બિચારા મોદી, પુતિન, ટ્રમ્પ અને જિનપિંગ જેવા ધૂરંધરો એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવી શકતા નથી ! બીજી બાજુ હિરોઈનો પોતાની ચેટમાં ‘માલ હૈ ક્યા’ લખે તો પોલીસ દોડતી ઘરે આવી પહોંચે છે !
એના કરતાં આપણા મામૂલી ગ્રુપો શું ખોટા ? અહીં તો મઝા જ મઝા છે…
***
રિ-યુનિયન ગ્રુપ
તમે માર્ક કરજો, વરસો પહેલાં સ્કુલમાં ભણેલા સ્ટુડન્ટોનું રિ-યુનિયન માટે ગ્રુપ બને કે તરત છોકરાઓ (ભૂતકાળના) શરૂ થઈ જશે :
‘અલ્યા પેલો અતુલ અંચઈડો ક્યાં છે ?’
‘ગીરીશ ગોટીને મેં શિકાગોની એક મોલમાં પોતાં કરતો જોયેલો’
‘ભઈ, રાજુ રોત્તલનો કોઈ પત્તો મળે તો કહેજો'
'પેલો ગીરીશ લેંટારો સુધર્યો કે નહીં? કે હજી શર્ટની બાંય વડે નાક લૂછે છે!'
' એ તો મોટો બિલ્ડર બની ગયો છે!'
'એમ તો આપણો સુરેશ ખેંખલી બોડી બિલ્ડર બની ગયો છે..'
હજી તો ટોળકી 20-25 જણાની થઈ નથી કે શરૂ થઈ જશે:
‘પેલી અનામિકા ક્યાં છે ?’
‘કોણ, હિરેનનો માલ ?’
‘એ તો પરેશ પટેલને પરણી ગઈ.’
‘ના હોય !’
‘રાગિણીનો જુનો ફોટો મારી કને હતો.. જુઓ !’
‘આયે હાયે..’
‘યાર, માલવિકા શું માલ હતી નંઈ ?’
‘સાંભળ્યું છે કે ડિવોર્સ થઈ ગયા એના’
‘બોસ, કટીપતંગમાં ઝોલ મારવા જેવી છે, હોં !’
આવું બધું ચાલી રહ્યું હોય ત્યાં અચાનક કોઈ ‘મીરા શાહ’ અને ‘લવંગલતા પટ્ટણી’ ગ્રુપમાં જોડાઈ જાય કે તરત બધા છોકરાઓ (એટલે કે રોમેન્ટિક ડોસલાઓ) ડાહ્યા ડમરા થઈ જાય !
ઉપરથી એકાદ ગીતા અથવા ક્રિષ્ના પોતાના પતિ સાથેના ફોટા પોસ્ટ કરે એટલે તો સન્નાટો છવાઈ જાય ! પછી ધીમે ધીમે ચાંપલી પોસ્ટો આવવા માંડે..
‘આહાહા, કેવી સંસ્કારી શાળા હતી આપણી…’
‘એ સંસ્કારધામનાં ફરી દર્શન ક્યારે થશે ?’
છેવટે ‘કમિટી બનાવો..’ ‘જવાબદારી ઉપાડી લો..’ ‘પ્લાનિંગ શરૂ કરો..’ ‘મિટિંગમાં બધાએ આવવાનું છે..’ એવું શરૂ થાય કે તરત 90 ટકા મેમ્બરો ફક્ત રિ-યુનિયનની ટાઈમ-ડેટ-વેન્યુ એનાઉન્સ થવાની રાહ જોતા બેસી રહે છે…
***
મૈં ઔર મેરે ચમચે ગ્રુપ
આવાં ગ્રુપ નાનકડાં રજવાડાં સમાન હોય છે જેના રાજા કોઈ નેતા, અભિનેતા, કટાર લેખક, મહાકવિ અથવા નાની મોટી સેલિબ્રિટી હોય છે.
અહીં 99 ટકા પોસ્ટ ગ્રુપ એડમિનની પોતાની જ હોય છે. બાકીના 99 ટકા મેમ્બરો ‘વાહ’ ‘સુપર્બ સર’ ‘જોરદાર’ એવી ટુંકાક્ષરીઓ અથવા અંગૂઠા તથા ‘જય જય’નાં ઇમોજી જ મુકી શકે છે.
( હજી એક આખું પ્રકરણ ફેમિલી ગ્રુપનું આવવાનું છે. )
**
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment