વીતી રહેલું 2020નું આપણને શું શું શીખવી ગયું ? એનો કોર્સ તો છેક એપ્રિલ મહિનાથી શરૂ થઈ ગયો હતો ! જ્ઞાની લોકોએ શીખાઉ લોકોને સેંકડોની સંખ્યામાં શીખામણો અને બોધપાઠ ફોરવર્ડ કરી કરીને આખા દેશને ‘ભણાવી’ માર્યો છે !
છતાં અમે છેલ્લો પ્રયત્ન (અમે ઠોઠ ખરા ને, એટલે) કરી રહ્યા છીએ…
***
બોધપાઠ (1)
દુનિયામાં સત્તર સંબંધો ભલે બાંધી જુઓ પણ છેવટે પત્ની પાસે તો આવવું જ પડશે !
***
બોધપાઠ (2)
શીખેલું કદી એળે જતું નથી. આ વરસે પતિઓ જે શાક સમારવાનું, કચરા-પોતું કરવાનું તથા કમ સે કમ કુકરની સીટીઓ ગણવાનું શીખ્યા છે તેનો ‘સદુપયોગ’ 2021માં કરવો જ પડશે. (તૈયાર રહેજો !)
***
બોધપાઠ (3)
દુનિયા જો તમારો સાચો ચહેરો ઓળખી જશે તો એમાં તમારું જ નુકસાન છે. ચહેરો છુપાવો, સુખી થશો !
***
બોધપાઠ (4)
ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કીડનીની તકલીફ, હાર્ટની તકલીફ… આ બધું તો મામુલી છે બસ, શરદી ખાંસી અને શ્વાસની તકલીફ ના થવી જોઈએ !
***
બોધપાઠ (5)
ઉત્સાહથી હાથ મિલાવનારા બધા મિત્રો જ હોય તે જરૂરી નથી.
***
બોધપાઠ (6)
એક વાત હવે ફાઈનલ થઈ ગઈ. પત્ની વિના કદાચ જીવી શકાશે પણ મોબાઈલ વિના જીવવું અશક્ય છે !
***
બોધપાઠ (7)
બોધપાઠ નંબર (6) પત્નીને કહેવો નહીં. કારણ કે…
બોધપાઠ નંબર (1) !!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment