જરા વિચાર તો કરો, છેલ્લા 100 વરસમાં પહેલું વરસ હશે જ્યારે થર્ટી ફર્સ્ટની નાઈટે ‘કરફ્યુ’ હશે !
એ જ રીતે આ વરસના એવોર્ડ્ઝ પણ અનોખા છે…
***
મ્યુઝિક ઓફ 2020
ફોનમાં વાગતી (હકીકતમાં તો કાનમાં જોરથી ‘વાગતી’) પેલી કોરોના વિશેની સૂચનાને ‘કોલર ટ્યૂન’ કયા હિસાબે કહેતા હશે ? કમનસીબે એ જ ટ્યૂન છે ‘મ્યુઝિક’ ઓફ 2020!
***
વિરોધાભાસ ઓફ 2020
હિન્દીમાં જે બચ્ચન સાહેબ સૌના ફોનમાં ઘૂસીને કોરોના સામે શી રીતે સાવધ રહેવું એની શીખામણો આપતા હતા એ જ બચ્ચનજીનું આખેઆખું ફેમિલી કોરોનામાં ઝલાયું !
***
લર્નિંગ ઓફ 2020
અહીં ‘જીવનમાંથી શું શીખ્યા’ કે ‘કોરોનાનો બોધપાઠ’ જેવી ચાંપલી શીખની વાત નથી. હકીકતમાં તો આ વરસ દરમ્યાન પતિઓ ઘરમાં રહીને જે કચરા, પોતાં, વાસણ (ડીશ વોશિંગ કહેવાય, સારી ભાષામાં) તથા રસોઈ કરતાં શીખી ગયા એવું તો ભલભલા ‘ફેમસ સર’ના કોચિંગ ક્લાસો ય નથી શીખવી શક્યા !
***
ડેરિંગ ઓફ 2020
‘ડંડા પડે તો ભલે પડે, પણ આ ધડ દોડશે શીશને કાજે…’ એવી કહેવત બની શકે એવા ઝનૂન અને હિંમતથી માવાના બંધાણીઓએ પોતાના શીશ (માથું)ના મૂડ સુધારવા માટે પાનના ગલ્લા સુધ્ધાં લૂંટી નાંખ્યા હતા, એને કહેવાય ડેરિંગ !
***
અફવા ઓફ 2020
‘ફલાણે ઠેકાણે શ્રમિકો માટે બસો મુકાઈ છે...’ અથવા ‘તબલીગીઓ જ ફેલાવે છે કોરોના…’ એવી અફવાઓની અસર થોડા ગાળા માટે જ હતી. પરંતુ ‘છાપાં વડે કોરોનાના જંતુઓ ઘરમાં પ્રવેશે છે’ એવી અફવામાં માનનારાઓની સંખ્યા લાખોમાં હતી ! (પાછા એ જ લોકો પોતાની જાતને ‘ભણેલા’ સમજે છે.)
***
દાનવીર ઓફ 2020
દેશની ઇકોનોમીને ફરી બેઠી કરવા માટે દાનવીરોની લાઇનો લાગી હતી… દારૂની દુકાનો પર ! અંબાણી, અદાણી અને અક્ષયકુમાર કરતાંય એમના દાનનો આંકડો અનેકગણો છે ! સેલ્યુટ હોં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment