આ દિવાળી આવી નથી કે કેટલાક રોત્તલ મેસેજો ચાલુ થઈ જવાના… "આહાહા, એક જમાનામાં અમે તો સાણસી વડે ઓટલા ઉપર બેસીને ભાઈબંધો જોડે ટિકડીઓ ફોડતા… આજે તો બંગલો છે, ગાડીઓ છે પણ ટિકડી ફોડવાની એ મઝા ક્યાંથી લાવવી ?"
લો બોલો ! આ વડીલને શું કહેવાનું ? અલ્યા કાકા, બંગલો છે તો એમાં ઓટલો ય હશે જ ને ? (ઉલ્ટાનો મસ્ત મોંઘા મારબલ-સ્ટોન વડે મઢેલો હશે) ટિકડીઓ તો આજેય બજારમાં મળે છે અને સાણસી એ પડી કિચનમાં ! ઓટલે બેસીને ફોડોને ટિકડીઓ ? પણ ના, અમુક લોકોને સુખના અપચા જ થાય છે.
એક બહેનનાં રોદણાં વાયરલ થયાં છે. કહે છે કે "નાના હતા ત્યારે બહુ ઓછી મીઠાઈ બનતી. ગણી ગણીને ખાવી પડતી. આજે તો ફ્રીજમાં મીઠાઈનાં પેકેટોનો ઢગલો થઈ ગયો છે.. કોઈ ખાતું નથી !" બોલો, બહેનને શું કહેવું ? જો સામે મળે તો ચોપડાવી દેવાનું મન થાય છે કે બહેન, આવા વિડીયો બનાવવાને બદલે વહેલી તકે પેલી મીઠાઈઓ તારા ઘરની કામવાળીને આપી દે ! એનાં છોકરાં ખાશે !
હમણાં વળી નવા મેસેજો ચાલ્યા છે… "એક સાઈકલમાં ત્રણ-ત્રણ સવારી જતાં. એક ધક્કો મારે અને બે બેસતાં… આજે બધા પાસે બબ્બે કારો છે પણ સાથે બેસનાર એ દોસ્ત કોને ખબર, ક્યાં છે ?"
જોયું ? રડવાનું તો બંધ જ નહીં કરવાનું ! એક સાઈકલની ત્રણ જણા વચ્ચે ઝુંટાઝુંટ થતી હતી એવા દહાડામાંથી આજે બબ્બે કારવાળા થઈ ગયા છો તો વડીલ રાજી થાવ ને ? શું તમારી પેલી સાઈકલની સીટમાં મોતી ટાંક્યા હતા ? અને આ તમારી કારની સીટોમાં શું થુવરિયાં ઉગ્યાં છે ? બેસોને મસ્તીથી ! કાંટા શેના વાગે છે ? પણ ના, રોત્તલવેડા કરવાનું બહાનું શોધી જ કાઢવાનું ! ઉપરથી કહે છે સાથે બેસનારા એ દોસ્તો ક્યાં છે, કોને ખબર ?
તે કાકા, મોબાઈલમાં સર્ચ મારીને શોધી કાઢો ને ! તમને ના ફાવતું હોય તો કોઈ જુવાનિયાને સોંપો ! પછી ગ્રુપમાં વિડીયો-કોલ કરીને મારો તડાકા ! તમને કોણ રોકવાનું છે ? કાકા, તમારું મૂળ દુઃખ એ નથી કે બબ્બે કારો આવી ગઈ છે, દુઃખ એ છે કે ભાઈબંધો જોડે સંબંધો રાખ્યા નથી ! અરે, એક ભાઈબંધ અમેરિકામાં અને બીજો કેનેડામાં જઈને કેમ નથી બેઠો... ફેસબુક-વોટ્સએપથી ટચમાં રહો ને ! વરસના વચલે દહાડે ટાઈમ કાઢીને કલાક દોઢ કલાક ગપાટાં મારો ને ?
આજની આખી વયોવૃધ્ધ પેઢીની આ સાવ દંભી બિમારી છે. જૂની યાદોને વાગોળ્યા કરવાની અને નવામાં કશી ચાંચ ડૂબાડવાની જ નહીં. (એટલું જ નહીં, ચાંચ ડૂબાડ્યા વિના જ જાહેર કરી દેવાનું કે આ તો બંધુ કડવું છે !)
માથે ધોળાં (અને ઉપર ડાઈ) લઈને ફરનારી આ સિનિયર પેઢીની બીજી તકલીફ એ છે કે બધી સ્ટ્રગલો અમે જ કરી હતી ! શું આજની પેઢીને કોઈ સ્ટ્રગલો જ નહીં હોય ? એમણે પણ તમે અપાવેલું એક સ્કુટી ચાર-ચાર જણા થઈને ખેંચ-ખેંચ કર્યું હશે. એમણે પણ તમે આપેલા પોકેટમનીમાંથી એડજસ્ટ કરીને તમને કીધા વિના મલ્ટી-પ્લેક્સનાં મૂવી જોયાં હશે.
અરે, એ છોડો, તમે તો લેંઘો પહેરીને લગનમાં છોકરીઓને દાળ પીરસવા જતા એમાં તો શું ય મોટા પ્રેમનાં સપનામાં ઉડ્યા કરતા હતા. આજે જુવાનિયાઓને છોકરીઓની ફ્રેન્ડશીપ કરવામાં કેવા કેવા પાપડ વણવા પડે છે એની તમને શી ખબર ? અને હા, આજનાં ગામડાનાં છોકરાં માથે દફતર મુકીને ઘૂંટણ સમાણા પાણી ભરેલી નદી પાર કરીને ભણવા જાય છે એવા એમની પાસે ‘ફોટા’ છે, મોબાઈલમાં ! તમારી પાસે છે કોઈ એવાં પ્રૂફ ?
તમે ખાસ માર્ક કરજો, આખેઆખી દિવાળી પતી જશે પણ મા કસમ, એક મેસેજ એવો નહીં આવે કે ‘નાના હતા ત્યારે સાઈકલનાં ફાંફાં હતા, આજે કારમાં ફરીએ છીએ… વાહ કેવી મહેરબાની છે લક્ષ્મીજીની !’
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment