આ દેશમાં ચાયવાળાના નસીબમાં ક્યારેક તો ફેમસ થવાનું લખાયું જ હશે કે કેમ ! માંડ નવમા ધોરણ સુધી ભણેલો (તે પણ ઉર્દૂ મિડિયમમાં) એક બ્રાહ્મણનો છોકરો ઘરેથી ચોરી કરીને ભાગતો ભટકતો, હિન્દી ફિલ્મોનો ડીરેક્ટર બની જાય એ પણ આ દેશમાં જ શક્ય છે !
ગયા અઠવાડિયે જે ‘એડલ્ટ’ ફિલ્મોના વાવાઝોડાની વાત કરી હતી તે શરૂ કરનાર, ‘ચેતના’ ફિલ્મના લેખક-દિગ્દર્શક બી આર ઈશારાની લાઈફ-સ્ટોરી અજીબોગરીબ છે. જો ૧૩-૧૪ વરસની ઉંમરે તેણે 1400 રૂપિયાની ચોરી ના કરી હોત તો કદાચ એ હજી રોશનલાલ શર્માના નામે ક્યાંક રિટાયર્ડ સરકારી કારકુન તરીકે સાવ ગુમનામ હોત.
વાત એમ બની કે હિમાચલ પ્રદેશના એક સાવ નાનકડા ગામમાં જન્મેલા બાળકની કુંડળી જોઈને જ્યોતિષીએ કીધેલું કે કાં તો આ છોકરો મરી જશે, કાં તો એના મા-બાપ મરી જશે ! બન્યું એવું જ. રોશનલાલના મા-બાપ થોડા જ સમયમાં ગુજરી ગયા. દાદીએ એને મોટો કર્યો.
આ છોકરાને બાળપણથી જ મીઠાઈ ખાવાનો અને ખવડાવવાનો જબરો શોખ. તેથી જબાન પણ મીઠી હશે, એટલે મીઠાઈની દુકાનવાળાને ત્યાં મોટી ઉધારી થઈ ગયેલી ! એવામાં અમૃતસરમાં રહેતા એના કાકાએ કહ્યું કે હું એને મારે ત્યાં રાખીને ભણાવીશ. આ બાજુ મીઠાઈવાળાને ખબર પડી કે બેટો રોશન તો ‘ટાટા-બાય-બાય’ કરીને જતો રહેશે, એટલે એણે ઉઘરાણીને પઠાણી બનાવી દીધી ! ઘરે ભાંડો ફૂટી ના જાય એ ડરથી રોશનકુમારે કાકાની જ પેટીમાં હાથ માર્યો ! રોકડા 1400 રૂપિયા કાઢીને તાળું પાછું મારી દીધું !
હલવાઈનું ઉધાર ચૂક્તે કરી, બાકીના રૂપિયા ખિસ્સામાં રાખીને તે ગયો અમૃતસર ! આ બાજુ કાકા હજી ગામમાં જ હતા. રોશનકુમારે જતાં પહેલાં એના કઝિનને કહી રાખેલું કે કાકા પેટી ખોલે અને કંઈ તમાશો થાય તો મને પોસ્ટકાર્ડ લખી દેજે. અમૃતસરમાં ભણી રહેલા આ છોકરાને પોતાની જનોઈ માટે પાછા ગામડે આવવાનું જ હતું. જે દિવસે એ ગામ તરફની બસ પકડવા નીકળ્યો એ જ વખતે તેને પોસ્ટકાર્ડ મળ્યું કે તારા કાકાએ પેટી ખોલી, અને રૂપિયા નહીં જોતાં તે બેહોશ થઈ ગયા !
શાયદ યહી થા ‘રોશન’ કી તકદીર કા ‘ઇશારા’ !
છોકરો ગભરાઈ ગયો ! અમૃતસરથી ભાગીને દિલ્હી જતો રહ્યો ! અહીં તેનો એક અતરંગી દોસ્ત બની ગયો. તે એને ફિલ્મોમાં 'ચાઇલ્ડ આર્ટિસ્ટ' બનાવવા માટે મુંબઈ લઈ આવ્યો ! રોશનની બાલ-દાઢી બનાવવામાં આવી, મસ્ત કપડાં પહેરાવીને તેનો દોસ્ત તેને રોજ એકાદ ફિલ્મ સ્ટુડિયોમાં લઈ જતો ! પણ એક દિવસ ‘લૈલા મજનુ’ નામની ફિલ્મ જોતાં (હિરોઈન સ્વર્ણલતા. 1945) ઇન્ટરવલમાં પેલો છોકરો ‘હમણાં આવું છું’ કહીને ગયો તે ગયો… રોશનના ખિસ્સામાં માત્ર એક રૂપિયો હતો અને બાકીના 500 પેલો લઈને છૂમંતર થઈ ગયો !
એ રાત્રે રેલ્વે સ્ટેશનના થાંભલે ઊભો ઊભો આ છોકરો રડતો હતો ત્યારે એક ટીસીએ પૂછ્યું શું થયું ? આણે તેની ટ્રેજેડી કીધી, પણ પુરી રામકહાણી ના કીધી. (1400ની ચોરીવાળી) ટીસી તેને પોતાને ઘરે ખંડાલા લઈ ગયો અને કચરાં-પોતાં વાસણનાં કામ માટે રાખી લીધો. છોકરો બે-ચાર મહિનામાં કંટાળી ગયો અને કશું કીધા વિના, છેલ્લો પગાર પણ લીધા વિના પાછો મુંબઈ આવી ગયો.
બસ, અહીંથી તેનું નસીબ પલટાયું. રઝળતાં રખડતાં તેને છેવટે રણજીત સ્ટુડિયોની બહાર એક ટી-સ્ટોલ ઉપર નોકરી મળી. શેની ? ‘બહારના કામ’ની ! મતલબ કે રણજિત સ્ટુડિયોની અંદર જે કંઈ ચા-કોફી વગેરેના ઓર્ડર હોય તે આપવા જવાનું.
દરમ્યાનમાં આ બ્રાહ્મણનો દિકરો ધીમે ધીમે નાની ડિક્શનેરી વડે અંગ્રેજી લખતાં-વાંચતાં બોલતાં શીખવા લાગ્યો. હવે જુઓ, ભાષાનું પ્રભુત્વ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડે છે ! એક દિવસ એ જમાનાની મશહુર અભિનેત્રી નરગિસને બરફનું પાણી આપવા જતાં પહેલાં તેણે કહ્યું ‘મે આઈ કમ ઇન મેડમ ?’
નરગિસને નવાઈ લાગી. વાતચીત કરતાં ખબર પડી કે છોકરાનં ઉર્દૂ તો ખુબ સરસ છે. કોઈ બીજાના નામે તેની એક વાર્તા પણ એક ઉર્દૂ પત્રિકામાં છપાઈ હતી ! નરગિસે તેની ઓળખાણ દિગ્દર્શક લેખ ટંડન સાથે કરાવીને કહ્યું કે આ છોકરાને કોઈ સરખું કામ અપાવો.
- જોકે એ ‘સરખું’ કામ અને ‘ફિલ્મના’ સરખા કામ વચ્ચે હજી વરસોનું અંતર હતું…. (બાકીની દાસ્તાન આવતા સોમવારે)
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment