એક જમાનામાં હિન્દી ફિલ્મોમાં વિલનોનો શું ઠાઠ હતો ! ગબ્બર… મોગેમ્બો…. શાકાલ… ડૉક્ટર ડેંગ… ‘લોયન’ અજીત… ક્યારેક વિચાર આવે છે કે એ ફિલ્મોની વરસો પછી સિક્વલ બને ત્યારે એ વિલનોનાં છોકરાં કેવાં હોય ?....
***
દાખલા તરીકે ગબ્બરનો બાબો !
એના બાપાએ જિંદગીભર એક જ ડાર્ક લીલા કલરનાં પેન્ટ શર્ટ પહેરી રાખેલાં ! એના બાપા કદી નહાતા પણ નહોતા. અમને લાગે છે કે ગબ્બરના બાબાનો ઉછેર પણ એ જ રીતે થયો હશે. રામગઢ અને એની આસપાસનાં ગામડાંઓમાંથી ગબ્બરના ડાકુઓ જે અનાજના કોથળા ભરી ભરીને લૂંટી લાવતા હતા એ કોથળામાંથી જ ગબ્બરના બાબલા માટે પેન્ટ શર્ટ બની ગયાં હશે !
હવે આ સીન જુઓ… ગબ્બરનો દિકરો મોટો થઈ ગયો છે. ડાકુગિરી તો ક્યારની બંધ થઈ ગઈ છે છતાં એ વારંવાર પૂછતો ફરે છે : “હોલી કબ હૈ ? કબ હૈ હોલી ?”
કારણ શું ? કે ગબ્બરનો આ દિકરો ગંદા ગંધાતાં કપડાં પહેરીને કંટાળી ગયો હતો એટલે હવે ધોબી બની ગયો છે ! હોળી પછી સૌથી વધારે કપડાં ધોવાના ઓર્ડરો મળતા હોવાથી એ વારંવાર પૂછતો ફરે છે : ‘હોલી કબ હૈ ?’
એક દિવસ એ ગામની પાણીની ટાંકી ઉપર ચડીને બૂમો પાડવા લાગે છે ‘ગાંવ વાલો ! સુન લો ! મૈં જિસે ચાહતા હું અગર વો નહીં મિલા, તો મૈં ઇસ ટંકી મેં ડૂબ કર મર જાઉંગા ! ફિર મેરી લાશ અંદર સડ જાયેગી… સારે ગાંવ મેં ઝહર ફૈલ જાયેગા…’
લોકો ડરી જાય છે. ‘અરે બોલ, તૂ કીસે ચાહતા હૈ ? મૌસી તો મર ગઈ ઔર બસંતી તો શહર જાકર ટેકસી ચલાતી થી, ઉસ કી બેટી પતા નહીં ક્યા ચલાતી હૈ…’
‘અરે, ઉસ કી બેટી કો મૈં નહીં ચાહતા. મૈં કીસી કી બેટી કો નહીં ચાહતા !’
‘તો તૂ ક્યા ચાહતા હૈ ?’
‘મુઝે વીરુ કે બેટે કા હાથ ચાહિયે !’
ગાંવવાળા મુંઝાઈ જાય છે. આ બબૂચકને વીરુના બાબાનો હાથ શા માટે જોઈતો હશે ? રબ્બડ કહે છે :
‘મુઝે કપડે ધોને કે લિયે ઉસ કા હાથ ચાહિયે… સુના હૈ ઉસ કા એક હાથ ઢાઈ કિલો કા હૈ !’
***
આ બાજુ ‘મિસ્ટર ઇન્ડિયા’નો વિલન મોગેમ્બો તો મરી ગયો હતો પણ એનો દિકરો ક્યાં છે ?
તો વાત એમ હતી કે જ્યારે મોગેમ્બોનો પોતાનો અડ્ડો પોતાનાં જ બનાવેલાં મિસાઇલો વડે ભસ્મિભૂત થઈ રહ્યો હતો ત્યારે એ અડ્ડાના ભોંયરામાં આવેલા રસોડામાં મોગેમ્બોનો દિકરો કોઈ ભેદી ઝેરી કેમિકલ્સ બનાવવાના પ્રયોગો કરી રહ્યો હતો. એ જ વખતે બધું ધડામ્ – ભડામ્ કરતું તૂટવા માંડ્યું….
એવામાં દોઢસો કિલોમીટરની ઝડપે ઉછળી રહેલા મોટા મોટા બટાકાઓ ઝીંકાવાથી એનું મોં છુંદાઈ ગયું ! એટલું જ નહીં, એક બાજુથી ખાંડની ચાસણી અને બીજી બાજુથી કાચી કેરીનું છીણ ઉડીને એના ચહેરા ઉપર પડવાથી એનો ફેસ મુરબ્બા જેવો બની ગયો !
ત્યારથી મોગેમ્બોનો દિકરો ‘મુરબ્બો’ તરીકે પ્રખ્યાત છે ! લોકવાયકા મુજબ આજ દિન સુધી કોઈએ એનો ચહેરો જોયો નથી ! સવાલ એ છે કે એ કરે છે શું ?
તો સાંભળો, આ દેશમાં અમુક ચોક્કસ બોડી-બિલ્ડરો, મોટા મોટા મસલ્સવાળા પુરુષો અને મજબૂત પહેલવાન ટાઈપના લોકોને ફોનમાં ધમકીઓ આપતો ફરે છે : ‘યાદ રખના… એક દિન મેં તુમ સબ કો માર ડાલુંગા !’
આ મુરબ્બો આવા ચોક્કસ પ્રકારના પુરુષોને જ શા માટે ટાર્ગેટ કરી રહ્યો છે ?
વેલ, કારણ એ છે કે એ તમામ પુરુષો કોઈને કોઈ વરસે ‘મિસ્ટર ઇન્ડિયા’નો ખિતાબ જીતી ચૂક્યા છે !
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment