આ વરસે એવું થયું છે કે 2020ની શરૂઆત શાહીન બાગથી થઈ અને અંત સિંધુ બોર્ડરથી આવી રહ્યો છે !
વચ્ચેના મહિનાઓમાં કોરોના સિવાય જાણે બીજું કશું હતું જ નહીં. એ હિસાબે એવોર્ડ્ઝ પણ વિચિત્ર કેટેગરીના છે…
***
સાઉન્ડ ઓફ 2020
આખા દેશે જે મોદી સાહેબના કહેવાથી ‘ખાલી’ થાળીઓ વગાડી તે ! (અહીં ખાલી થાળીનો કોઈ ગૂઢાર્થ શોધવો નહીં કારણ કે ભરેલી થાળી વગાડી જ ના શકાય.)
***
લાઈટ ઓફ 2020
આ પણ એ જ ! નવ તારીખે નવ વાગે નવ દિવા પ્રગટાવવાના હતા. દીવાનું અજવાળું દેખાય એ માટે દીવાથી વધુ પ્રકાશ ધરાવતી તમામ લાઈટો બંધ કરવાની હતી. (અહીં પણ કોઈ ગૂઢાર્થ નથી, ભૈશાબ !) પરંતુ વીજળી વિભાગે ‘ગ્રીડ’નું (લાલચ નહીં, GRID) બહાનું કાઢીને ઘરની એકાદ લાઈટ ચાલુ રખાવી.
***
વિઝન ઓફ 2020
અમારા હિસાબે તો અમદાવાદના એક છેડેથી છેક બીજા છેડે આવેલા કચરાના મોટા ડુંગરાઓ નરી આંખે (સરકારને પણ) દેખાવા લાગ્યા એનાથી રૂડું દૃશ્ય બીજું કોઈ નહોતું !
***
બ્રેવરી ઓફ 2020
ભારતીય સેનાએ ભલે દેશની હોસ્પિટલોના સ્વાસ્થ્ય કર્મીઓને બહાદુર ગણીને તેમની ઉપર ફૂલ વરસાવ્યાં, પણ અમે એ બહાદુર શ્રમિકોને સલામ કરીએ છીએ જેઓ એક ટેન્કરમાં બેસીને રાજસ્થાન બોર્ડર પાર કરવા માગતા હતા ! આટલી બહાદુરી તો મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસવા માટે પણ કોઈએ નથી બતાડી.
***
ઇમ્યુનિટી ઓફ 2020
સીઆર પાટિલ અને કાંતિ ગામીત ! એમની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હતી કે હજારોનાં ટોળાંને કશું ના થયું. વળી આ મહાનુભાવોને કાનૂન તરફથી પણ ઇમ્યુનિટી મળતી રહી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment