લો બોલો, હવે જો માસ્ક વિના પકડાયા તો 1000ના દંડ ઉપરાંત જાહેરમાં બેનર પકડીને ઊભા રહેવું પડશે કે ‘માસ્ક અવશ્ય પહેરો !’
સરકારે આ સૂચન કર્યું છે ત્યારથી અમે તો દ્રઢપણે માનતા થઈ ગયા છીએ કે ચોરી, લૂંટ, બળાત્કાર, ભ્રષ્ટાચાર, કૌભાંડ કે બેન્ક ફ્રોડ કરતાં યે મોટો ગુનો માસ્ક ના પહેરવાનો છે !
નહિતર, શું આપણને એવાં દ્રશ્યો ના જોવા મળ્યાં હોત કે…
***
તૂટેલા ફાટેલા, ખાડા ખડિયાવાળા બિસ્માર રોડની બાજુમાં એક કોન્ટ્રાક્ટર અને બે મ્યુનિસિપલ ઓફિસરો ગળામાં તગારું અને હાથમાં બેનર લઈને ઊભા છે કે…
‘રોડના બાંધકામમાં ના ગોબાચારી કરીશું, ના કરવા દઈશું !’
***
અથવા સરકારી બેન્કના બારણે જ ચાર બેન્ક કૌભાંડીઓ ગળામાં હરાજીની નોટિસ અને હાથમાં બેનર લઈને ઊભેલા જોવા મળે કે…
‘હવે પછી બેન્કોમાં કૌભાંડ કદી નહીં કરીએ, ભૈશાબ !!’
***
કે પછી ગાંધીનગરની વિધાનસભા તરફ જવાના રસ્તે એકાદ સર્કલ પાસે કલંકિત ધારાસભ્યો ગળામાં જુતાંનો હાર અને હાથમાં બેનરો લઈને ઊભેલા દેખાય કે…
‘અમે હમણાં જ રાજીનામું આપ્યું છે. અને હવે જિંદગીભર ક્યારેય કોઈનો મત માગવા નહીં આવીએ !’
***
અરે, કોઈ નાનકડી જગ્યાએ ભાજપ પ્રમુખ સી આર પાટિલ કે પૂર્વમંત્રી કાંતિ ગામિત ગાળામાં લટકતાં માસ્ક અને હાથમાં બેનર સાથે…
...કલ્પના નથી કરી શકતા ને ? બસ ત્યારે !
***
હવે તો બિચારો કોમનમેન પણ જાહેરમાં બેનર લઈને નહીં ઊભો રહી શકે કે…
‘જાઓ, પહલે ઉન કે હાથો મેં બેનર પકડાઓ, જિન્હોં ને…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment