જો ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ફિલ્મોમાં કરવા ચોથનાં ગાયનો ના હોત અને એકતા કપૂરની સિરિયલોમાં લગભગ દરેક ખાનદાન કરવા ચોથનાં વ્રત નિમિત્તે દસ-દસ એપિસોડો ના ખેંચાતા હોત તો આજે કદાચ ગુજરાતમાં કરવા ચોથના નામે એક ચાળણી પણ ના વેચાતી હોત !
ગુજરાતની મોટાભાગની બહેનો તો હજી એમ જ માને છે કે લોટ ચાળવાની ચાળણી જુદી હોય અને કરવા ચોથ માટે ‘વ્રતની ચાળણી’ જુદી હોય ! કવિ પ્રદીપજી જો પેલી ‘જય સંતોષી મા’ ફિલ્મની વાર્તા અને તેની આરતી ના લખી ગયા હોત તો આજે ગુજરાતમાં ‘જય સંતોષી મા’ની વ્રતકથાની ચોપડીઓ શું ગાંધીજીની આત્મકથા કરતાં ય વધારે સંખ્યામાં વેચાઈ હોત ખરી ? (જોકે સરખામણી ખોટી છે. હકીકતમાં તો માત્ર ‘રેપિડેક્સ ઇંગ્લીશ સ્પીકિંગ’ કોર્સની ચોપડી જ એ વ્રતકથાની ચોપડી સામે ટક્કર લઈ શકે તેમ છે.)
અમારું દૃઢપણે માનવું છે કે ગુજરાતની બહેનોએ ભલે ‘ડીડીએલજે’ અને ‘એચડીડીસીએસ’ ફિલ્મો પુરેપુરા ભક્તિભાવથી ના જોઈ હોય પરંતુ એમની મનની ભાવના જ એટલી સુંદર હતી કે એમને ‘કોરોના’ માતાએ માગ્યા વિના આશીર્વાદ આપી દીધા કે ‘જા દીકરી, તારો પતિ છ મહિના લગી તારો અર્ધાંગિનો બની રહેશે !’
નહિતર તમને શું લાગે છે, માત્ર એક દિવસનો ઉપવાસ કરીને પતિને લોટ ચાળવાની ચાળણીમાંથી જોવાને કારણે પતિ આટલો બધો આજ્ઞાંકિત બની જાય ? ના ! આજે તમે જુઓ કે જેનો પતિ માળિયામાં ચડીને સાફસૂફી કરી રહ્યો છે, સ્ટુલ પર ચડીને પંખા લૂછી રહ્યો છે, મઠીયાં અને સુંવાળીનાં ગુલ્લાં પાડી રહ્યો છે કે ફરસી પુરીની યુ-ટ્યુબવાળી રેસિપીમાં જોઈને લોટ બાંધી રહ્યો છે... તેની પત્નીએ આ નહીં તો આગળનાં જનમમાં જરૂર કરવા ચોથનું વ્રત કર્યું જ હશે !
જોકે હજી આપણા ગુજરાતી ચિંતનકારો આ ઉત્સવનું મહિમાગાન કરવામાં જરા પાછળ રહી ગયા છે. બાકી, આ ચોથ આસો મહિનાની વદ ચોથમાં જ શા માટે આવે છે ? ચોથ યાને ચતુર્થીમાં નારી શક્તિની કઈ ચાર ખુબીઓ ઉજાગર થાય છે ? ચોથ ચોથની તિથિએ જ શા માટે ? પાંચમ કે ત્રીજની તિથિએ ચોથ શા માટે નથી હોતી ? ચાળણી એટલે શું ? આપણે આપણા જીવનમાંથી કયા અવગુણો ચાળીને દૂર કરવાના છે ? પતિ-પત્નીનો સંબંધ કયા નંબરની ચાળણીથી સાચી રીતે ગળાય છે ? આવી બધી ગૂઢ જ્ઞાનની વાતો હજી વોટ્સ-એપમાં પણ નથી આવી.
બીજી બાજુ ફરસાણના વેપારીઓએ પણ થોડી જાગૃતિ ફેલાવવાની જરૂર છે. જેમ દશેરાના દિવસે ફાફડા-જલેબી અને ઉત્તરાયણમાં ઉંધિયું ખાવાનો મહિમા છે એ રીતે કરવા ચોથની રાતે ધાબા ઉપર બેસીને સમગ્ર કુટુંબે નાયલોન ખમણ તો ખાવાં જ જોઈએ એવી પ્રથા શરૂ કરવાની જરૂર છે.
પછી તો પેલા ચિંતનકારો એની મેળે શોધી કાઢશે કે નાયલોન ખમણમાં જે મીઠાશ અને નરમાશ છે, અને ખાસ કરીને જે ‘લવચિક્તા’ છે (લવચિક્તા એટલે ફ્લેક્સિબિલીટી, બકા) તે પતિ-પત્ની વચ્ચેના સંબંધની, શું કહેવાય ‘કડી’ તો ના કહેવાય. પણ હા, પતિ-પત્નીના સંબંધનું એ મીઠાશ તથા નરમાશભર્યું ‘ચોસલું’ છે !
ઇન ફેક્ટ, જો નાયલોન ખમણનું ફાઈનલ રાખીએ તો કેકના ચોસલાંની જેમ એકબીજાંને ખમણ ખવડાવતાં ફોટા લઈને ફેસબુકમાં પણ મુકવા થાય.
જોકે, ગુજરાતીઓએ ઉત્તર ભારતનો આ તહેવાર સંપૂર્ણપણે તો ત્યારે જ અપનાવેલો ગણાશે જ્યારે આપણે સૌ વાઈફો-હસબન્ડોની જોડીઓ બનાવીને કરવા ચોથની રાતે ધાબા ઉપર ગરબા ગાતા હોઈશું ! એ હાલોઓઓ....
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Excellent. Th0roughly enjoyed.
ReplyDeleteThanks 🙏🙏 🙏
Delete