લોકડાઉન અને કરફ્યુના કારણે ગુજરાતમાં ક્રાઈમ સાવ ઘટી ગયો છે ! આવા સંજોગોમાં પોલીસના ખબરીઓ શેની ખબર લાવે ? સ્મગલિંગની ? આતંકવાદની ? બેન્ક લૂંટની ? કાર-ચોર ગેંગની ?
ના ! અમને લાગે છે કે આ ખબરીઓ આજકાલ પોલીસને નવી છૂપી બાતમીઓ આપી રહ્યા છે…
***
‘સાહેબ, અહીં ફલાણી ફલાણી બેન્કવેટ રેસ્ટોરન્ટમાં દોઢસો જણા એકસાથે જમી રહ્યા છે…’
***
‘સર, હમણાં જ કેટરિંગવાળાને ત્યાંથી ત્રણ ટેમ્પો ભરીને ફૂડ ગયું છે… હું પીછો કરી રહ્યો છું… આટલી મોટી સંખ્યામાં કઈ જગ્યાએ લગ્નમાં લોકો ભેગા થયા છે એની ખબર થોડી જ વારમાં પહોંચાડું છું…’
***
‘સાહેબ ! તમે સાંભળીને ચોંકી જશો ! એક જ મેરેજની બે બે ઠેકાણે ઇવેન્ટો ચાલી રહી છે !’
***
‘સર, અહીં તાત્કાલિક છાપો મારવા જેવો છે…. અહીં એક પાનાના ગલ્લે મિનિમમ પચ્ચીસ જણા માસ્ક વગર ટોળે વળીને ઊભા છે !’
***
‘સર, એક બહુ મોટી કરોડપતિ પાર્ટી કારમાં બેસીને તમારી બાજુ આવી રહી છે… એણે માસ્ક નથી પહેર્યું !’
***
‘સાહેબ, સંભાળજો… આવા રાતના ટાઈમે કરફ્યુમાં ચાર બાઈકવાળા છોકરા લટાર મારવા નીકળ્યા છે…. અરે, સંભાળવાનું એટલા માટે છે એમાંથી એક છોકરો કોરોના પોઝિટિવ છે !’
***
‘સર ! સર ! મેં બહુ મોટું કૌભાંડ પકડ્યું છે ! અહીં પોલીસ પોઈન્ટથી 100 મીટર પહેલાં અમુક ફેરિયાઓ ફૂટપાથ પર ઊભા રહીને પાંચ-પાંચ રૂપિયામાં માસ્ક ભાડે આપે છે… પછી પેલી સાઈડે ઉભેલા ફેરિયા પાછાં ઉઘરાવી લે છે ! ’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment