કોરોના મહામારીને ભારતમાં આઠ મહિના થઇ ગયા. શું કોઈ ન્યુઝ ચેનલે કે મહાન સ્ટાર પત્રકારે તેની ઉપર કોઈ ડોક્યુમેન્ટ્રી બનાવી ખરી ?
પોતાને બંધારણની ચોથી જાગીર સમજનારા જર્નાલિઝમ પાસે આવડી મોટી તક હતી. પત્રકારોને ‘એસેન્શિયલ સર્વિસ’ના દરજ્જા હેઠળ આખા દેશમાં ગમે ત્યાં જવાની પુરેપુરી છૂટ હતી. છતાં દેશની નેશનલ ન્યુઝ ચેનલોએ કોરોનાના નામે કકળાટ, વિવાદ, ઘોંઘાટ અને લોકોને બીવડાવવા સિવાય કંઈ પાયાનું ‘ડોક્યુમેન્ટેશન’ કર્યું ખરું ? ફરી એકવાર ન્યુઝ ચેનલોએ અતિશય મહત્વની ઘટનાની સદંતર છીછરી રીતે ઉપેક્ષા કરી છે.
આ અગાઉ પણ ‘આરપાર’ સામયિકમાં આ જ કોલમ હેઠળ લેખ કર્યો હતો કે આપણી ન્યુઝ ચેનલો ડોક્યુમેન્ટ્રીઓ શા માટે નથી બનાવતી ? શું ન્યુઝ ચેનલોનું કામ ટીવીના પરદે નાનાં નાનાં ચોસલાં પાડીને એમાં કહેવાતા એક્સ્પર્ટો બેસાડીને મચ્છમારકેટ ટાઈપની ચર્ચાઓ જ કરવાનું રહી ગયું છે ?
દેશ ઉપર ફેબ્રુઆરી મહિનાથી તોળાઈ રહેલી અને માર્ચ મહિનામાં ખરાબ રીતે ત્રાટકેલી કોરોના વાયરસ મહામારીના સમયમાં જો ન્યુઝ ચેનલોએ ધાર્યું હોત તો ડઝનબંધ સંખ્યામાં એવી ડોક્યુમેન્ટ્રીઓ બની શકી હોત, જે આજથી 100 વરસ પછી ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ‘ડોક્યુમેન્ટ્સ’ બની શકી હોત. પરંતુ અફસોસ, એવું થયું નથી… છતાં વિચારો, એનાં કારણો શું છે ?
અખબારો મુશ્કેલીમાં, ન્યુઝ ચેનલો તેજીમાં
આજે પત્રકારત્વના ત્રણ મોટા ફાંટા પડી ગયા છે. એક છે પ્રિન્ટ મિડિયા જર્નાલિઝમ, જે અખબારો તથા મેગેઝિનો દ્વારા થઈ રહ્યું છે. બીજું છે ઇલેક્ટ્રોનિક મિડિયા, યાને કે ટીવીની ન્યુઝ ચેનલો અને ત્રીજું છે સોશિયલ મિડિયા, જ્યાં નાનાં મોટાં જુથો પોતપોતાનો એજન્ડા ચલાવવા માટે જર્નાલિઝમના નામે અમુક-તમુક વિચારસરણીઓની દલાલી કરી રહ્યાં છે.
આમાંથી સોશિયલ મિડિયા કોઈ ચેલેન્જ ઉપાડે એ તો અશક્ય જ હતું. એક કેમેરો, એક એન્કર અને બે ચાર જાતના ગ્રાફિક્સ વડે એકાદ રૂમમાં ચાલતાં આ તંત્રો દેશભરમાં જાતે રખડીને કોઈ ‘પત્રકારત્વ’ કરે એ આશા ઠગારી જ હતી. બીજી તરફ પ્રિન્ટ મિડિયાને 25 માર્ચથી લાગુ પડેલાં સજ્જડ લોકડાઉનને કારણે બેવડો માર પડી ગયો હતો. એક તરફ ફેરિયાઓ દ્વારા લોકો સુધી અખબારો પહોંચી શકતાં નહોતાં તો બીજી તરફ લોકો શાકભાજી અને કરિયાણું સિવાય બજારમાંથી કશીય ખરીદી જ નહોતા કરતા. એટલે ભલભલી મલ્ટી મિલિયોનેર કંપનીઓએ પોતાની પ્રોડક્ટોની જાહેરખબરો સદંતર બંધ કરી દીધી.
તમને સ્હેજ જણાવી દઈએ કે અખબારોની જે પડતર કિંમત છે (છપાઈ, વિતરણ, પગારો તથા અન્ય ખર્ચા સહિત) તેની ચોથા ભાગની પણ વેચાણ કિંમત નથી હોતી. સાદું ગણિત ગણીએ તો એક છાપું 12 રૂપિયામાં પડે છે પણ તેની વેચાણકિંમત માત્ર 4 રૂપિયા હોય છે. બાકીના 8 રૂપિયા કે તેથી વધુ આવક માત્ર અને માત્ર જાહેરખબરોમાંથી થતી હોય છે.
બીજી તરફ, ન્યુઝ ચેનલોનું ગણિત આનાથી સાવ ઊંધું છે. અહીં રિપોર્ટરોનો સ્ટાફ અખબારો કરતાં દસ ગણો ઓછો હોય છે. ઘેર ઘેર ટીવી ન્યુઝ પહોંચાડવાનો ખર્ચ (બ્રોડકાસ્ટ ફી) ઘરદીઠ સાવ નહિવત હોય છે અને આ ન્યુઝ ચેનલોની મુખ્ય આવક જાહેરખબરોમાંથી નહિ બલ્કે પોતાના ‘પોલિટીકલ વજન’ થકી આવતી હોય છે.
અમુક ચેનલોનું તો બેશુમાર ફંડ વિદેશોમાંથી આવે છે. દેશમાં પણ નાનામાં નાની રાજકીય પાર્ટીથી લઈને મોટામાં મોટા રાજકીય પક્ષોએ ઝખ મારીને આ ન્યુઝ ચેનલોનાં તરભાણાં ભરવાં જ પડે છે. (આ જ કારણસર તમે જોશો કે અમુક ચોક્કસ ચેનલો ભાજપ તરફી અને અમુક ચેનલો ભાજપ-વિરોધી લાગે છે.)
ટુંકમાં, કહેવાનો અર્થ એટલો જ કે કોરાના મહામારીના સમયમાં ન્યુઝ ચેનલો પાસે રૂપિયા નહોતા એવું તો કદી બન્યું નથી. છતાં કોઈને કેમ વિચાર ના આવ્યો કે આખી સદીમાં માંડ એકાદ વાર આવી પડેલી આ મહા-દુર્ઘટનાનું ‘ઓલ-ઇન્ડિયા’ કવરેજ થાય એવી ડોક્યુમેન્ટ્રીઓ બનવી જોઈએ ?
ન્યુઝ ચેનલોમાં જ ખાટલે ખોડ છે
લોકડાઉન પછીના ત્રીજા સપ્તાહમાં મારે ગુજરાતનાં પ્રખર મહિલા પત્રકાર શીલા ભટ્ટ સાથે વોટ્સએપ સંવાદ ચાલી રહ્યો હતો. (શીલા ભટ્ટ આજકાલ દિલ્હીમાં એક પ્રાયવેટ ન્યુઝ ચેનલ સાથે સંકળાયેલાં છે.) એ દરમ્યાન શીલા બહેને દિલ્હીની કુખ્યાત તબલિગી પંથની અવામી મરકઝ મસ્જિદમાં સરકારી તંત્રો દ્વારા શું કાચું કપાઈ ગયું હતું તે બાબતે બહુ મહત્વના પોલીસ અફસરોના ઇન્ટરવ્યુ કર્યા હતા. (જે ક્યારેય મુખ્ય ધારાનાં કોઈ મિડિયામાં ના આવ્યા.) તે વખતે મેં શીલા બહેનને અભિનંદન આપતાં સૂચન કર્યું હતું કે તમારે તો દિલ્હીની મોટી મોટી ચેનલોમાં ઓળખાણ હશે, તો એમને તમે એવું સજેશન ના કરી શકો કે આ મહામારીનું કવરેજ કરવા માટે દેશભરમાં જુદી જુદી ટીમોને મોકલીને એક મોટો ‘ડોક્યુમેન્ટ્રી પ્રોજેક્ટ’ હાથ ધરે ?
જવાબમાં શીલા ભટ્ટે બહુ સૂચક રીતે લખ્યું હતું કે ‘હું સજેશન પહોંચાડીશ પણ એનો અમલ થશે કે નહિ તે ના કહી શકું.’ શીલા ભટ્ટની આ શંકા જ બતાવે છે કે આપણી ન્યુઝ ચેનલોનાં તંત્રો કઈ હદે ટીઆરપી કેન્દ્રિત બનીને માત્ર છીછરી કક્ષાના વિવાદો અને પોળના ઓટલે થતી કુથલી કક્ષાની સસ્તી સનસનાટીમાં જ ખદબદી રહી છે.
જો માત્ર ચાર મોટી ચેનલોના માલિકો / વડાઓ ભેગા થઈને આ પ્રોજેક્ટ ઊભો કરે તો એની પાછળનું બજેટ કાનખજૂરાના છ-સાત પગ જેટલું જ લાગ્યું હોત. આખા દેશમાં માત્ર પંદર રિપોર્ટર-કેમેરામેનની જરૂર હતી. વળી, આ કંઈ પુર કે આગ જેવી ઘટના નહોતી કે બે કલાક મોડા પડો તો કંઈ હાથ ના લાગે. અહીં તો અઢળક શક્યતાઓ હતી…
વેડફાઈ ગયેલી સોનેરી શક્યતાઓ
આ કોરોનાની મહામારીમાં શું શું નથી બન્યું ? તબલિગી જમાતનો મુદ્દો તો નકરા રાજકીય રંગમાં પલટાઈ ગયો પરંતુ એ સિવાય કેટકેટલું બની ગયું ? શરૂ શરૂમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા અડધી થઈ ગઈ, ખાનગી ડોક્ટરોએ દવાખાનાં જ ના ખોલ્યાં, ગભરાઈ ગયેલા શ્રમિકોએ સેંકડો કિલોમીટર પગે ચાલી નાંખ્યું, બીજી તરફ પોલીસો અને ડોક્ટરો-નર્સો વગેરે ખડેપગે ચોવીસ-ચોવીસ કલાક સુધી ફરજ બજાવતા રહ્યાં…
આ બધું આપણને પેલા ઊંચા તીણા અવાજે અહેવાલ આપનારા ‘ન્યુઝ રિપોર્ટરો’ દ્વારા જ જાણવા મળ્યું. પરંતુ સો સવાસો કિલોમીટર ચાલીને ગામડે પહોંચેલા શ્રમિકોના ઇન્ટરવ્યુ કોઈ ગામડામાં જઈને થયા ખરા ? સળંગ પંદર પંદર દિવસ લગી ડ્યૂટી બજાવનારા પોલીસોનાં કુટુંબીઓની શી હાલત હતી ? કોઈએ જઈને પૂછ્યું ખરું ? કોરોનાના ખૌફથી સરકારી હોસ્પિટલોમાંથી ભાગી છૂટવા માગતા અને ભાગી છૂટેલા દરદીઓ વિશે કોઈ વિડીયો ડોક્યુમેન્ટ છે ખરા ? પેલા પાણીના ટેન્કરમાં બેસીને રાજસ્થાન જવા માગતા શ્રમિકોની અંદર શી હાલત હતી ?
મહારાષ્ટ્રમાં પેલા રેલ્વેના પાટા ઉપર થાકીને સૂઈ ગયેલા ડઝનબંધ શ્રમિકોનાં શરીર પર ટ્રેનનાં લોખંડી પૈંડાં ફરી વળ્યા એમાંથી કેટલા પરિવારોના ઘરે જઈને કોઈએ પંદરેક મિનિટની ડોક્યુમેન્ટ્રી બનાવી ખરી ?
ના ! ન્યૂઝ માં તો પેલો સોનુ સૂદ દિવસો સુધી છવાયેલો હતો જે શ્રમિકોને 'મદદ' પહોંચાડી રહ્યો હતો. આવાં તો કંઈ કેટલાય વિરોધાભાસ હતા કે એ વિરોધાભાસોની જ ડોક્યુમેન્ટ્રી બની શકી હોત. પરંતુ ન્યુઝ ચેનલોને એ શ્રમિકોનાં મોત કરતાં સુશાંત સિંહ રાજપૂતના મોતમાં વધારે રસ હતો. રોજગારી વિના ગરુબોનું શું થયું તેના કરતાં રિયા ચક્રવર્તીને જેલમાં શું તકલીફો પડી એમાં વધારે રસ હતો.
સાથે સાથે દેશની પ્રજાનો પણ અલગ મિજાજ હતો. કોરોનાના ભયને હળવો કરી રહેલી જે જોક્સ સોશિયલ મિડિયામાં ફરતી હતી તેનું કોઈ ‘ડોક્યુમેન્ટેશન’ થયું ખરું ?
ડોક્યુમેન્ટ્રીનો મતલબ જ ‘ડોક્યુમેન્ટ’ યાને કે ‘દસ્તાવેજ’ થાય છે. કમનસીબે આપણી ન્યુઝ ચેનલો ‘દસ્તાવેજ’ કરતાં ‘દખલગીરી’માં વધારે વિશ્વાસ રાખે છે. ‘શું થયું’ એના કરતાં ‘શું નથી થઈ રહ્યું’ એનું પિંજણ કરવામાં વધારે ઉત્સાહ દેખાડે છે.
બ્રિટીશ પરંપરા અને માહિતી ખાતું
જ્યારે આ બધી ન્યુઝ ચેનલો નહોતી ત્યારે કેન્દ્ર સરકારનું ‘ફિલ્મ ડિવીઝન’ દર અઠવાડિયે એક ન્યુઝ રીલ તૈયાર કરતું હતું. આ ફિલ્મ ડિવીઝને એમના સમયમાં આખા દેશને આવરી લેતી ઉત્તમ ડોક્યુમેન્ટ્રીઓ પણ પ્રોડ્યુસ કરી છે. છેક આઝાદીની લડાઈ વખતથી અંગ્રેજોએ આ ફિલ્મ ડિવીઝનની સ્થાપના કરી હતી. જેના પ્રતાપે જ આજે આપણી પાસે એ આંદોલનના મહત્વના ઐતિહાસિક ફૂટેજ સચવાયેલા છે. ગાંધીજી, જવાહરલાલ, વલ્લભભાઈ તથા ડૉ. રાધાકૃષ્ણન જેવા મહાનુભાવોનાં ભાષણોનો ઢગલો છે. પરંતુ ટીવીના આગમન પછી સરકારે એ ‘માહિતી’ ખાતાને ‘પ્રચાર ખાતું’ બનાવી નાંખ્યું.
દરેક રાજ્યના માહિતી ખાતાં પોતપોતાના વિવિધ ખાતાંઓની (એટલે કે મિનિસ્ટરોની) વિવિધ યોજનાઓનાં ગુણગાન ગાતી ડોક્યુમેન્ટ્રીઝ બનાવવા લાગ્યાં. બ્રિટિશરોની સાવ બીબાંઢાળ શિક્ષણ પધ્ધતિ આપણે હજી છોડી નથી પણ 'ડોક્યુમેન્ટ' કરવાની ઉત્તમ પ્રણાલિ સાવ છોડી દીધી ! પછી આપણે જ કહીએ છીએ કે દેશમાં ખોટો ઇતિહાસ ભણાવાય છે !
ખેર, બીજી તરફ ન્યુઝ ચેનલો ધીમે ધીમે મચ્છી મારકેટ બનતી ગઈ. આજે તમે ભારત-બાંગ્લાદેશ યુધ્ધના ફૂટેજ માગો તો કેન્દ્રના માહિતી ખાતામાંથી મળી આવશે પણ 1999ની કારગિલ વોરના ‘ડોક્યુમેન્ટ્રી ફૂટેજ’ને બદલે કોઈ મહાન બહાદૂર મહિલા પત્રકાર છેક બોર્ડર ઉપર જઈને સૈનિકો વચ્ચે કેવા ઇન્ટરવ્યુ કરતી હતી તેના ફૂટેજ જ મળશે !
સવાલ એ છે કે બરખા દત્ત જેવા બીજા બે ડઝન ન્યુઝ રિપોર્ટરો જે પોતાની જાતને નીડર અને સત્ય સંશોધકો ગણાવે છે તેઓ કેમ કોરોના મહામારી વખતે કહેવાતાં ‘ભયજનક’ સ્થળોએ ના દેખાયાં ? જવાબ સિમ્પલ છે. એ લોકો ‘સિનિયર’ બની ગયા છે ! એમનું કામ એસી કેબિનમાં બેસીને ‘સ્ટ્રેટેજી’ ઘડવાનું છે !
અમે તો કહીએ છીએ ન્યુઝ રિપોર્ટરોને છોડો, દેશની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટેલિવિઝન સિરિયલના તમામ લોકો ઘરે બેઠા હતા ! શું એમાંથી માત્ર પંદર ટેલેન્ટેડ અને કમિટેડ ટીમો ના બનાવી શક્યા હોત ? ખુદ શીલા ભટ્ટે મારી સાથેની વોટ્સ-એપ ચેટમાં સ્વીકાર કર્યો હતો કે ભારતના પત્રકારો પાસે આખા દેશમાં ગમે ત્યાં જવાની (વણલખી) પરવાનગી હોવા છતાં મોટાભાગના પત્રકારો ડરના માર્યા ક્યાંય નીકળ્યા જ નહીં.
બસ, આ જ આ દેશની અસલી તાસીર છે. અહીં એક બાજુ ફિલ્મો અને ટીવીના દિગ્ગજ કલાકારો પોતપોતાના ઘરની બાલ્કની અને અગાશીમાં જઈ જઈને કોઈ ‘પ્રેરણાત્મક ગીત’ની બબ્બે લીટીઓના સેલ્ફી વિડીયો બનાવી રહ્યા હતા, બીજી બાજુ કવિઓ અને કહેવાતા ચિંતનકારો વેબિનાર કરીને મુશાયરાઓ તથા 'જીવન-દર્શન'ના પ્રોગ્રામો કરી રહ્યા હતા. ત્રીજી તરફ ટીવીના પત્રકારો સલામત જગ્યાઓ ઉપર ઊભા ઊભા ‘ઉપરથી આવેલી લાઈનદોરી’ મુજબ ઊંચા અવાજે દહેશત ફેલાવનારા અહેવાલો પ્રસારિત કરી રહ્યા હતા અને…. પેલી બાજુ પોલીસો, ડોક્ટરો, નર્સો, સ્વયંસેવકો, સરકારી કર્મચારીઓ ખડે પગે સતત ફરજ બજાવી રહ્યા હતા.
આ બધા તમાશા વચ્ચે પેલા પગપાળા ચાલી નીકળેલા શ્રમિકો અને ડરથી ફફડીને ઘરમાં બેસી રહેલા આમ આદમીઓ નરી આંખે દેખાય એ રીતે હાજર હોવા છતાં ક્યાંક ગાયબ હતા.
email: mannu41955@gmail.com
Excellent thinking!
ReplyDeleteThank you so much Saurabh bhai !
DeleteSaachi vaat.
ReplyDelete