અમુક સમાચારો ‘ચિંતાજનક સમાચારો’ હોય છે. જોકે અમારું અવળચંડુ દિમાગ એમાંય કંઈક અવળી જ ચિંતા કરતું હોય છે, જેમકે...
***
ચિંતાજનક સમાચાર
સાબરમતી રિવરફ્રન્ટથી ઉડેલા સી-પ્લેનમાં માત્ર છ મુસાફરો ગયા. પ્લેન ખાલી પાછું આવ્યું. નેકસ્ટ ફ્લાઈટ કેન્સલ થઈ...
અમારી ચિંતા
પેલા છ મુસાફરોને પાછા કોણ લાવશે ?
***
ચિંતાજનક સમાચાર
સી-પ્લેન પછી હવે હજીરાથી ઘોઘાની રો-પેક્સ સર્વિસ ચાલુ થશે.
અમારી ચિંતા
એમાં કેટલા પેસેન્જરો જશે ? અને એમાંથી પાછા કેટલા આવશે ?
***
ચિંતાજનક સમાચાર
માઉન્ટ આબુમાં ઠંડીનો 10 વરસનો રેકોર્ડ તૂટ્યો. નવેમ્બરના પહેલા જ દિવસે 5 ડીગ્રી...
અમારી ચિંતા
આ વખતે તો આબુની ઠંડી ઉડાડવા માટે ગુજરાતથી સહેલાણીઓ પણ ઓછા જવાના છે... શું થશે આબુનું ?
***
ચિંતાજનક સમાચાર
ઓનલાઇન પરીક્ષામાં કેટલાંક બાળકો ટેકસ્ટ બુકમાંથી ચોરી કરીને જવાબો લખે છે.
અમારી ચિંતા
અરેરે... જો બાળકોને ટેક્સ્ટ બુકમાંથી સાચા જવાબો શોધતાં આવડી જશે તો પછી ટ્યૂશન ક્લાસોનું શું થશે ?
***
ચિંતાજનક સમાચાર
પાકિસ્તાનના એક વરસના GDP કરતાં ફ્રાન્સના એફિલ ટાવરની કિંમત બમણી છે.
અમારી ચિંતા
ધારો કે પાકિસ્તાન બે-ચાર વરસ ખુબ મહેનત કરીને એફિલ ટાવર ખરીદી પણ લે તોય શું ? છેક પેરિસથી કરાંચી સુધી તેને લાવવાના પૈસા ક્યાંથી કાઢશે ?
અને લાવીને ય શું કરશે ? ટાવર પર ચડીને તાજમહાલને જોયા કરશે ? વાત કરો છો...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment