સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રમૂજી કિસ્સા

આજકાલ સાઉથની ફિલ્મોનો હિન્દીમાં રિ-મેક બનાવી દેવાનો ટ્રેન્ડ ચાલ્યો છે પરંતુ 1984માં આવેલી ‘તોહફા’ ફિલ્મ પછી સાઉથમાં જ બનતી હિન્દી ફિલ્મોનો રાફડો ફાટ્યો હતો.


એમાં મોટાભાગની ફિલ્મોમાં જિતેન્દ્ર, શ્રીદેવી, જયાપ્રદા, કાદરખાન અને શક્તિકપૂર જ જોવા મળતા. ભલે ફિલ્મોનાં નામો બદલાય બાકી એકટરો તો આ જ હોય ! મોટાભાગની આ ફિલ્મોની સ્ક્રીપ્ટો પણ કાદરખાન જ લખતા હતા. મઝાની વાત એ પણ હતી કે ડીરેક્ટરો તામિલ-તેલુગુ ભાષા જાણતા હોય પણ હિન્દીમાં ખાસ ગતાગમ પડે નહીં એટલે તેના આસિસ્ટન્ટ તરીકે એક ‘લેંગ્વેજ આસિસ્ટન્ટ’ રાખવામાં આવતો !

હવે કિસ્સો એવો બન્યો કે ચેન્નાઈના કોઈ સ્ટુડીયોમાં આવી જ બે ફિલ્મોનું શૂટિંગ બાજુ બાજુના ફ્લોર ઉપર ચાલી રહ્યું હતું. (ફ્લોર એટલે વિશાળ ફેકટરીની સાઈઝનો મોટો શેડ, જેની અંદર સેટ ઊભો કરવામાં આવે.) બન્ને ફિલ્મોમાં કાદરખાન પોતે અભિનય પણ કરી રહ્યા હતા અને તેની સ્ક્રીપ્ટો પણ લખી રહ્યા હતા.

રાત્રે હોટલમાં સૂતા પહેલાં કાદરખાને બન્ને ફિલ્મો માટે જે દ્રશ્યો બીજા દિવસે શૂટ થવાનાં હતાં તેના સંવાદો લખીને તૈયાર રાખ્યા હતા. સંજોગોવશાત્ સવારે સ્ક્રીપ્ટો લેવા આવેલા આસિસ્ટન્ટની ગફલતથી બન્ને સ્ક્રીપ્ટોની અદલા-બદલી થઈ ગઈ !

આ તરફ કાદરખાનનો શૂટિંગનો સમય બપોરનો હતો. એમણે સેટ ઉપર જઈને જોયું તો આખા લોચાની ખબર પડી ! છતાં કાદરખાન બિલકુલ ચૂપ રહ્યા. આખા દિવસનું શૂટિંગ પતી જવા દીધું. છેવટે રાત્રે શૂટિંગ પત્યા પછી બન્ને ફિલ્મના ડીરેક્ટરોને બોલાવીને કહ્યું કે આવો લોચો થયો છે !

ડીરેક્ટરો કહે, હવે શું કરીશું ? કાદરખાને કહ્યું ‘સિમ્પલ છે, તમે જે શૂટિંગ કર્યું છે તેનાં રીલોની અદલા-બદલી કરી લો !’

***

‘હાથી મેરે સાથી’ હિટ ગયા પછી રાજેશ ખન્નાની પણ સાઉથમાં બનતી હિન્દી ફિલ્મો માટે મોટી ડિમાન્ડ હતી. આવી જ એક ફિલ્મમાં મુંબઈની એક જાણીતી સિનિયર અભિનેત્રીને એક ફિલ્મમાં રાજેશ ખન્નાની માનો રોલ કરવાનો હતો.

અભિનેત્રીજી પહેલા દિવસે ચેન્નઈના સ્ટડિયોમાં પહોંચ્યાં ત્યારે મેકપ કરાવતાં પહેલાં તેમણે ડીરેક્ટરને બોલાવ્યા. તેમણે પોતાનો રોલ સમજવા માટે થોડા પ્રશ્નો પૂછ્યા. જેમકે, ‘મૈં કૈસી માં હું? ક્યા મૈં ટ્રેડિશનલ હું, યા મોર્ડન હું ? મૈં સેન્ટિમેન્ટલ હું, યા સ્ટ્રોંગ હું ? મૈં પઝેસિવ હું યા લિબરલ હું ? મૈં કેરિંગ હું, યા ઇન્ડિફરન્ટ હું ?’

સાઉથના ડિરેક્ટર એમની સામું થોડીવાર સુધી જોઈ જ રહ્યા ! પછી સિગારેટની રાખ ખંખેરતાં એમણે ટુંકો ને ટચ જવાબ આપ્યો : ‘ઇતના સબ મત સોચો. બસ, તુમ રાજેશ ખન્ના કી માં હો !’

***

મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા સ્ટારોનાં નખરાં અને ઘમંડ પણ મોટા હોય છે. બિચારા પ્રોડ્યુસરોએ મજબૂરીમાં એમના તમાશા ચલાવી લેવા પડે છે પણ સાઉથમાં એ બાબતે સખત શિસ્ત અને ચૂસ્ત સમય પાલનની પરંપરા છે.

’80ના દાયકામાં મુંબઈની એક જાણીતી અભિનેત્રીને સાઉથના પ્રોડ્યુસરે બમણી પ્રાઈઝ અને ચાર ગણી સાઇનિંગ એમાઉન્ટ આપીને કરારબધ્ધ કરી હતી. ચેન્નાઈ પહોંચવા માટે વિમાનની ટિકીટ અને હોટલની વ્યવસ્થા પણ થઈ હતી. મેડમ અહીં પહેલા જ દિવસે ભાવ ખાવા ગયાં ! સવારે આઠ વાગે સ્ટુડિયો પર પહોંચવાને બદલે બપોરે બાર વાગે પહોંચ્યા !

મેડમને એમ કે પ્રોડ્યુસરો ‘વેલકમ મેડમ...’ કરતા ઊભા હશે પણ અહીં તો એમની કારને સ્ટુડિયોના દરવાજે જ રોકી દેવાઈ ! એક આસિસ્ટન્ટે એમને મુંબઈની રિટર્ન ફ્લાઈટની ટિકીટ પકડાવતાં કહી દીધું. ‘તમને ફિલ્મમાંથી પડતાં મુકવામાં આવ્યાં છે. બાકીની વાતો ફોન ઉપર અમારા સાહેબ જોડે કરી લેજો !’

સ્વભાવિક છે, મુંબઈ પાછા જઈને મેડમે ફોન ઉપર માફી માગી અને રીતસર કરગર્યાં ત્યારે એમને પાછાં લેવાયાં !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment