝ (વાપરીને ફેંકી દેવાનાં) ગ્લોવ્ઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. 72000થી વધુ બૂથ ઉપર સાત લાખથી વધુ સેનિટાઇઝર બોટલો તહેનાત હતી. ચૂંટણી કરાવનાર સ્ટાફ માટે 10 લાખથી વધુ PPE કીટ અને 46 લાખ માસ્કની વ્યવસ્થા હતી.


જોવાની વાત એ હતી કે દેશની આવડી મોટી ચૂંટણીની આટલી જડબેસલાક વ્યવસ્થામાં થઈ રહેલી ચૂંટણી કરતાં આપણા દેશીઓનું ધ્યાન એ અમેરિકન ચૂંટણીઓમાં ભરાયેલું હતું જે આખેઆખી ચક્રમવેડાથી ભરપૂર હતી !

અહીં બિહારમાં સૌથી ‘છેવાડા’ના ગામડાનો છેલ્લામાં છેલ્લો વોટ ગણીને એ જ રાત્રે 3 વાગ્યા સુધીમાં તમામ પરિણામો જાહેર થઈ ગયાં પણ ત્યાં અમેરિકામાં ‘નેવાડા’ નામના રાજ્યના વોટની ગણત્રી દસમા દિવસે પણ પતી નહોતી ! ત્યાંના સોશિયલ મિડીયામાં જોક્સ ચાલી કે ‘નેવાડાના વોટ લઈને એક ગોકળગાય (snail) મહિના પહેલા નીકળી ગઈ છે, બસ એ પહોંચતી જ હશે બીજા એકાદ મહિનામાં !’

અમેરિકામાં અલાસ્કા નામનું એક બર્ફીલું રાજ્ય છે. ત્યાં પડેલા માત્ર 2.75 લાખ વોટની ગણત્રી કરવામાં આઠ દિવસ કેમ લાગી ગયા ? તો કહે છે કે ઠંડી એટલી બધી હતી કે ગરમાટો લાવવા માટે સ્ટાફ દારૂ પીતો હતો અને પછી એ જ દારૂ પીને ટલ્લી થઈ જતો હતો !

બીજી જોક એવી હતી કે ચામડાનાં ગ્લોવ્ઝ પહેર્યા પછી વોટ ગણતી વખતે વારંવાર આંગળી વડે જીભ ચાટવાથી સ્ટાફના મોંનો સ્વાદ બગડી જતો હતો, તેથી સ્વાદ સુધારવા માટે આંગળીને વ્હીસ્કીમાં બોળતા હતા !

અમેરિકન ચૂંટણીની મતગણના માટે બહુ જુની અને જાણીતી જોક છે કે એના સ્ટાફમા પ્રાગૈતિહાસિક કાળના ખાસ આદિમાનવોને જ ભરતી કરવામાં આવે છે, જેઓ ગણતરી માટે ચાર ઊભા લીટા કરીને પાંચમો આડો લીટો કરવાનું ‘ઐતિહાસિક કૌશલ્ય’ ધરાવે છે !

આમય બિચારો એવરેજ અમેરિકન આંગળીના વેઢાથી વધારે આંકડા મોઢે ગણી શકતો નથી, છતાં હાથ વડે ગણત્રી કરવી પડે એવી સિસ્ટમ હજી શા માટે ચાલુ છે ? એક કોમેડિયન એનો જવાબ આપતાં કહે છે કે આ રીતે આપણે દર ચાર વરસે દેશના ‘મેથ્સ-આઈક્યુ’ને ‘પ્રોત્સાહન’ આપવાનું કામ કરીએ છીએ !

જોકે ખુદ અમેરિકન પ્રજા આ ટાઈપની ધીમી ગણતરીથી કંટાળી ગઈ છે. પ્રજા તો ઠીક, ત્યાંની સુપ્રિમ કોર્ટને પણ ગણ-ગણ કરવાની ચીડ છે. સન 2000ની ચૂંટણીમાં જ્યારે ફ્લોરિડા સ્ટેટના હજારો બેલોટ (મતપત્રકો) લાપતા થઈ ગયાં ત્યારે કોર્ટમાં કેસ ચાલ્યો. જજ સાહેબોએ ચૂકાદો આપતાં કહી દીધું કે હવે મતગણત્રી નહીં કરીએ તો ચાલશે કારણ કે બુશ આમેય આગળ છે ! (આ જોક નથી હકીકત છે.)

અમેરિકાની વાત જ નિરાળી છે. અહીં લોકડાઉનના વિરોધમાં હજારો લોકોનાં ટોળાં રસ્તાઓ ઉપર નીકળી પડે છે પરંતુ એ જ શહેરોમાં વોટિંગ કરવાને દહાડે ઘરમાંથી બહાર નથી નીકળતા કેમકે કોરોનાનો ડર લાગે છે !

આ દેશમાં ચૂંટણીના બે મહિના પહેલાંથી ‘રેસમાં કોણ આગળ છે’ એના ‘વર્તારા’ બહાર પડે છે. કોમેડિયનની ભાષામાં કહીએ તો ‘જુઓ, જુઓ ! ગધેડો હાથી કરતાં ત્રણ ઇંચ આગળ નીકળી ગયો છે ! હવે આ જુઓ… હાથીએ એની સૂંઢ લંબાવીને સવા ઇંચની બઢત હાસિલ કરી લીધી છે ! જોકે પાછળની બાજુથી જોઈએ તો હાથીની પૂંછડી કરતાં ગધેડાની લાત હજી સવા સાત ઇંચ પાછળ, સોરી આગળ… સોરી પાછળ… સોરી આગળ… યાર, આ ગધેડો વારંવાર લાતો કેમ મારે છે ? માપતાં નથી ફાવતું !’

ટીવીમાં રોજ ઇંચ-ઇંચનો ફરક ઉત્તેજનાથી જોનારા અમેરિકનોને ચૂંટણી પછી બે પાંચ લાખ મત ગણાય કે ના ગણાય તેનો ખાસ ફરક નથી પડતો ! ચક્રમ જેવી લોકશાહી અમર રહો.

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments