આ કોરોનાકાળમાં લગન લેવાં વધુને વધુ અઘરાં થતાં જાય છે. હવે તો લગનમાં ફટાણાં પણ કંઈક આવાં ગાવાં પડશે…
***
નહોતી કરી રજીસ્ટ્રી
તો શીદ લખી કંકોતરી ?
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
નો’તા કરાવ્યા ટેસ્ટ
તો શીદ કાઢી ’તી ડેટ ?
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
પહેલો સગો કલેક્ટર
ને બીજાં સગાંઓ પોલીસ
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
પચીસનો રાખ્યો ટાર્ગેટ
ત્યારે જાન પચાસની કાઢી
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
જાનમાં ડિસ્ટન્સ રાખો
અણવરને કાઢો આઘો
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
વેલ્કમ ડ્રિંક પછી આપો
પે’લાં થર્મલ-ગન વસાવો
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
એડજસ્ટમેન્ટ છે ફાઈન
ગોર મહારાજ છે ઓનલાઈન
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
બુફે છે હોટલમાં, ને
સગાંઓ ભૂખ્યાં ઘરમાં
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
ચાંલ્લાના બદલે ફાળો
ને સૂપને બદલે ઉકાળો
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
આવી વિદાય-વેળા
હવે કોરોનાને કાઢો
મારા વેવઈ…
લગનમાં વઘન લાખ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment