જુના સમાચારો... રિપીટ ?!

ફરી પાછો કોરોના વાયરસનો વિસ્ફોટ થયો અને ફરી પાછો શહેરોમાં કરફ્યુ લાગવા માંડ્યો ! આજકાલ ટીવી ન્યુઝ જુઓ કે છાપાં ખોલીને વાંચો તો એમ થાય છે કે ‘સાલું, બધા જુના સમાચારો રિ-મિક્સ થઈને પાછા આવી રહ્યા છે કે શું ?’ જુઓ નમુના…


***

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે અફવાઓથી ગભરાટમાં આવી જવાની જરૂર નથી. સરકારે બધી જ વ્યવસ્થા ગોઠવી જ છે.

***

કોંગ્રેસે  આક્ષેપ કર્યો છે કે સરકાર સાચા આંકડાઓ છૂપાવી રહી છે…

***

લોકોએ કર્યો ધસારો… બજારોમાં ઉમટી ભીડ… મોલની બહાર લાગી લાઈનો… (યાદ કરો, માર્ચ ૨૦૨૦)

***

સોશિયલ ડિસ્ટન્સના ફરી ધજાગરા ઉડ્યા… (આ તો પંચાવન વાર રિપિટ થયા.)

***

શાકભાજી બમણા અને ત્રણ ગણા ભાવે વેચાયાં… (સાતમી વાર)

***

પાન મસાલાના શોખીન બંધાણીઓએ ‘બફર’ સ્ટોક ભેગો કરવા માટે ગલ્લાઓ ઉપર ધસારો કર્યો… (અગાઉ કરેલી ભૂલમાંથી બોધપાઠ લીધો છે !)

***

પાકિસ્તાને ફરી સરહદ પારથી તોપમારો કર્યો.. ત્રણ નાગરિક તથા છ જવાન ઘાયલ.. આર્મીએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા…

(સોરી, આ કોરોનાનું નથી પણ રિપિટ તો છે જ ને ?)

***

ચૂંટણીઓમાં થયેલી હાર પછી કોંગ્રેસની નેતાગિરીમાં છવાયેલી હતાશા…

નાણામંત્રીએ નવું આર્થિક પેકેજ જાહેર કર્યું…

(ઉપરના બન્ને સમાચારો હજી બે ચાર વાર રિપિટ થશે. કટિંગો સાચવી રાખજો.)

***

હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો… પંદર દિવસમાં રિપોર્ટ આપવાનો હુકમ કર્યો…

(આ સમાચાર ટુંક સમયમાં રિપિટ થશે, રાહ જુઓ.)

***

અને હા, કોરોનાના કેસની સંખ્યા ફરી ‘જુન-જુલાઈના’ સ્તરે પહોંચી ગઈ છે… જોયું ?!

***

- મન્નુ શેખચલ્લી

Comments