વિવિધ 'વોટ્સએપ ભારતી' ગ્રુપો !

દેશમાં લગભગ 35 કરોડ વોટ્સએપ યુઝરો છે. એમાંથી લગભગ દરેક જણ કોઈ ને કોઈ ગ્રુપમાં ઉમેરાયેલું હોય છે. ગઈકાલે આવાં થોડાં ગ્રુપોની ઓળખ કરી હતી. આજે બાકીનાં…


***

બુધ્ધિજીવી ગ્રુપ

અહીં બધા ઇન્ટેલેક્ચ્યુઅલો ભેગા થયા હોય છે. એમના મેસેજોમાં ‘વાઉ’ ‘ઓસ્સમ’ ‘ટુ મચ’ ‘ઓહો’ ‘LOL’ ‘ROFLOL’ એવું ટુંકું ને ટચ કશું નથી હોતું. બધાને અહીં પોતાની બુધ્ધિનું પ્રદર્શન કરવાનું હોય છે તેથી મેસેજો 20 માર્કના નિબંધથી નાના ક્યારેય નથી હોતા.

એમાંથી વળી જો બે ચાર જ્ઞાનીઓ વચ્ચે ચર્ચા ફાટી નીકળે તો દિવસના અંતે એકાદ કિલોમીટર જેટલી લાંબી ટેકસ્ટનો પટ્ટો ઉતરે છે.

***

વૉક-આઉટ વૉક-ઇન ગ્રુપ

આ ગ્રુપ હકીકતમાં ઉપરના ગ્રુપનું પેટા-ગ્રુપ છે. આમાં અમુક મહાનુભાવોને વારંવાર માઠું લાગી જાય છે. તેથી તેઓ ગ્રુપમાંથી ‘વોક-આઉટ’ કરી જાય છે. (ફલાણા ફલાણા લેફ્ટ ધ ગ્રુપ)

થોડા દિવસો બાદ એમના જ કોઈ ‘સહ-વિચારધારી’ સજ્જન તેમને ફરી એડ કરે છે. (ફલાણા ફલાણા એડેડ ફલાણા ફલાણા)

આખું વરસ આ લેફ્ટિસ્ટોનું આવું 'લેફ્ટ- એડેડ... લેફ્ટ-એડેડ..' સાપ્તાહિક ધોરણે ચાલતું રહે છે.

***

જુનું એટલું સોનું ગ્રુપ

આવા ગ્રુપના લોકો ભૂતકાળમાં જ જીવે છે. જુની ફિલ્મો, જુનાં ગાયનો, જુનાં ભજનો, મરી ગયેલા મહાન લોકો, મરવાને કારણે જ મહાન બની ગયેલા લોકો… આવું બધું શેર કર્યા કરે છે. ગમ્મત એ છે કે આમાંથી મોટાભાગના વડીલોની યાદશક્તિ નબળી હોવાથી બે-ચાર મહિને બધું વારંવાર રિપીટ થતું રહે છે છતાં કોઈનું ધ્યાન પડતું નથી.

***

ઝુંબેશ ગ્રુપ

‘માખી મારવાના ઉદ્યોગને સરકાર સબસીડી કેમ ના આપે?...’થી માંડીને ‘રોડના ખાડાથી કમરના મણકા ભાંગી જાય છે તેનું વળતર કોણ આપશે?...’ જેવા કોઈપણ મુદ્દે બનેલા આવા ગ્રુપોમાં માત્ર આઠ દસ જણા જ હાકલ પડકારા કરતા રહે છે. બાકીના ‘સહી ઝુંબેશ’માં પોતાની ડિજીટલ સંમતિ આપ્યા પછી પેજ ખોલતા પણ નથી.

(હજી બે-ચાર બાકી છે…)

***

- મન્નુ શેખચલ્લી

Comments